કોવિડનો પ્રકોપ હવે બહુ ઝડપથી દુ:સ્વપ્ન જેવો ભૂતકાળ બની રહ્યો છે પરંતુ હજુય એના અમુક ઓછાયા આપણા પર છવાયેલા છે. આ કાળમુખી મહામારીએ છેલ્લાં બે-અઢી વર્ષમાં જગતભરના લોકોની જીવનશૈલીથી લઈને વિચારધારા સુદ્ધાં પલટાવી નાખી છે. જીવન પ્રત્યનો બધાનો અભિગમ બદલાઈ ગયો છે. અત્યારની આધુનિક તબીબી સારવારને લીધે જિંદગી દીર્ઘ બની છે એવી માનવ માત્રની માન્યતા કડડભૂસ કરી આપણું જીવન કેવું ક્ષણભંગુર છે એની કડવી વાસ્તવિકતા આપણને સાનમાં સમજાવી દીધી છે ફાંટાબાજ કુદરતે….
ખેર, કાળ કાળનું કામ કરે. કોવિડને કારણે લોકડાઉન આવ્યું. એને કારણે ઘરબંધી આવી. બધાને ઘેરથી જ પોતાનો વ્યવસાય -જોબ ઈત્યાદિ ચાલુ રાખવાની ફરજ પડી. શરૂઆતમાં બધાંએ કુતૂહલવશ આ રીતની કામગીરીને વધાવી. ઑફિસે જવાનું નહીં-રોજ ટ્રાફિક જામની લમણાંફોડી કરવાની નહીં- ઘેર બેસીને નિરાંતે ઑફિસનાં કામ ઉકેલવાનાં… મોટાભાગના લોકોને તો આ લોકડાઉન-‘વર્ક ફ્રોમ હોમ’( WFH) સદી ગયું. એમને મન તો આ અણધાર્યું વેકેશન હતું પણ આ અણધાર્યું ‘વેકેશન’ ધાર્યા કરતાં એક્ધારું લાંબું ચાલ્યું એમાં પતિના ઑફિસ કામના કલાકો વધવા માંડયા. પગાર કપાતનો ડંખ પણ સમય વીતતા વધુ ડંખવા લાગ્યો હતો. બીજી તરફ, પતિની ઘરમાં સતત હાજરી પત્ની-બાળકોને ખૂંચવા માંડી. પરિવારમાં વાંધા-વચકા-વિખવાદ વધવા લાગ્યા. ગૃહિણીને પોતાની ઘરની નવરાશ-મોકળાશ ઝૂંટવાતી લાગી તો બીજી તરફ પુરુષને ઑફિસની 8 કલાકની ‘આઝાદી’ ફરી યાદ આવવા લાગી.…
કાળક્રમે, કોવિડનો વાયરો ઘટ્યો ને ‘અચ્છે દિન’નો પુન: પ્રારંભ થયો. એમાં અમુક વ્યવસાય-વેપાર- ધંધા એવા હતા, જેમાં હવે ઘેર બેસીને કામ ન થાય એમની ઑફિસો ફરી ધણધણવા માંડી તો સામે છેડે મોટી કંપનીના માલિકોને એ પણ ‘જ્ઞાન’ લાદ્યું કે ઘેર બેસીને પણ એમનાં કામ થઈ શકે અને પરિણામે ઑફિસના રોજિંદા જંગી ખર્ચ પણ બચી શકે! આમાં અવઢવ એ પેદા થઈ કે પુન: ઑફિસો શરૂ કરવી કે કર્મચારીઓને ઘેરથી કામ કરવા દેવું? આમાંથી તોડ નીકળ્યો ‘હાઈબ્રિડ ઑફિસ’નો અર્થાત 2-3 દિવસ ઑફિસે આવી કામ કરો ને બાકીના દિવસો ઘેરથી…!
પહેલી નજરે આ તોડ વ્યવહારિક લાગે પણ સમય વીતતા ‘હાઈબ્રિડ’ની ગોઠવણથી કામનાં ધારેલાં પરિણામ મળ્યાં નહીં.
