Business

હાથ રૂમાલની કમાલ

પોલીસ સુ કે’ યચ તે જવા દે… તું ચોખ્ખી વાત કર – તું અસલમાં બૈરીબાજ છે કે નથી?’ બાવાજી એટલે કે એન્ટીક દુકાન ચલાવતા ફિરદોસ વહાણવાલાએ એમની સામે બેઠેલા એક ભાઈને પૂછ્યું. એ માણસ વિનવણીના સૂરમાં બોલ્યો ‘બાવાજી તમે બી શું ખાલી ખાલી મારી ખેંચતા છેવ?’ એટલામાં બાવાજીનું મારા પર ધ્યાન ગયું. ‘બો દા’ડા થેઈ ગીયા તું દેખાયો જ ની એટલે બોલાવેલો – બેસની…’ મને જોતા બાવાજીએ કહ્યું અને પેલા માણસને કહ્યું ‘ખીમજી….જરાક ખસકની આ રાજુભાઈને બેસવા દેની!’

ખીમજી તરત બાંકડા પર ખસ્યો. ‘સારું કઈરું તું આવી ગીયો.. આપણે પેલ્લા આ ખીમજીભાઈનો પ્રોબ્લેમ સોલ્વ કરીએ પછી ગપ્પા મારશું…’ મેં ખીમજી તરફ જોયું. ‘આ માણસ તને બૈરીબાજ લાગેચ કે!’ બાવાજીએ મને પૂછ્યું. તરત ખીમજી બોલ્યો ‘અરે શું બાવાજી! કંઈ શકલ સુરત તો હોય કે નહિ બૈરીબાજ માણસની? આપણે અહીં જેમ તેમ એક પત્નીને સંભાળતા હોય અને આવો આરોપ લાગી જાય…સાલું આ દારુ બહુ ખરાબ વસ્તુ છે…મેં તો કાન પકડી લીધા..’ બૈરીબાજ હોવાનો આરોપ…દારુ— વગેરે છેડા મળતા નહોતા.

‘પેલ્લેથી આખી વાત સાંભળ બો ગમ્મત પડશે’ બોલતા બાવાજીએ શરુ કર્યું ‘આ ખીમજી ગયા મહીને રાજકોટ ગેલો ઉતો. તાં પાછા આવતાં ટ્રેન ચુકી ગીયો એટલે એના ઓલખીતા મહેશભાઈને તાં રાત રોકાયો… પાછા મુંબઈ આવતા આવતા આણે મહેશભાઈને આભાર માન્યો ને એમ કે’યું કે કોઈ વાર મુંબઈ આવો તો મારા ઘરે રાત રોકાજો…અવે થીયું એવું કે ચાર દા’ડા પેલ્લા મહેશભાઈ પોતાની બૈરી અને લટકામાં એક સાળી ને બી લેઈને મુંબઈ આવ્યા. એ કંઈ આ ખીમજીના ઘેર રોકાવાની આવેલા પણ એ જેને તાં ઉતરવાના ઉતા તેવનના ઘરમાં કોઈને કોરોના થેલો ઉતો એટલે મહેશભાઈ મૂંઝાયા અને આ ખીમજી યાદ આઇવો…’

ખીમજી સંકોચ સાથે બોલ્યો ‘જવાદો ની બાવાજી શું તમે પણ આટલું ડીટેઇલ માં જતા છે!’ ‘તેં બી ડીટેઇલમાં લોચા મારેલા છે’ કહી હસી પડતાં બાવાજી બોલ્યા ‘મહેશભાઈએ ફોન કઈરોને આ ખીમજીને પુઈછું કે આવીએ કે તમારે ઘેરે – તો ખીમજી ના કેવી રીતે પાડે? અને નાં પાડવાનું કારણ બી ની ઉતુ…ખીમજીની પોતાની બૈરી ગામ ગેલી છે, બે રૂમનો ફ્લેટ છે એનો બોરીવલીમાં – આરામથી વ્યવસ્થા થેઈ જાય એટલે ખીમજીએ કે’યું ‘બિંદાસ આવી જાવ, તમારું જ ઘેર છે! પણ મહેશભાઈ અને એની બૈરી પ્લસ સાળી એમ તન જણ ઉતા એટલે ખીમજી ને થીયું કે અગવડ પડશે એટલે એણે મહેશભાઈને કહ્યું કે ‘તમે લોકો આરામથી રહો હું નજીકમાં મારા પરિવારનું બીજું ઘેર છે તાં જતો છું…’

