Gujarat

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ: એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિકની ટીમના એર-શોએ ચાહકોના દિલ જીતી લીધા

અમદાવાદ: (Ahmedabad) ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે છે. ટીમ ઈન્ડિયા 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ત્યારે ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા ફાઈનલ મેચ પહેલા સ્ટેડિયમ પર મજેદાર કાર્યક્રમો થયા હતા. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે સ્ટેડિયમ ઉપર ફ્લાયપાસ્ટ કર્યું હતું. વાયુસેનાએ 2023 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલને અદભૂત બનાવી હતી અને દર્શકોને રોમાંચિત કર્યા હતા. ચાહકો આ એરશો જોઈને રોમાંચિત થયા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત 9 હોક્સે એર શો અને એક્રોબેટિક્સનું પ્રદર્શન કર્યું હતું. સૂર્યકિરણ એરોબેટિક ટીમની રચના 1996 માં કરવામાં આવી હતી અને તેમાં ઉચ્ચ પ્રશિક્ષિત IAF પાઇલટ્સનો સમાવેશ થાય છે જેઓ એરોબેટિક્સમાં નિષ્ણાત છે. ટીમે હોક એમકે 132 એરક્રાફ્ટ ઉડાવીને વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. ટીમે શુક્રવાર અને શનિવારે રિહર્સલ કર્યું હતું.

સ્ટેડિયમની અંદર હાજર લગભગ 1.30 લાખ દર્શકો આકાશ તરફ નજર કરીને એક્રોબેટિક્સ જોઈ રહ્યા હતા. બીજી તરફ લગભગ એક અબજ લોકો ટેલિવિઝન અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ફાઈનલ પહેલા આ અદ્ભુત એર શોના સાક્ષી બન્યા હતા. એરફોર્સ એર શોએ ભારતને માત્ર રમતગમત સમુદાયમાં જ નહીં પરંતુ સામાજિક-રાજકીય સંદર્ભમાં પણ વિશાળ સંદર્ભમાં તેની તાકાત દર્શાવવાની તક આપી હતી.

Most Popular

To Top