આમેય , પહેલેથી જ ઑફિસની કામગીરીમાં મહિલાનું પ્રદાન અગત્યનું રહ્યું છે. કોવિડ પહેલાંથી નોકરી કરતી મહિલાઓને ગૃહિણી તરીકેની ભૂમિકામાં પણ ઠીકઠીક ફાવટ આવી ગઈ હતી. ઘરનું કામ પતાવી એ ઓફિસે જઈ પોતાનાં કામમાં પૂરતું ધ્યાન આપીને કરિયરમાં આગળ વધવાનું સપનું સાકાર કરતી હતી પરંતુ મહામારીના મહાઆક્રમણને લીધે એ સપનામાં તડ પડી . ઘર અને ઓફિસનું કામ એક જ સ્થળેથી કરવું અઘરું થઈ ગયું હતું. એક સર્વે અનુસાર, કોવિડને લીધે પુરુષની સરખામણીએ પરિણીત મહિલાની જોબ ગુમાવાની શક્યતા 7-8 ગણી થઈ ગઈ હતી!
જો કે હવે આજના માહોલમાં, તાજા સર્વેક્ષણ અનુસાર જેમણે કોવિડમાં જોબ ગુમાવી એ અથવા તો આજે નવી નવી જોબની શોધ કરતી મહિલા હવે ઑફિસ જઈને જ કામ કરવાનો આગ્રહ નથી રાખતી. ઉદ્યોગ સાહસિક હર્ષ ગોયેન્કાની ‘RPG’ગ્રુપની કંપનીના તાજા સર્વે અનુસાર એમની કંપનીમાં જોબ કરવા ઈચ્છતી મહિલાઓની સંખ્યામાં 20% વધારો થયો છે અને આમાંથી મોટાભાગની મહિલા ‘WFH’( વર્ક ફ્રોમ હોમ)-WFA (વર્ક ફ્રોમ એની વ્હેર-કોઈ પણ સ્થળેથી) અને ‘હાઈબ્રિડ’ ઑફિસમાંથી કામ કરવા તૈયાર છે! અલબત્ત,આમાંથી 50% મહિલા પોતાના ઘેરથી કામગીરી બજાવવા પર પહેલી પસંદગી ઉતારે છે. આમ કોવિડ પછીના માહોલમાં પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ રહી છે ત્યારે ‘નેસલે’- ‘કોકોકોલા’-‘ડાબર’-‘એમવે’ જેવી કેટલીક જાણીતી કંપની-ફર્મ્સના માલિકો કે કર્તાહર્તાઓએ એમના કર્મચારીઓને આજે પણ ઘેરથી જોબ કરવાની પરવાનગી આપી છે.
અલબત્ત, સાથે એ પણ કહ્યું છે તમને જ્યારે પણ લાગે કે ઑફિસ 2-3 દિવસ હાજરી પુરાવવી છે તો મોસ્ટ વૅલકમ.… જો કે થોડા મહિના પહેલાં કેટલીક કંપની દ્વારા થયેલાં સર્વેક્ષણનાં તારણ સૂચવે છે કે મહામારીથી રક્ષણ મેળવવા લીધેલી વેક્સિન પછી પણ 50 %થી વધુ ભારતીયો સપ્તાહના 3 દિવસ ઘરથી તો બાકીના દિવસોમાં ઑફિસેથી જોબ કરવા ઈચ્છે છે…. અલબત્ત, અહીં પણ એક અપવાદ એ છે કે આ મહિને જ થયેલા અન્ય એક સર્વે અનુસાર આપણી 90 % ફાર્માશ્યુટિકલ ફર્મ્સ ઈચ્છે છે કે કર્મચારીઓ ઑફિસે આવીને એમની ડ્યુટી બજાવે, જ્યારે IT (‘ઈન્ફૉર્મેશન ટેકનોલોજી’) કંપનીવાળા કહે છે કે અમારા અડધોઅડધ લોકો વારાફરતી ઘેરેથી ને ઑફિસથી કામ કરે તો અમને વાંધો નથી…!