બોલતા બાવાજીને જ ખુબ હસવું આવી ગયું. હું ચુપ રહ્યો. ખીમજી બહુ અસ્વસ્થ થઇ ગયો. બાવાજી આગળ બોલ્યાં ‘આંય ઘન ચક્કરની દીકરીનું ઘેર બોરીવલીમાં જ આં ઘરથી પાંચ મીનીટ દુર છે. પણ ભાઈ સાહેબ દીક્રીઉના ઘેર ની ગીયા અને રીક્ષા કરીને સિધ્ધા જોગેશ્વરી પુગી ગીયા..’ બોલતા બોલતા ફરી બાવાજી હસવા અટક્યા, ખીમજીએ મને સમજાવ્યું ‘ જોગેશ્વરીમાં માર ભાઈનું ઘર છે. હજી કુંવારો જ છે અને એકલો રહે છે, મને એમ કે એના ઘરે શાંતિથી …’ ‘શાંતિથી પાંચ છ પેગ મારવાના એમ વરી…’ બોલતા બોલતા બાવાજી ફરી હસી પડ્યા. ખીમજી એકદમ ખીજવાઈ જતા મને કહેવા માંડ્યો ‘દારુ પીવાનું મન થાય એમાં ખોટું શું છે? આ બાવાજી તો એવી રીતે વાત કરે છે જાણે મેં દારુ પીવા બંધ થઇ ગયેલી દુકાન ખોલાવડાવી હોય…’

‘અરે ખીમ્યા…મારા દીકરા તેં એક નહિ ઘણી બધી દુકાન ખોલી કાઢી – આખી વાત તો કર – લે આગલ તું જ બોલ…’ બોલતા બોલતા બાવાજી ફરી હસવા માંડ્યા. ખીમજીએ કહેવા માંડ્યું ‘બોરીવલીમાં મારી દીકરીના ઘરે રોકાઈ શકતે પણ મને થયું ભાઈને મળું, ગપ્પા મારીશું, બે એક પેગ મારીશું પણ એટલે ભાઈ પ્રેમજીને ફોન કરીને તેના ઘરે ગયો પણ પ્રેમજીને અચાનક કંઈ કામ આવી ગયું તે એ ઘરની ચાવી મારા સારું વોચમેનને આપીને ચાલ્યો ગયેલો… હું તો તાળું ખોલી અંદર બેઠો… એકલા બેઠો શું કરુ? એટલે એક પેગ બનાવી હજી એક ઘૂંટડો ગળા નીચે ઉતારું એટલા મહેશ ભાઈનો ફોન આવ્યો…

કહેવા લાગ્યાં કે વોશ બેઝીનમાં નળ લીક થાય છે…..મેં કહ્યું જરા દબાવીને બંધ કરો પણ ફોન કપાઈ ગયો.. ઘરમાં નેટવર્ક જ નહિ… ફોન કરવા બહાર દાદરા પાસે જવાનો કંટાળો આવતો હતો… મને થયું શાંતિ થી બે ઘૂંટ તો મારું…પછી ફોન કરીશ એટલે મેં બહાર જવાની આળસ કરી… ગરમી લાગતી હતી એટલે દરવાજો સહેજ ખુલ્લો રાખ્યો અને હજી તો બીજો ઘૂંટ લઉં એટલા ફટાક દઈને દરવાજો ખોલી એક છોકરી આવી અને ખુરશી પર બેસી રડતા રડતા બોલી ‘હવે તમે જ કંઇક કરો આ માણસ મારું તો કંઈ માનતો જ નથી…’

