Sports

વર્લ્ડ કપ સેમીફાઈનલ: ભારતે કર્યું શાનદાર રમતનું પ્રદર્શન, ન્યુઝીલેન્ડને આપ્યો 398 રનનો ટાર્ગેટ

વર્લ્ડ કપની (world cup) પહેલી સેમીફાઈનલ મેચ ભારત (India) અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ન્યૂઝીલેન્ડને 398 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ભારતે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 397 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સદી બનાવી હતી.ન્યૂઝીલેન્ડ તરફે ટિમ સાઉથીએ 3 વિકેટ લીધી હતી.

કેપ્ટન રોહિત શર્મા 29 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે શુભમન ગિલ સાથે 50 બોલમાં 71 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ 80 રન પર રિટાયર્ડ હર્ટ થયો હતો. વિરાટ કોહલી 113 બોલમાં 117 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યરે 70 બોલમાં 105 રન બનાવી વર્લ્ડ કપમાં સતત બીજી સદી ફટકારી હતી.

આજની સેમીફાઈનલમાં રોહિત અને વિરાટ રેકોર્ડ બ્રેક કર્યા હતા. વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો વનડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટે પોતાની વન-ડે કરિયરની 50મી સદી અને ઈન્ટરનેશનલ કરિયરની 80મી સેન્ચુરી પૂરી કરી હતી. સાથેજ વિરાટ કોહલી વર્લ્ડ કપની એક સિઝનમાં 600થી વધુ રન બનાવનાર ભારતનો ત્રીજો ખેલાડી બન્યો છે. આ પહેલાં સચિન તેંડુલકર 2003માં અને રોહિત શર્મા 2019માં રન બનાવી ચુક્યા છે.

બીજી તરફ રોહિત શર્માએ વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આજની મેચમાં ત્રીજી સિક્સર ફટકારીને રોહિતના નામે વર્લ્ડ કપમાં 50 સિક્સરનો રેકોર્ડ બન્યો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલનો 49 સિક્સરનો રેકોર્ડ તોડ્યો હતો.

ન્યૂઝીલેન્ડ સામે સેમી ફાઈનલમાં શુભમન ગિલે સારી રમતનું પ્રદર્શન કર્યું હતું. ગિલે શાનદાર 79 રન બનાવ્યાં હતા પરંતુ અચાનક તેને મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું. ગિલને પગમાં ખેંચી આવી ગઇ હતી. તે હવે વધારે રમી શકે તેવી હાલતમાં જ નહોતો. જેથી તેને પેવેલિયન જતા રહેવું પડ્યું હતું.

Most Popular

To Top