સુરતઃ હીરા ઉદ્યોગ છેલ્લાં એક દોઢ વર્ષથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. વાત એટલી વણસી છે કે હીરાની કંપનીઓ રત્નકલાકારોના પગાર ઘટાડી રહી છે, તેઓને નોકરીમાંથી છૂટા કરી રહી છે, જેના લીધે રત્નકલાકારો આર્થિક સંકટમાં મુકાયા છે. આવી કફોડી સ્થિતિમાં સુરતમાં વધુ એક રત્નકલાકારે જીવન ટુંકાવી લીધું છે.
ગયા અઠવાડિયે સુરતની એશિયન સ્ટાર ડાયમંડ કંપની વિવાદોમાં સપડાઈ હતી. આ કંપનીએ સામી દિવાળીએ રત્નકલાકારોના પગારમાં 15 ટકા કાપની જાહેરાત કરી હતી. તેમજ બોનસ આપવાની સાફ ના પાડી દીધી હતી, જેના લીધે કંપનીમાં કામ કરતા 800 રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા હતા.
રત્નકલાકારો પગાર અને બોનસ માટે રસ્તા પર બેઠાં હતાં. ગયા શનિવારે 7 ઓક્ટોબરે બબાલ થઈ હતી. રત્નકલાકારોને શાંત પાડવા કંપનીએ પોલીસની મદદ લીધી હતી. હવે આ કંપનીના એક રત્નકલાકારે આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં કામ કરતા રામસિંગે આપઘાત કરી લીધો છે. ચાર સંતાનોના પિતા રામસિંગને એવી ચિંતા હતી કે તે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે. આ ચિંતામાં રામસિંગે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. રામસિંગના આત્યાંતિક પગલાંને લીધે તેના ચાર સંતાનો નોંધારા થયા છે. હાલ પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.