હું તો ગભરાઈ ગયો. ફટાફટ દારૂની બાટલી અને પેગ ખાટલા નીચે ખસેડ્યા અને આ છોકરી કોણ એ હજી સમજવાની કોશિશ કરુ એટલા વાવાઝોડાની જેમ એક યુવાન ઘરમાં ઘૂસીને પેલીને વઢતા કહેવા માંડ્યો ‘કેમ અહીં આવીને રડે છે? આ કંઈ તારું પિયર છે?’ પેલી એ આંખો લૂછતાં કહ્યું ‘હાસ્તો અહીં નહીં આવું તો ક્યા આવું આ મારા-’ બોલતા બોલતા એ છોકરીએ મારી સામે જોઈ ચીસ પાડી કહ્યું ‘આ કોણ છે..!’ એટલે પેલા યુવાને પણ મારી સામે જોઈ કહ્યું ‘ઓ મિસ્ટર તમે કોણ છો? બેશરમની જેમ મારી પત્ની સાથે બેઠા છો?’ મેં કહ્યું ‘મેં કંઈ નથી કર્યું…’ તો કહે ‘કેમ તમારે શું કરવું છે!’ આમ ન વાતમાંથી મોટો ઝગડો થઇ ગયો.

ચાર પાંચ પાડોશી ભેગા થઇ ગયા…હું કહેવા માંગતો હતો કે હું અહીં પ્રેમજી રહે છે એનો ભાઈ છું પણ મારું કોઈએ સાંભળ્યું જ નહિ અને ઊંચા અવાજે બોલતો હતો એટલામાં એક બીજી છોકરી આવી. એને જોઈ પેલો યુવાન ચુપ થઇ ગયો અને પાડોશીઓ પણ જોતા રહી ગયા. અમે ઘરના દરવાજા પાસે ઉભા રહી વાતો કરતા હતા, એ છોકરીએ કહ્યું ‘ખસો મારે અંદર જવું છે…’ મેં કહ્યું ‘કોનું કામ છે?’ તો કહે મારો હાથરૂમાલ અહીં રહી ગયો છે..’ અને એ અંદર ચાલી ગઈ.

હું કંઈ બોલું એ પહેલા જે છોકરી અગાઉ આવીને રડવા માંડેલી એ બોલી ‘હાથરૂમાલ તો મારો પણ અંદર રહી ગયો છે…’ અને એ પણ અંદર ગઈ. મને કંઈ સમજાયું નહી અને પસીનો લુછવા મેં મારો હાથરૂમાલ પેન્ટના ખીસામાંથી કાઢ્યો તો મારું નસીબ જુઓ.. એ લેડીઝ હાથરૂમાલ હતો… ભૂલથી મેં ખીસામાં મારી પત્નીનો હાથરૂમાલ મૂકી દીધેલો. લેડીઝ હાથરૂમાલ જોઈ હું તો ચમક્યો જ –પણ પેલો પાડોશી યુવાન પણ ચમક્યો મને ધમકાવતા પૂછ્યું ‘તમે લેડીઝ હાથરૂમાલ ભેગા કરો છો?’ અને ઘરની અંદર બુમ પાડી કહ્યું ‘શ્વેતા – જો તો તારો હાથરૂમાલ છે કે આ? આ માણસ બહુ ચાલુ લાગે છે, એની પાસે પણ લેડીઝ હાથરૂમાલ છે…’

