રશિયા અને યુક્રેન (Russia Ukraine) વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને દેશો એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. દરમિયાન યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (Nuclear Power Plant) પર થયેલા હુમલા માટે રશિયા અને યુક્રેને સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમક્ષ એકબીજાને દોષી ઠેરવ્યા હતા. આ અંગે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના વડાએ કહ્યું કે આ હુમલાએ વિશ્વને “ખતરનાક રીતે પરમાણુ દુર્ઘટનાની નજીક” પહોંચાડ્યું છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર થયેલા હુમલાએ સમગ્ર વિશ્વને તણાવમાં મૂકી દીધું છે.
IAEAના ડાયરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રોસીએ જણાવ્યું હતું કે તેમની એજન્સીએ 7 એપ્રિલથી ઝાપોરીઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ત્રણ હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે આ અવિચારી હુમલાઓ તરત જ બંધ થવા જોઈએ. જો કે સદનસીબે આ વખતે કોઈ રેડિયોલોજીકલ અકસ્માતો સર્જ્યા નથી પરંતુ તેઓ નોંધપાત્ર રીતે જોખમ વધારે છે.
ગ્રોસીએ મીટિંગ પછી પત્રકારોને જણાવ્યું હતું કે પ્લાન્ટ પર હુમલો કરનાર ડ્રોનની રીમોટ-કંટ્રોલ પ્રકૃતિનો અર્થ એ છે કે તેમને કોણ ચલાવે છે તે નિશ્ચિતપણે શોધી કાઢવું અસંભવ છે. તેમણે કહ્યું કે આવું કંઈક કહેવા માટે અમારી પાસે પુરાવાની જરૂર છે. આ હુમલા બહુવિધ ડ્રોન દ્વારા કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે Zaporozhye પરમાણુ પ્લાન્ટ દક્ષિણ-પૂર્વ યુક્રેનમાં રશિયન-નિયંત્રિત પ્રદેશમાં સ્થિત છે અને તેમાં છ પરમાણુ રિએક્ટર છે. યુક્રેન અને તેના સાથીઓએ સોમવારે ફરીથી સાઇટ પર ધમકીઓ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું. યુએસ ડેપ્યુટી એમ્બેસેડર રોબર્ટ વુડે યુએસ અને સ્લોવેનિયા દ્વારા શરૂ કરાયેલી સુરક્ષા પરિષદની બેઠકમાં જણાવ્યું હતું કે “રશિયા આ જોખમોની પરવા કરતું નથી.” રશિયાના યુએન એમ્બેસેડર વેસિલી નેબેન્ઝિયાએ કહ્યું કે IAEA રિપોર્ટમાં એ નથી જણાવવામાં આવ્યું કે હુમલા પાછળ કયો પક્ષ છે. અમે સારી રીતે જાણીએ છીએ કે તે કોણ છે. સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનના રાજદૂત સેર્ગી કિસલિત્સ્યાએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં આવા હુમલાઓ માત્ર ફરી શરૂ થયા નથી પરંતુ તે નોંધપાત્ર રીતે તીવ્ર પણ થયા છે. નેબેન્ઝિયાએ કહ્યું કે રશિયાએ આ આયોજનબદ્ધ હુમલો કર્યો છે તેના પાડોશી દેશ પરના હુમલાથી વિશ્વનું ધ્યાન હટાવવા માટે.