ટૂંકમાં, આમ સાવ ઘરથી નહીં-સાવ ઑફિસથી નહીં એ રીતે કામગીરી બજાવવા મોટાભાગના લોકો હવે માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. હા, ઘેરથી કામ કરનારાઓની પહેલેથી ફરિયાદ હતી કે એમનાં કામ કરવાના કલાકો અગાઉ કરતાં વધી ગયા છે અને એની સરખામણી કંપનીવાળા વળતર ઓછું આપે છે. બીજા દેશોમાં થયેલી આવી ફરિયાદ સામે ત્યાંની સરકારે તાબોડતોબ પગલાં લીધાં છે. ફ્રાન્સ-સ્પેન -ઈટલી- પોર્ટુગલની સરકાર ઘેરથી કામ કરનારાના લાભાર્થે કેટલાક નિયમ બનાવ્યા છે જેમ કે નિયત સમય પછી બૉસ નવું કામ ન સોંપી શકે- કામનો હિસાબ પણ ન માગી શકે. અરે, ‘રાઈટ ટુ રેસ્ટ’ અને ‘રાઈટ ટુ ડિસકનેકટ’ નિયમ અનુસાર ન તો Email કે વૉટ્સએપ દ્વારા જવાબ માગી શકે. બૉસ આ નિયમનો ભંગ કરે તો સરકાર એની કંપનીને દંડ પણ ફટકારે છે…!
આમ અત્યારે તો અમુક અપવાદ પછી મોટાભાગના દેશોએ 50% ‘વર્ક ફ્રોમ હોમ’ અને 50 % ‘હાઈબ્રિડ ઑફિસ’ની ફોર્મ્યુલા સ્વીકારી લીધી છે પરંતુ તાજેતરમાં આ પધ્ધતિમાં એક નવો ફણગો ફૂટ્યો છે. ઘણા દેશની જેમ આપણે ત્યાં પણ ઑફિસ કામ માટે સોમથી શનિ સુધી- 6 દિવસ સુધીનું સપ્તાહ ગણાતું પણ ઘણા સમયથી આ ઊંચાં પદ માટે ઉમેદવાર શોધતી-સૂચવતી જોબ કન્સલટન્ટ કંપનીઓને યોગ્ય કેન્ડિડેટ મળતા નથી કારણ કે આજની પેઢીના યોગ્ય ઉમેદવારો 6-6 દિવસ કામનો ઢસરડો કરવા નથી ઈચ્છતા. એમને પસંદ છે ‘ફાઈવ – ડે વીક’ હા, આપણે ત્યાં કેટલીક અપવાદરૂપ મોટી ખાનગી કંપનીઓએ સોમથી શુક્રવારને કામગીરીના દિવસો ગણવાની પદ્ધતિ અપનાવી લીધી છે છતાંય હજુય મોટાભાગની ફર્મ્સ ‘સિકસ – ડે વીક’ને વળગી રહી છે પરિણામે અચ્છા-હોંશિયાર કર્મચારીઓ એમને નથી મળતા એ વાસ્તવિકતા છે.
આ બધા વચ્ચે જાપાની ઈલેકટ્રોનિક્સ કંપની ‘પેનાસૉનિક’ અને ઈસ્ટોનિયાની જાણીતી સ્ટાર્ટઅપ કંપની ‘બોલ્ટ્’ અને બેલ્જિયમ-સ્પેન-સ્કોટલેન્ડની સરકારે હમણાં જોબ માટે 5 દિવસનો પગાર આપવાનો અને કામ ‘ફોર- ડે વીક ’કરવાનું એવો જે વિચાર વહેતો મૂક્યો એની સારી એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
મોટાભાગની કંપનીવાળા તથા માર્કેટ નિષ્ણાતો આ વિચારને વાહિયાત ગણાવીને કહે છે કે ‘પાંચને બદલે સપ્તાહના ચાર દિવસ એટલે માત્ર 40 કલાકમાં કોઈ પાસે જોઈતું કામ કરાવો તો જે ગજબનું માનસિક-શારીરિક દબાણ આવે તે કંપની તથા કર્મચારી માટે જોખમી તથા સરવાળે નુકસાનકારક બની શકે.…’ આવા વિચારને ફગાવી દેતા ‘માઈક્રોસોફટ’ના સર્વેસર્વા મૂળ ભારતીય એવા સત્ય નાડેલા કહે છે: ‘કોવિડ પછીના આ સંજોગોમાં કંપનીના વિકાસને ફરી પાટે ચઢાવવો હોય તો ‘હાઈબ્રિડ ઑફિસ’ની ફોર્મ્યુલાને અનુસરીને તમારા કર્મચારીને એની રીતે કામગીરી બજાવવાની મોકળા મને છૂટ આપો…!’