આ સાંભળી એની પત્ની શ્વેતા બહાર આવી મારી પાસે હાથરૂમાલ હતો એ જોવા માંડી… અને બોલી ‘આ જ છે કે મારો હાથરૂમાલ? બરાબર યાદ નથી આવતું…’ એટલામાં સોસાયટીનો સેક્રેટરી આવ્યો અને બોલ્યો ‘શું ધાંધલધમાલ છે? હાથરૂમાલ તે કંઈ ઇશ્યુ છે કે?’ અને મને પૂછ્યું ‘તમે કોણ છો અને કોઈની પત્નીનો હાથરૂમાલ તમારા હાથમાં કેમ છે?’ મેં કહ્યું ‘આ મારી પત્નીનો હાથરૂમાલ છે..’ પેલો યુવાન બોલ્યો ‘ના ના આ મારી પત્નીનો હાથરૂમાલ છે…!’ સેક્રેટરીએ ગુસ્સે થઇ પેલી શ્વેતાને પૂછ્યું ‘ તું કોની પત્ની છે!’ શ્વેતાએ આંગળી ચીંધી પેલો યુવાન દેખાડ્યો. પછી સેક્રેટરીએ મને કહ્યું ‘આવી વાતો કરતા તમને શરમ આવવી જોઈએ, આ તમારી પત્ની નથી જ..’

મેં કહ્યું ‘તો હું ક્યા એમની વાત કરુ છું – હું તો આ હાથરૂમાલની વાત કરુ છું…આ મારી પત્નીનો હાથરૂમાલ છે… ‘તમારી પત્ની ક્યાં છે? સેક્રેટરીએ ,મને પૂછ્યું . હું જવાબ આપું એ પહેલા અંદરના ઓરડામાંથી પેલી બીજી છોકરી બહાર નીકળી બોલી ‘અંદર તો ક્યાંય મારો હાથરૂમાલ નથી…’ સેક્રેટરીએ મને પૂછ્યું ‘આ તમારી પત્ની છે?’ મેં કહ્યું ‘ના મારી પત્ની તો ગામ ગઇ છે…’ ‘કમાલના બૈરીબાજ માણસ છો!’ સેક્રેટરીએ ગુસ્સે થઇ કહ્યું ‘પોતાની પત્નીને ગામ મોકલીને તમે ગામની છોકરીઓના હાથરૂમાલ સાથે રમત રમો છો?’ મેં કહ્યું મેં કોઈ રમત નથી રમી હું તો ફક્ત …’

આટલું હું બોલ્યો એટલામાં મારો ફોન વાગ્યો હું એ ફોન લઉં એ પહેલા સેક્રેટરીએ પેલા યુવાનને કહ્યું ‘દેખો દેખો કિસકા ફોન હૈ? યે આદમી બહુત ગડબડ લગતા હૈ… બાત સુનો – ઇસકા ફોન સ્પીકર પર ડાલો…’ અને પેલા યુવાને મારો ફોન સ્પીકર પર નાખ્યો. કોઈ મહિલાનો અવાજ હતો હલ્લો –એ બોલી – સાંભળો, ટેન્શન નહિ લેતા ,,, હાથરૂમાલ થી કામ પતી ગયું છે…’ સહુ મારી સામે અજીબ નજરથી જોઈ રહ્યા… મેં કહ્યું ‘મને વાત કરવા દો..’ સેક્રેટરીએ મને ચુપ રહેવા ઈશારો કરી મારા ફોન પર પૂછ્યું ‘આપ કૌન બોલતા હૈ મેડમ?’ ‘એ હું મહેશભાઈની પત્ની….’ સામેથી જવાબ આવ્યો. ‘ચ્યાઈલા સબકી પત્ની લોગકા હાથરૂમાલ લે કે તુમ કરતા ક્યા હૈ? કમાલ કા બૈરીબાજ આદમી હૈ…! સેક્રેટરીએ કેટલી ચીઢમાં પૂછ્યું હશે એ હું કલ્પી રહ્યો અને આગળ શું બન્યું એ જાણવા વધુ ઉત્સુક થઇ ગયો…

Most Popular

To Top