Sports

વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો અપસેટ: ઇંગ્લેન્ડને પછાડી દક્ષિણ આફ્રિકા પહેલીવાર ફાઇનલમાં

કેપટાઉન : મહિલા ટી-20 વર્લ્ડકપમાં (Women’s T20 World Cup) આજે રમાયેલી બીજી સેમીફાઇનલમાં લૌરા વોલવાર્ટ અને તાઝમીન બિટ્સની આક્રમક અર્ધસદીઓ અને બંને વચ્ચેની 96 રનની ઓપનીંગ ભાગીદારીની મદદથી દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટે 164 રન કર્યા પછી ઇંગ્લેન્ડને 8 વિકેટે 158 રન સુધી સિમિત રાખીને 6 રને જીત મેળવીને પહેલીવાર મહિલા ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

  • લૌરા વોલ્વાર્ટ અને તાઝમીન બિટ્સની અર્ધસદીઓની પ્રતાપે દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટે 164 રન કર્યા
  • અયાબોન્ગા ખાકા અને શબનીમ ઇસ્માઇલે મળીને ઇંગ્લેન્ડને 158 સુધી સિમિત રાખ્યું
  • મહિલા ટી-20 વર્લ્ડકપની બીજી રોમાંચક સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 6 રને હરાવ્યું

165 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડને સોફી ડંકલી અને ડેનિયેલા વ્યાટે મજબૂત શરૂઆત અપાવી હતી. જો કે 85 રનમાં 3 વિકેટ ગુમાવી દીધા પછી તેમની સ્થિતિ બગડી હતી અને અધુરામાં પુરૂ તેમની સ્ટાર ઓલરાઉન્ડર નેટ સ્કવીર બ્રન્ટ અણીના સમયે આઉટ થઇ હતી. તે પછી 18મી ઓવર ફેંકવા આવેલી અયાબોન્ગા ખાકાએ પોતાની એ ઓવરમાં ત્રણ વિકેટ ઉપાડીને દક્ષિણ આફ્રિકાની જીત નિશ્ચિત બનાવી હતી અને શબનીમ ઇસ્માઇલે અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી 13 રનની સામે માત્ર 6 રન કરવા દેવાની સાથે એક વિકેટ પણ ઉપાડી દક્ષિણ આફ્રિકાને જીત અપાવી હતી.
આ પહેલા ટોસ જીતીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકન ટીમને લૌરા અને તાઝમીને આક્રમક શરૂઆત અપાવી હતી. બંનેએ 96 રનની ભાગીદારી કરી હતી. લૌરા 44 બોલમાં 53 રન કરીને આઉટ થઇ હતી. તાઝમીન અને મેરીઝેન વચ્ચે તે પછી 46 રનની ભાગીદારી થઇ હતી. તાઝમીન 55 બોલમાં 68 રન કરીને આઉટ થઇ હતી. તે પછી દક્ષિણ આફ્રિકાએ વધુ બે વિકેટ ગુમાવી હતી અને અંતિમ ઓવરમાં મેરીઝેનના 13 બોલમાં 27 રનની મદદથી તેમણે 4 વિકેટે 164 રન કર્યા હતા.

Most Popular

To Top