વડોદરા : વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા નજીક રાજીવનગર 1 પાસે આવેલ પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ ચારથી પાંચ ફાયર ફાઈટરો સાથે દોડી આવેલા ફાયરબ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદનસીબે જાનહાની થતાં ટળી હતી.
વડોદરા શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આગની ઘટનાઓમાં પણ વધારો થતો હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા શહેરના વિજય વલ્લભ હોસ્પિટલ ત્યારબાદ શનિવારે નાગરવાળા ઘીકાંટા રોડ પર ગેસલાઈન લીકેજ હોવાના કારણે અને પ્રતાપગંજ વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરમાં આગ લાગવાની ઘટના બની હતી.
જે બાદ રવિવારે શહેરના ખોડિયાર નગર ચાર રસ્તા નજીક રાજીવ નગર 1 આદર્શ વિદ્યાલય પાસે આવેલા પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી હતી. બનાવની જાણ ફાયર ઇમર્જન્સી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમને કરવામાં આવતા દાંડિયા બજાર અને પાણીગેટ ફાયર સ્ટેશનના લાશ્કરો ચારથી પાંચ જેટલા ફાયર ફાયટરો સાથે દોડી ગયા હતા.
અને ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે જાનહાની થતા ટળી હતી. જ્યારે લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું હોવાની ભીતિ સેવાઈ હતી. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પરંતુ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. જ્યારે આ અંગે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં દિવસેને દિવસે આગના બનાવો વધુ બનવા લાગ્યા છે. શોર્ટ સર્કિટને કારણે પણ આગના બનાવો બની રહ્યા છે.
હાલમાં કહી શકાય કે આ રહેણાંક વિસ્તાર છે. જ્યાં આ લાકડાના ફર્નિચર, પ્લાયવુડનું ગોડાઉન છે. ત્યાં આગ લાગી હતી. અહીં ગોડાઉન ઉભું કરવા માટે પરવાનગી આપી છે કે નહીં ફાયરની એનોસી લીધી છે કે નહીં તે વડોદરા મહાનગર પાલિકાએ તપાસવું જોઈએ. પાલિકા શહેરમાં જ્યાં જ્યાં એન.ઓ.સી માટે તપાસ કરે છે.
તો તેમની તપાસમાંથી આવા લોકો બાકી રહી જાય છે અને આવા લોકોને કારણે જ આગ લાગી રહી છે. જો આગ વધુ પડતી હોત તો વધુ પ્રમાણમાં નુકસાન થાત ફાયર બ્રિગેડના લાશ્કરો આવી ગયા હતા અને આગને બુઝાવી દીધી છે. પરંતુ કહી શકાય કે ફાયર એનઓસી વગર ઘણી જગ્યાઓ ચાલી રહી છે એ બંધ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.