Sports

એશિયા કપનું શિડ્યુલ જાહેર: પાકિસ્તાનમાં આટલી મેચો રમાશે

નવી દિલ્હી: એશિયા કપ ક્યાં રમાશે તે સ્થળને લઈને છેલ્લાં ધણાં સમયથી મૂંઝવણ હતી. પાકિસ્તાનને અશિયા કપની યજમાની સોપાતા ટીમ ઈન્ડિયાને (Team Indian) પાકિસ્તાન મોકલવાનો BCCIએ ઈન્કાર કર્યો હતો. BCCIના ઈન્કાર પછી પાકિસ્તાને હાઈબ્રિડ મોડલ રજૂ કર્યુ હતું. જેનો ICCએ સ્વીકાર કરી લીધો હતો. ત્યારે આજે ગુરુવારે  એશિયન ક્રિકેટ કાઉન્સિલે (ACC) એશિયકપનું શિડ્યુલ જાહેર કર્યું હતું. આ શિડ્યુલ પાકિસ્તાન (Pakistan) હાઈબ્રિડ મોડેલને (Hybrid model) ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 4 મેચ પાકિસ્તાનમાં જ્યારે 9 મેચો શ્રીલંકામાં રમાશે. એશિયા કપની પ્રથમ મેચ 31 ઓગસ્ટના રોજ રમાશે જ્યારે ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકામાં રમાશે.

વન-ડે ફોર્મેટમાં આ વખતે એશિયા કપ રમાશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની ટીમો રમશે. ભારત, પાકિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપમાં રમશે જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં રમશે. બંને ગ્રુપમાંથી બે-બે ટીમ સુપર-4માં પહોંચશે અને પછી રાઉન્ડ રોબિન ફોર્મેટ અંતર્ગત કુલ 6 મેચ રમાશે. આ પછી, બે ટીમો ફાઇનલમાં પહોંચશે અને તેમની વચ્ચે ટાઇટલ મેચ રમાશે. આ રીતે એશિયા કપ 2023માં ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે.

પાકિસ્તાન Vs નેપાળ અને બીજા ગ્રુપમાંથી અફઘાનિસ્તાન Vs બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન Vs શ્રીલંકા અને બાંગ્લાદેશ Vs શ્રીલંકાની મેચ પાકિસ્તાનમાં રમાશે. જ્યારે શ્રીલંકામાં ભારત Vs પાકિસ્તાન અને ભારત Vs નેપાળની મેચ રમાશે. બંને ગ્રુપમાંથી ટોપ-2માં આવતી ટીમ સુપર-4માં પહોંચશે. સુપર-4ની તમામ મેચ અને ફાઈનલ પણ શ્રીલંકામાં રમાશે.

એશિયા કપ અંગે અગાઉ એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઓમાન ક્રિકેટ બોર્ડના ચીફ અને એસીસી સદસ્ય પંકજ ખિમજીએ શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાન બોર્ડનાં વિરોધ કર્યા પછી પણ પાકિસ્તાનના હાઈબ્રિડ મોડેલ સાથે પોતાની સહમતી વ્યકત કરી.

પાકિસ્તાન વર્લ્ડ કપ માટે તૈયાર
એશિયા કપના વિવાદના સમાધાન બાદ પાકિસ્તાન વર્લ્ડ કપ માટે પણ તૈયાર હોવાનું સામે આવ્યું છે. ICCના CEO જ્યોફ એલાર્ડિસ અને ચેરમેન ગ્રેગ બાર્કલે આ અંગે કરાચીમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ નજમ સેઠીને મળ્યા હતા. તે મીટિંગમાં સ્પષ્ટ થયું હતું કે એશિયા કપની ચાર મેચો પાકિસ્તાનમાં રમાશે પછી પાકિસ્તાની ટીમ દ્વારા વર્લ્ડ કપ માટે કોઈ શરત મૂકવામાં આવશે નહીં. આનો સ્પષ્ટ અર્થ એ છે કે પાકિસ્તાનની ટીમ હવે અમદાવાદમાં વર્લ્ડકપ 2023 સામે રમતી જોવા મળશે. જ્યારે પાકિસ્તાનની બાકીની મેચો ચેન્નાઈ અને હૈદરાબાદમાં યોજાઈ શકે છે.

Most Popular

To Top