એક સંવાદ વાંચવામાં આવ્યો હતો તેની આ પ્રતિક્રિયા છે. હે સ્ત્રી તું કોણ છે? તું અબળા નથી, બળનો સ્રોત છે. ગુણનો ભંડાર છે, સૌંદર્યનો ખજાનો છે. માનવ યોનિમાં તું સર્વશકિતમાન દેવી છો, બુધ્ધિમાં પવિત્રતાનો પ્રવાહ છો, ઋજુતામાં લજામણીનો છોડ છો અને પરાક્રમમાં કાળ સ્વરૂપ ચંડિકા છો. વેદવિદ્યામાં તું જગતજનની છો. રામની સીતા, શિવની પાર્વતી, બ્રહ્માની સાવિત્રી અને વિષ્ણુની લક્ષ્મી છો. તારામાં મતિ, ગતિ, યુકિત, શકિત અને શ્રૃતિ છે. તું પવિત્ર, સાત્ત્વિક, નિર્દોષ, અસ્પર્શિત છે. તો પણ તું કેમ દીન-હીન, અપવિત્ર, બને છે? કપટી, કામાંધ, અવિચારી, અવિશ્વાસુ, અપરિચિત, અજાણ પશુવત્ સ્વાપદ માણસના કારસ્થાનમાં કેમ ફસાઇ જાય છે? નજરથી નજર મળીને પ્રેમ થાય છે કહેવું પ્રેમનું અપમાન છે.
નજરમાં જેર હોઇ શકે છે? કોઇ આંખ કોઇની ખાક પણ બનાવી દે છે. કોઇ પણ મન ગન જેવું ઘાતક પણ હોઇ શકે છે. કોઇ અજાણ્યો, થોડા દિવસો પહેલાં જ પરિચિત બનેલો, જેને તમે સંપૂર્ણ જાણતા નથી તે તમને કોઇ હોટલમાં કે કોઇના ઘરમાં અવાવરુ જગ્યાએ લઇ જાય છે તો એનો હેતુ તમારા હિતમાં નથી એની કલ્પના શું તમને નથી આવતી? પુરુષ કામાંધ, વિકૃત અને પાશવી બની શકે છે પણ સ્ત્રીમાં આ અવગુણો નથી એટલે જ એ નામર્દ તમારા પર સર થાય છે. જે મા-બાપે કષ્ટ યાતના સહન કરીને તમને સુદ્રઢ બનાવ્યાં, તમારી કંચન કાયા, મોહકતા, આકર્ષક શરીર લતા હોટલના ગલિચ્છ શય્યા આસન પર ખુશી કે નાખુશીથી કોઇને અધીન કરો છો અને તે વરુ જેવો પાશવી, માણસના રૂપમાં તમારી કોમળ કાયાને છૂંદી નાંખે છે? એમાં ભૂલ કોની? અપરાધી કોણ? સંસ્કારનું ઉલ્લંઘન કોણે કર્યું? સંસ્કૃતિને કોણ ભૂલ્યો? સ્ત્રીનું સત્ત્વ, તત્ત્વ, મહત્ત્વ કોણે ન જાણ્યું? વિચાર કરવા જેવી વાત છે. છેલ્લો સંવાદ છે. સમાજને અંધારામાં રાખીને પારકા સાથે ક્રિયા કરવી વેદ દેવ ધર્મની અવજ્ઞા છે.
સુરત – બાળકૃષ્ણ વડનેરે – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કરાઈમાં ન થઈ ખરાઈ
હાલમાં પોલીસ ભરતીની કરાઈ એકેડેમીમાં એક ડમી વ્યક્તિ પોલીસ બનીને અંદર પ્રવેશ મેળવવામાં સફળ થઈ જાય છે અને કેટલાક દિવસો સુધી તાલીમ પણ મેળવી લે છે.એક યુવક દ્વારા આ બાબત સામે લાવવામાં આવે છે અને સરકાર એકાએક સફાળી કુંભકર્ણની નિદ્રામાંથી જાગી તાબડતોબ એકશનમાં આવે છે. કોઈ ફિલ્મની વાર્તા હોય તેવી રીતે આખી ઘટના બે ત્રણ દિવસ સમાચાર અને સોશ્યલ મિડિયામાં આવે અને પછી જૈસે થે.કેટલા મૂર્ખ બનીશું આપણે? કેટલા લાચાર, ડરપોક બનીશું? આપણી બધી જ દેશભક્તિ અને ઈશ્વરભક્તિ ફકત અને ફકત કોંગ્રેસને હરાવવા માટે જ છે. શું નૈતિકતા, પ્રામાણિકતા આ બધું વાતોમાં જ સારું લાગે છે? પદ અને પૈસા પાછળ આપણે આપણી માણસાઈ,અંતરાત્મા બધું જ ગીરવે મૂકી દેવાનું? તો તો પછી આપણે સૌ ગુલામથી પણ વધુ ખરાબ પરિસ્થિતિમાં જીવીએ છીએ તે સહર્ષ સ્વીકારવું રહ્યું.
સુરત – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.