ગાંધીનગર: રાજ્યમાં સરકારી કર્મચારીના આંદોલન (Agitation) બાદ હવે LRD ભરતીનું વેઈટિંગ લિસ્ટ (Waiting List) જાહેર કરવાની માંગ સાથે ઉમદેવારો 16 દિવસથી ગાંધીનગરના (Gandhinagar) સચિવાલયના ગેટ બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. સરકારને અલ્ટીમેટમ આપીને 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આ સાથે જ LRD મહિલાઓએ સામૂહિક મુંડન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આજે LRD મહિલાઓ ખુલ્લા વાળ સાથે મુંડન કરાવવાની તૈયારીઓ સાથે ગાંધીનગર એકત્રિત થઈ હતી. જો કે મહિલાઓ સામૂહિક મૂંડન કરે તે પહેલા જ તેમની અટકાયત કરાઈ છે. આ દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
ગત 16 જુલાઇ 2022ના રોજ ગૃહ મંત્રીએ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે 20 ટકા મહિલા અને પુરુષો સાથે 2439 જગ્યાઓ ખાલી પડી છે. તેમા નોકરી લેવાની બાહેધરી આપી હતી. તેમ છતાં આજદીન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. તેથી આજે સમગ્ર LRD મહિલા અને પુરુષો ગાંધીનગર ખાતે એકઠા થયા હતા. વર્ષ 2018/19ની ભરતી પ્રક્રિયા કરી હતી. ત્યારબાદ LRD મુદ્દે મહિલા અને પુરુષ ઉમેદવારો દ્વારા આંદોલનો કરાયા હતા. ત્યારે ગૃહ મંત્રીએ 20 ટકા પ્રતિક્ષાયાદી જાહેર કરવાની જાહેરાત કરી હતી. પરંતુ જાહેરાત કર્યા બાદ પરિણામ ન આવતા LRD મહિલાઓ અને પુરુષોમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે માત્ર 101 મહિલાઓ અને 118 પુરુષોની ઓફલાઇન નિમણૂંક કરી બાકીનાને લટકતા કરી દીધા છે. ગાંધીનગર ખાતે મહિલાઓ છેલ્લા 16 દિવસથી વેઈટિંગ લીસ્ટ જાહેર કરવાની માંગ સાથે આંદોલન કરી રહી છે. 16 દિવસથી મહિલાઓના વિરોધ બાદ પણ સરકારના પેટનુ પાણી હલતુ નથી. તે વિરોધકર્તા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 20 ટકા વેઈટિંગ ઉમેદવારોને આપવામા આવેલો વાયદો પુરો કરવામા નહિ આવે ત્યા સુધી આંદોલન શરૂ રહેશે.
સામૂહિક મૂંડન માટે મહિલાઓ એકત્રિત થઈ
સરકારને અલ્ટીમેટમ આપીને LRD મહિલા ઉમેદવારોએ સામૂહિક મુંડન કરાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. છતાં પણ સરકાર દ્વારા વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં નહીં આવતાં આજે LRD મહિલાઓ ખુલ્લા વાળ કરીને સામૂહિક મુંડન કરાવવાની તૈયારી સાથે ગાંધીનગરના ગેટની બહાર ઉમટી પડી હતી. મહિલાઓએ કહ્યું હતું કે, જો અમને નોકરી ન આપવી હતી તો 1112 મહિલા અને 1327 પુરુષની ભાવનાઓ સાથે શા માટે રમત રમવામા આવી? જો સરકાર આ બાબતે હજી નિર્ણય જાહેર કર્યો નથી આથી તમામ મહિલા ઉમેદવારો માથે મુંડન કરાવવા આજે એકઠી હતી. જોકે, મહિલાઓ મુંડન કરાવે તે પહેલાં જ તેમની અટકાયત કરાઇ હતી.