વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 21મી મેચમાં ધર્મશાલાના મેદાન પર ભારતે (India) ન્યૂઝીલેન્ડને (New Zealand) 4 વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડકપમાં 20 વર્ષ બાદ ભારતે ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો. વિરાટ કોહલીએ (Virat Kohli) શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. જોકે ફક્ત 5 રનથી તે સદી ચુકી ગયો હતો. સિક્સર મારવાના પ્રયાસમાં તે આઉટ થયો હતો. છેલ્લે સુધી અસંભાવનાઓની વચ્ચે રમાયેલી મેચ ખૂબજ રોમાંચક થઈ ગઈ હતી જોકે આખરે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી પોઈંટ ટેબલ પર પ્રથમ સ્થાન મેળવી લીધું હતું.
ODI વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ધર્મશાલાના મેદાન (Ground) પર રમાઈ હતી. ટીમ ઈન્ડિયાના (Team India) કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 274 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લોકી ફર્ગ્યુસને ભારતને પહેલો ફટકો આપ્યો હતો. તેણે કેપ્ટન રોહિત શર્માને બોલ્ડ કર્યો હતો. રોહિત 46 રન બનાવીને આઉટ થયો હતો. ફર્ગ્યુસને બીજી વિકેટ લેતા તેણે ગિલને આઉટ કર્યો હતો. રોહિત-ગિલના આઉટ થયા બાદ કોહલીએ ભારતની પારી સંભાળી હતી. અય્યર સાથે 49 બોલમાં 52 રન અને રાહુલ સાથે 64 બોલમાં 54 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.
ન્યૂઝીલેન્ટ તરફે ત્રીજી વિકેટ ટ્રેન્ટ બોલ્ટે લીધી હતી. તેણે શ્રેયસ અય્યરને આઉટ કર્યો હતો. મિચેલ સેન્ટનરે ચોથી વિકેટ મેળવી હતી. કેએલ રાહુલને LBW આઉટ કર્યો હતો જ્યારે સૂર્યકુમાર રનઆઉટ થયો હતો. જાડેજા અને કોહલીએ અડધી સદીની ભાગીદારી કરીને ટીમને આગળ વધારી હતી. વિરાટ કોહલી ફક્ત 5 રનથી સદી ચૂકી ગયો હતો. તેણે 104 બોલમાં 95 રન બનાવ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 273 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઇંડિયાએ છેલ્લા બોલ પર વિકેટ લઈ ન્યૂઝીલેન્ડની ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહને એક-એક વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફે ડેરિલ મિશેલે 130 રન બનાવ્યા હતા. જ્યારે રચીન રવિન્દ્રએ 75 રન બનાવ્યા હતા. બંનેની જોડી ટીમને એક સારા સ્કોર તરફ લઈ ગઈ હતી.
આ પહેલાં ટીમ ઈન્ડિયાના (Team India) કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મોહમ્મદ શમી ચાર મેચ સુધી બહાર રહ્યા બાદ આજે ન્યુઝીલેન્ડ સામે પરત ફર્યો હતો. તેણે પહેલા જ બોલ પર વિકેટ લઈને પરત ફરવાની ઉજવણી કરી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડે પાવર પ્લેમાં 10 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. જેને કારણે તેની ઉપર ભારતીય બોલરોનો દબાવ વધ્યો હતો. 25 ઓવરને અંતે ન્યૂઝીલેન્ડએ 120 રન બનાવ્યા હતા. બે વિકેટ ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવીન્દ્ર અને ડેરિલ મિશેલે ઇનિંગ સંભાળી 100 પ્લસ રનની ભાગીદારી કરી હતી. રચિન રવીન્દ્રએ પોતાના કરિયરની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી.
ધુમ્મસના કારણે 20 મિનિટ સુધી મેચ અટકી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ નહીં પણ ધુમ્મસ વિલન બન્યું હતું. ધુમ્મસના કારણે 20 મિનિટ સુધી મેચ રોકી દેવામાં આવી હતી. ખેલાડીઓને જોવામાં મુશ્કેલી પડી રહી હોવાને કારણે મેચ રોકી દેવામાં આવી હતી. જોકે 20 મિનિટ બાદ ધુમ્મસ હટી ગયું અને મેચ ફરી શરૂ થઈ હતી.