ગાંધીનગર: ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી (Childrens University) ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. શ્રેષ્ઠ માનવના નિર્માણ માટે બાળકનું શ્રેષ્ઠ હોવું અનિવાર્ય છે. આ માટે પ્રયત્નશીલ ભારતની અને સંભવત: વિશ્વની (World) પહેલી એવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ૧૪મા સ્થાપના દિવસ અને ચોથા દીક્ષાંત સમારોહમાં (Convocation) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું.
- રાષ્ટ્ર નિર્માણના પ્રજ્વલિત યજ્ઞમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન શિક્ષકનું હોય છે: પ્રફુલ્લ પાનસેરિયા
- ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ સંપન્ન
વિશ્વની પહેલી એવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ૧૪મા સ્થાપના દિવસ અને ચોથા દીક્ષાંત સમારોહનું આજે ગાંધીનગરમાં આયોજન કરાયું હતું. રાજ્યપાલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના ચાર તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ પદકથી સન્માનિત કરાયા, કુલ ૯૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. આ પ્રસંગે આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, ખેડૂત ધરતીમાં બીજ વાવે છે ત્યારે બીજ અંકુરિત થાય તે પહેલાં નિંદામણ ઊગી જાય છે. દુનિયામાં પણ આવું જ છે, બાળકોને સારું શિક્ષણ અને સંસ્કારો મળે તે પહેલાં બુરાઈ પોતાનો પ્રભાવ દેખાડી દે છે. માઇક્રોફોનમાં પાંચ રૂપિયાની કિંમતનું લોખંડ અને પાંચ રૂપિયાની કિંમતનું પ્લાસ્ટિક; એમ જોઈએ તો ૧૦ રૂપિયાના મૂલ્યની વસ્તુઓ વપરાયેલી છે. છતાં આ માઇક્રોફોનની કિંમત ૩૫ હજાર રૂપિયા છે. એટલે મૂલ્ય હંમેશા ગુણોનું છે, સંસ્કારનું છે. આ સૃષ્ટિ પર અનેક મનુષ્યો આમ-તેમ ભટકે છે, પરંતુ જેમણે સંસ્કારો મેળવ્યા છે, જેમણે શિક્ષણ મેળવ્યું છે તેઓ જ સન્માન મેળવે છે.
પદવી પ્રાપ્ત કરનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષકની કારકિર્દી એક વ્યવસાય નહિ, પણ જીવન દર્શન સાથે વ્યક્તિ નિર્માણની સાધના છે. એટલે જ, રાષ્ટ્ર નિર્માણના પ્રજ્વલિત યજ્ઞમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન શિક્ષકોનું હોય છે. એક શિક્ષક બાળ માનસના વિકાસ થકી સમાજમાં સદભાવનાનું વાતાવરણ ઉભુ કરે છે. આજે પદવી પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થી પણ રાષ્ટ્ર નિર્માણ સહિત સમાજ કલ્યાણ માટે સમર્પિત રહી પોતાની ફરજનું પાલન કરે.
તેમણે વધુમાં હતું કે, પહેલાના સમયમાં શેરી રમતો હતી, જેના પરિણામે બાળકનો માનસિક અને શારીરિક વિકાસ યોગ્ય થતો હતો. આજના સમયમાં આ શેરી રમતોનું સ્થાન વિડીયો ગેમ્સે લીધું છે, જેની બાળ માનસ ઉપર ખુબ જ મોટી અસર જોવા મળી રહી છે. એટલા માટે જ, બાળપણથી જ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી વાલી સહિત શિક્ષકોની પણ છે. બાળકના માતા-પિતાએ સૌથી વધુ કાળજી લેવાની જરૂર છે, કારણ કે બાળક તેના માતા-પિતાનું જ પ્રતિબિંબ હોય છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા.