ODI વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) અફઘાનિસ્તાનની (Afghanistan) ટીમે વધુ એક મોટો અપસેટ સર્જ્યો છે. અફઘાનિસ્તાને પાકિસ્તાન (Pakistan) સામે 8 વિકેટે જીત મેળવી છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ સતત ત્રીજી હાર છે અને હવે તેના માટે સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે.
પાકિસ્તાને આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 282 રન બનાવ્યા હતા, જ્યારે અફઘાનિસ્તાનની ટીમે 49 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને ODI ફોર્મેટમાં પ્રથમ વખત પાકિસ્તાનને હરાવવામાં સફળ રહી હતી. વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનની આ બીજી જીત છે. અફઘાનિસ્તાને આ જ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને પણ હરાવ્યું છે.
ચેન્નાઈના ચેપોક મેદાન પર પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 282 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની ટીમને આ મેચ જીતવા માટે 283 રનનો ટાર્ગેટ હતો. આવી સ્થિતિમાં ટીમને રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાનની ઓપનિંગ જોડી પાસેથી સારી શરૂઆતની આશા હતી. બંને ખેલાડીઓ સારૂ પ્રદર્શન કર્યું હતું અને પ્રથમ 10 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના ટીમના સ્કોરને 60 રન સુધી લઈ ગયા હતા. આ પછી ગુરબાઝ અને ઝદરને ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું અને 16મી ઓવરમાં જ ટીમનો સ્કોર 100ને પાર કરી ગયો.
બંને ખેલાડીઓ વચ્ચે પ્રથમ વિકેટ માટે 130 રનની ભાગીદારી થઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાન ટીમને પહેલો ફટકો રહેમાનુલ્લાહ ગુરબાઝના રૂપમાં લાગ્યો હતો, જે 65 રનની અંગત ઇનિંગ રમતા શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો. ઈબ્રાહિમ ઝદરાને 87 રન બનાવ્યા હતા. તેણે રહેમાનુલ્લા ગુરબાઝ સાથે 130 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. 190 રન પર ઝદરાનની વિકેટ ગુમાવ્યા બાદ રહમત શાહે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી સાથે મળીને 96 રન બનાવીને ટીમને જીત અપાવી હતી.