એક દિવસ ગુરુજીએ પ્રવચનમાં કહ્યું, ‘શિષ્યો, તમે અહીં મારી પાસે જ્ઞાન મેળવવા આવ્યા છો.પણ યાદ રાખજો, માત્ર જ્ઞાન મેળવવું પૂરતું નથી.જીવનમાં જ્ઞાન મેળવવાની સાથે સાથે તેનો સાચો ઉપયોગ કરવો જરૂરી છે અને જીવનમાં સફળ થવા માત્ર પોથીના જ્ઞાનની નહિ, પણ સામાન્ય બુદ્ધિ,વ્યવહારની સમજ જરૂરી છે અને સાથે સાથે સારા અને સાચા માણસ બનવું ખૂબ જ જરૂરી છે અને આ જેટલું જરૂરી છે તેટલું જ અઘરું પણ છે.મોટી મોટી પોથી વાંચીને પંડિત થવું અઘરું છે તેનાથી વધારે અઘરું છે સારા અને સાચા માણસ બનવું.તેના માટે આપણે બધું ભૂલીને આપણી જાત પર કામ કરવું પડે છે અને રોજે રોજ કરતાં રહેવું પડે છે.’
શિષ્યને ગુરુજીની આ વાત બહુ બરાબર સમજાઈ નહિ.એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, બધું ભૂલીને જાત પર કામ કરવું એટલે શું?’ આપણે બધા જે કંઈ પણ કરીએ તે આપણી જાત માટે તો કરીએ જ છીએ ને તો પછી હજી જાત પર શું કામ કરવાનું હોય? જાત પર કામ કરો એટલે તમે શું કામ કરવાનું કહેવા માંગો છો? કૃપા કરી સમજાવો.’ ગુરુજી બોલ્યા, ‘આપને જ્ઞાન મેળવી લીધા બાદ તે જ્ઞાન દ્વારા દુનિયાને બદલવા અને સલાહ આપી અન્યને બદલવાની કોશિશમાં લાગી જઈએ છીએ અને હકીકત એ છે કે બીજાને સારા બનવા માટે …સાચું જીવન જીવવા માટે આપને જે કંઈ પણ સલાહો આપીએ છીએ તેમાંની કોઇ પણ સલાહ આપને આપના જીવનમાં ઉતારતા નથી.
અન્યને સાચું બોલવાની સલાહ આપીએ અને આપણે જરૂર પડે ખોટું બોલીએ છીએ.બીજાને શાંત રહેવા અને ગુસ્સો ન કરવા સમજાવીએ અને પોતે ન ગમતું થાય તો મગજ ગુમાવીને ગુસ્સે થઈ જઈએ છીએ. આવી તો કેટલીય નાની નાની બાબતો છે, જે આપણે બીજામાં બદલવા ઈચ્છીએ છીએ અને જાતને ભૂલી જઈએ છીએ.એટલે હું સમજાવવા માંગું છું કે તમે હંમેશા જાગ્રત રહો અને પોતાની જાત પર કામ કરતા રહો.’
બીજા શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, જાત પર કામ કરવાની શરૂઆત કઈ રીતે કરવી અને કયારે કરવી?’ ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, જાત પર કામ સતત કરતા જ રહેવું પડે છે અને જાત પર કામ કરવું એટલે સૌથી પહેલાં તો બીજા બદલાય તેની રાહ જોવાનું બંધ કરી દો.પોતાના પર કામ કરી અવગુણો અને દુર્ગુણો ઓળખી તેને દૂર કરવાની શરૂઆત પહેલાં કરો.બીજાને બદલવાની જરૂર કરતાં જાતને બદલો અને આ કોઈ એક દિવસનું કે થોડા વખતનું કામ નથી. પોતાની જાત પર સતત કામ કરતાં રહેવું પડે છે.’ ગુરુજીએ એક અઘરી વાત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.