ખંભાત : રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલા વિકાસની વાતો કરવામાં આવે છે. પરંતુ ખંભાતની પતંગ ઉદ્યોગ એવો છે કે જ્યાં વરસોથી મહિલાઓનો જ દબદબો રહ્યો છે. ખંભાતની પતંગ વગર ઉત્તરાયણ મનાવવી લગભગ અશક્ય છે. એટલે જ વરસોથી દેશ – વિદેશ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતથી વેપારીઓ થોકબંધ પતંગો ખરીદતાં હોય છે. જોકે, આ પતંગોની ડિઝાઇનથી લઇ તેને બનાવવા સુધી મહિલા કારીગરો જ નક્કી કરતાં હોય છે. હાલ ખંભાતમાં 1200થી વધુ પરિવાર પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. સાત હજાર જેટલા પતંગ કારીગરો પતંગો બનાવવાનું કામ કરી રહ્યા છે. જે પૈકી 4 હજારથી વધુ મહિલાઓ પોતાના ઘરે પતંગો બનાવીને રોજગારી મેળવે છે. જેનાથી તેઓ પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે છે.
ઐતિહાસિક ખંભાતની સાથે આગવી ઓળખ ધરાવતી ખંભાતી પતંગે પણ પતંગ રસિકોના હૈયે સ્થાન યથાવત રાખ્યું છે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે પતંગોનું ઉત્પાદન 50 ટકા થયું હતું. બાદમાં બજાર જામતા પતંગોના ઉત્પાદન પ્રમાણ 30 ટકા વધીને 80 ટકાએ પહોંચ્યો છે. ખંભાતી પતંગની માંગ વિશ્વ ફલકે વિસ્તરી છે. દેશ-વિદેશ સહિત ગુજરાતના સૌરાષ્ટ્ર, અમદાવાદ, વડોદરા, સુરત વાપી, વલસાડ, જંબુસર, ભરૂચ, રાજકોટ, આણંદ, નડિયાદ જેવા શહેરોમાં ખંભાતી પતંગની પુષ્કળ માંગ વધી છે. જેને કારણે ખંભાતમાંથી મોટા પ્રમાણમાં પતંગોની નિકાસ થઈ રહી છે. ખંભાતના ઉત્પાદકો વર્ષે રૂ.5 કરોડથી વધુ પતંગોનું હોલસેલ તેમજ રિટેઈલમાં વેચાણ કરતા હતા.આ વર્ષે 8 કરોડથી વધુ પતંગો બનાવવામાં આવી છે. જેનાથી ખંભાતમાં 50 કરોડ જેટલો ટર્ન ઓવર થશે. રાજ્યભરમાંથી દૈનિક સરેરાશ 8થી 12 હજાર જેટલાં પતંગ રસિકો, ઉત્પાદકો ખરીદી માટે આવતા હોય છે.
ખંભાતની પતંગોની વિશેષતાએ છે કે તેમાં વપરાતો જીલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકૂળ હોય છે. વાંસનું ફિનિસિંગ પણ ઉત્કૃષ્ટ હોવાથી ખંભાતી પતંગ આકાશી ઉડાનમાં ફેઈલ જતો નથી. અંગ્રેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતનાં પતંગની બોલબાલા હતી. પેઢી દર પેઢી પતંગ કારીગરીની પરંપરા ચાલી આવે છે. ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ, ગેંસિયા, કનકવાનું ઉત્પાદન થયું છે. ખંભાતની પ્રસિદ્ધ પતંગોના વેચાણમાં તેજી આવવાને કારણે મહિલાઓ ઉપરાંત યુવાનો પણ પતંગ નિમૉણમાં સક્રિય થયાં છે. હાલ ખંભાતમાં 7 હજાર જેટલાં પતંગના કારીગરો છે, જેમાં ચાર હજારથી વધુ મહિલાઓ પણ સામેલ છે.
સુરતમાં જ એક કરોડની પતંગો માેકલી !
