Sports

વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડની 16 વર્ષે પણ શ્રીલંકા સામે જીતવાની ઇચ્છા અધૂરી રહી ગઈ, શ્રીલંકાએ 8 વિકેટે બાજી મારી

વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 25મી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શ્રીલંકા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇંગલેન્ડ (England) વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ 8 વિકેટે શાનદાર જીત મેળવી હતી. શ્રીલંકા (Sri Lanka) વિરૂદ્ધ વર્લ્ડ કપની આ મોટી મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ઇંગ્લેન્ડની ટીમ કોઈ ખાસ કમાલ કરી શકી ન હતી. શ્રીલંકાએ ઇંગ્લેન્ડને 156 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. ઇંગ્લેન્ડની 16 વર્ષ બાદ પણ વન-ડે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે જીતવાની ઇચ્છા અધૂરી રહી ગઈ છે. ઇંગ્લેન્ડએ શ્રીલંકા સામે છેલ્લી જીત 1999માં મેળવી હતી. વર્ષ 2007, 2011, 2015 અને 2019માં શ્રીલંકા સામેની તમામ મેચો ઇંગ્લેન્ડ હારી ગયું હતું.

ઇંગ્લેન્ડની ટીમ 33.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બેન સ્ટોક્સે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા જ્યારે ઓપનર જોન બેયરસ્ટોએ 30 રનનું યોગદાન આપ્યું હતું. ડેવિડ મલાને 28 રન બનાવ્યા હતા. ટીમના કેપ્ટન બટલરે ફરી એક વાર નિરાશાજનક પારી રમી હતી. બટલર ફક્ત 8 રન બનાવી આઉટ થયા ગયો હતો. બીજી તરફ શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારે 3 જ્યારે કસુન રંજીથા અને એન્જેલો મેથ્યુઝે 2-2 વિકેટ લીધી હતી. મહિશ થિક્સાનાએ પણ એક વિકેટ મેળવી હતી.

શ્રીલંકાની ટીમને જીતવા માટે 157 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પથુમ નિસાંકાએ પોતાના 50 રન પુરા કર્યા હતા. કુસલ મેન્ડિસ અને કુસેલ પરેરાના આઉટ થયા બાદ નિસાંકા અને સદિરા સામ્રાવિકર્મા પારી સંભાળી હતી. શ્રીલંકાની ટીમે બીજી જ ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી. ડેવિડ વિલીએ કુસલ પરેરાને આઉટ કર્યો હતો. ડેવિડ વિલીએ કુસલ મેન્ડિસને આઉટ કર્યો હતો. પથુમ નિસાંકાએ 83 બોલમાં 77 રન અને સાદિરા સામ્રાવિકર્માએ 54 બોલમાં 65 રન બનાવ્યા હતા.

હાલમાં તમામ ટીમો વચ્ચે ODI વર્લ્ડ કપ 2023માં એકબીજાને પછાડવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. સેમિફાઇનલની રેસ ચાલુ છે અને દરેક ટીમ લીગ સ્ટેજ પછી ઓછામાં ઓછા ટોપ 4માં સ્થાન મેળવવા માંગે છે જેથી તેમની પાસે ટાઇટલ જીતવાની તક રહે. જો કે ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા હાલમાં આગળ છે પરંતુ હજુ ઘણી મેચો બાકી છે અને જે પ્રકારનો ઉલટફેર થઈ રહ્યો છે તે જોતા સેમીફાઈનલમાં ચાર ટીમો કોણ હશે તે કહેવું હાલ મુશ્કેલ છે. ગુરુવારને મેચમાં શ્રીલંકાએ વધુ એક સેટેબેક સર્જી ડિફેન્ડિંગ ઇંગ્લેન્ડની ટીમને ખૂબ લાંબા માર્જીનથી હરાવી દીધી હતી. જણાવી દઈએ કે આ વર્લ્ડ કપમાં બંને ટીમની આ પાંચમી મેચ હતી. ઇંગ્લેન્ડે 5માંથી માત્ર એક જ જીત મેળવી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ શ્રીલંકાએ 5માંથી ત્રણ હારી છે અને બે મેચ જીતી છે.

વર્લ્ડ કપ 2023માં બટલર ફેલ
ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે પરંતુ આ વખતે તેનું બેટ સંપૂર્ણ રીતે શાંત છે. આ વર્ષના વર્લ્ડ કપમાં રમાયેલી પાંચ ઇનિંગ્સમાં તેના નામે એક પણ અડધી સદી નથી. બે વખત તે સિંગલ ડિજિટ પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાને કારણે આ વખતે પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં જોસ બટલરે 42 બોલમાં 43 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે તેની બીજી મેચ બાંગ્લાદેશ સામે રમી હતી. આ મેચમાં તેણે 10 બોલમાં માત્ર 20 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન જેવી ટીમ સામે પણ બટલર 18 બોલમાં માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. જ્યારે સાઉથ આફ્રિકા સામે મેચ હતી ત્યારે ત્યાં પણ સાત બોલમાં 15 રન બનાવ્યા હતા. આ પછી શ્રીલંકા સામે બટલરનું બેટ કામ ન કરી શક્યું અને તે છ બોલમાં આઠ રન બનાવીને આઉટ થઈ ગયો.

Most Popular

To Top