સુરત: ‘વિશ્વ આદિવાસી દિવસ’ (World Tribal Day) એટલે વિશ્વભરમાં વસતા આદિવાસીઓ માટેનો અનોખો પર્વ, પરંપરાગત વેશભુષા અને વાજિંત્રોનાં તાલે ટીમલી ગીતનાં તાલે રેલીઓ (Rally) યોજી આ પ્રજાએ સમગ્ર દક્ષિણ ગુજરાતનું (South Gujarat) વાતાવરણ ગુંજાવ્યુ હતું. દક્ષિણ ગુજરાતના ડાંગ, મહુવા, અનાવલ, તાપી, વ્યારા, અંકલેશ્વર અને નવસારીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આદિવાસી પરંપરા અનુસાર ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
- ક્યાંક રેલી તો ક્યાંક મૌન રેલી યોજી, આદિવાસી દિવસની ઉજવણી કરાઈ
- વ્યારામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદીની ચળવળમાં ગુજરાતના આદિજાતિ વિરલાઓએ આપેલા બલિદાનનું સ્મરણનું ર્ક્યુ
મહુવા તાલુકામાં સતત સાતમી વાર 9મી ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી નિમિત્તે અનાવલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી ત્યાંથી મહુવા સુધી બેન્ડના સથવારે ભવ્ય આદિવાસી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત વસ્ત્રો તેમજ વાંજિત્રો સાથે મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા. ત્યારે ‘જય આદિવાસી’ના નારાથી વાતવરણ ગુંજી ઉઠ્યું
નવસારી શહેરમાં આવેલા બીરસા મુંડા માર્ગ પરના ત્રણ રસ્તા પાસે એટલે કે પ્રાંત કચેરીની બાજુમાં ભગવાન બિરસા મુંડાજની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રતિમાનું અનાવરણ બાદ આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલી કાલીયાવાડી બીરસા મુંડા સર્કલથી નીકળી જુનાથાણા થઈ લુન્સીકૂઇ બાબાસાહેબની પ્રતિમા પાસેથી સિંધી કેમ્પ પ્રીતમદાસ ચોક થઈ ટેકનિકલ સ્કૂલ, છાપરા રોડ થઈ ગંગા બા હોલ ખાતે પૂર્ણ થઇ હતી.
વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કૂકરમુંડા તાલુકાના મુખ્ય મથકે બિરસા મુંડા ચોકથી તાલુકા સેવા સદન સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી. આદિવાસી હક્ક સંરક્ષણ સમિતિ અને આદિવાસી યુવા સંગઠન, કૂકરમુંડા દ્વારા આદિવાસી સમાજના વિવિધ પડતર પ્રશ્નો અંગે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધતું આવેદન મામલતદારને આપવામાં આવ્યું હતું.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો તાપી જિલ્લામાંથી રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપીની પવિત્રભૂમિ પરથી રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા આ અભિયાનનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું. આઝાદીની ચળવળમાં ગુજરાતના આદિજાતિ વિરલાઓએ આપેલા બલિદાનનું સ્મરણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વીરોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
અંકલેશ્વર શહેરના માર્ગો ઉપરથી આદિવાસી સમાજના લોકો પારંપરિક વસ્ત્રોમાં, માથે સાફો બાંધીને તેમજ પારંપરિક વાજિંત્રો સાથે અને તીરકામઠા સાથે ઉમટી પડ્યા હતા.
આદિવાસી સમાજના લોકો દ્વારા વિવિધ ઝાંખીઓ સાથે આદિવાસી રેલી યોજી અલગ-અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી આદિવાસી સમાજ દ્વારા રેલી શરૂ કરવામાં આવી હતી જે ભરૂચનાકા પાસે સમાપ્ત થઇ હતી.
સુરતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે 11 સંગઠનો અને અલગ-અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. એક કિમી લાંબી રેલીમાં ‘પર્યાવરણ બચાવો’, ‘આદિવાસી બચાવો’ સહિતના વિવિધ બેનરો દર્શાવવામાં આવ્યા હતા.