‘પ્રાચીન નગરી ખંભાતમાં નવાબી કાળથી પરંપરાગત રીતે ઉત્તરાયણની ઉજવણી થાય છે.એક અંદાજ મુજબ માત્ર સુરતમાં ખંભાતની ૭૦ લાખથી વધુ પતંગોનું વેચાણ થતું હોય છે.આ આંકડો મકરસંક્રાંતિ સુધીમાં એક કરોડને આંબી જાય છે.’
– બીપીનચંદ્ર ચુનારા, પતંગ વિક્રેતા, ખંભાત.
7 જગ્યાએ ફરે ત્યારે પતંગ બને છે
સૌથી પહેલા કાગળ કટિંગ થાય છે. બાદ કટીંગ કરેલા કાગળોને અલગ અલગ ડિઝાઈન ચોંટાડી પતંગનું કાગળ બને છે. વચ્ચે હાડકા સમાં ઢઢો લગાવાય છે. પછી કમાન ચોંટાડાય છે.ત્યારબાદ પતંગની ચારે તરફ દોરી મારવામાં આવે છે.કિનારીઓ ચોંટાડી ફિનસિંગ કરાયા બાદ પટ્ટીઓ અને અંતે ફૂમટા લગાવાય છે.એમ સાત જગ્યાએ અલગ અલગ કારીગરો પાસેથી ફરે ત્યારે એક પતંગ તૈયાર થાય છે. પતંગ બનાવવા માટે અલગ અલગ કારીગરોને કામ દીઠ મજૂરી કમાન ચોંટાડવાની મજૂરી 300 રૂ.પતંગની ઢઢાની મજૂરી- 120 રૂ, પતંગ દોરી મારવાની – 300 રૂ. ફુમટા – 130 રૂ, પટ્ટીઓ-150 રૂ. કિનારી-160 રૂ. ડિઝાઇન ચોંટાડવા- 180 રૂ. એમ અલગ અલગ કારીગરોને મજુરી ચૂકવાય છે.
કમાન અને કાગળ સહિતના કાચામાલ માલ પર ટેક્સ નાબુદ કરવો જોઈએ
‘ખંભાતમાં કલકત્તાથી કમાન મંગાવીએ છીએ.જે ચીડિયો પાડેલી આવે છે. ગયા વર્ષે એક હજાર કમાનોનો ભાવ 450 હતો. આ વર્ષે 550 થયો છે. ખંભાતમાં કાગળ પણ દિલ્હી મુંબઈથી આયાત થાય છે. જેનો ભાવ પણ વધીને એક હજાર થયો છે. પતંગ ઉદ્યોગમાં વાંસ, સળિયો, કાગળ પર લાગેલ ટેક્ષ નાબુદ કરે તેવી માંગ ઉત્પાદકોની રહી છે.રાજ્ય સરકાર પતંગ ઉદ્યોગ માટે પાયાની સુવિધાઓ, આર્થિક સહાય તથા પ્રોત્સાહન પુરુ પાડે તો ખંભાતનો પતંગ ઉદ્યોગ નામના મેળવી શકે છે.આ ઉપરાંત મહિલાઓ-યુવાનોને રોજગારી વધુ તકો ઉભી કરી શકાય છે.’ – અંકિત રાજપૂત, ઉત્પાદક, પતંગ.
એકતાના તાંતણે બંધાયેલ ખંભાતનો પતંગ ઉદ્યોગ
ઉત્તરાયણ પર્વ સમાપ્ત થયાની સાથે પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક સમાજના પતંગ ઉત્પાદકો, વેપારીઓ, કારીગરો આખા વર્ષ દરમિયાન એકતાના તાંતણે બંધાયેલા રહે છે.દરેક ધર્મ-જાતિ-સમાજના કારીગરોના હસ્ત કલા કૌશલ્યથી તૈયાર થયેલ ખંભાતી પતંગ આકાશમાં ઉડી એકતાના પ્રાણ ફૂંકે છે.ઘેર-ઘેર મહિલાઓ પણ પતંગો બનાવીને રોજગાર મેળવે છે.