વડોદરા : વડોદરાથી ખાનગી ટ્રાવેલ્સની ટુ બાય ટુની બસમાં બિહાર યાત્રાએ ગયેલા 45 જેટલા યાત્રાળુઓની લકઝરી બસને બિહારના ફરાસાઈ ગામ પાસે અકસ્માત નડતા એક મહિલા યાત્રીકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 40 જેટલા યાત્રીકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે યાત્રીઓને ગંભીર ઈજા પહોંચી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
વડોદરાની સ્વામીનારાયણ ટ્રાવેલ્સના મહેશભાઇ સદાશીવ વ્યાસ દ્વારા બિહારના ગયાજી, ગંગાસાગર, જગન્નાથપુરી વિગેરે યાત્રાધામોના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. અને વડોદરાની પાર્થ ટ્રાવેલ્સની ટુ બાય ટુ ની બસ ભાડે કરી ગત તા.26 મે-023ના રોજ 45 જેટલા યાત્રાળુઓ વડોદરા થી યાત્રાએ જવા માટે નીકળ્યા હતા અને આગામી તા.12 જુન-023ના રોજ પરત વડોદરા ખાતે પરત ફરવાના હતા અકસ્માત અંગે ઇલેક્શન વોર્ડ નંબર-15ના ભાજપાના પ્રમુખ અમીતભાઇ વ્યાસે જણાવ્યું હતું કે બિહારમાં આવેલા ગયાજી સહિત યાત્રા સ્થાનોના દર્શન કરીને બસ ગંગાસાગરથી પરત ફરી રહી હતી. ત્યારે બિહારના દરભંગાથી 50-60 કિલો મીટર દૂર યાત્રીકો ની બસને અકસ્માત નડ્યો હતો અને બસ ખાડામાં પલટી ખાઇ ગઇ હતી.
આ અકસ્માતમાં કરજણ તાલુકાના કંડારી ગામના 65 વર્ષીય યાત્રીક હંસાબહેન કનુભાઇ પટેલ નું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 40 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટને મદદ માટે વાત કરતા તેમને બિહારના સાંસદનો સંપર્ક કરીને વ્યવસ્થા કરાવી હતી અને આ ઘટનામાં મોતને ભેટેલા કંડારી ગામના હંસાબહેન પટેલના મૃતદેહનું પોષ્ટમોર્ટમ થઇ ગયા બાદ એમ્બ્યુલન્સ દ્વારા તેઓના મૃતદેહને વડોદરા લાવવામાં આવી રહ્યો છે. તે સાથે આ દુર્ઘટનામાં ઇજા પામેલા તમામ મુસાફરોને પ્રવાસ ટુંકાવીને અન્ય સ્વિપર કોચ લકઝરી બસ કરીને વડોદરા લાવવામાં આવી રહ્યા છે.