Charchapatra

નૂતન વગર, બંદિની ફિલ્મ બની શકે જ કેમ?

લતા મંગેશકર મહાન ગાયિકા હતાં એ વાત સાચી, પણ તેઓ કયારેક સંગીતકારો સાથે રીસાઇ પણ જતાં. સંગીતકાર ઓ.પી. નૈયર સાથે એમને અણબનાવ બન્યો એ જીવનભર રહ્યો. લતાજીએ કયારેય ઓ.પી. નૈયરના સંગીત નિર્દેશનમાં ગાયું નથી. જયારે સામે પક્ષે ઓ.પી. નૈયરે એમની સમગ્ર કારકિર્દીમાં લતાજી પાસે ગવડાવ્યું નહોતું. એમણે લતાજીનાં નાનાં બહેન આશાજી પાસે જ કાયમી ધોરણે ગીતો ગવડાવેલાં. આશાજી પણ એક ખૂબ ટેલેન્ટ ગાયિકા છે. એમણે ગાયેલાં કેટલાંક ગીતોનો લતાજીને પણ ગાતાં ના ફાવે એટલાં જબરદસ્ત હતાં.

લતાજીને એસ.ડી. બર્મન જેવા ઉત્તમ સંગીતકાર સાથે પણ 1959થી 61-62 સુધી અબોલા રહેલા. પણ એમનો તો ફરી મિલાપ, બીમલરોયની બંદિની ફિલ્મથી થયેલો. સંગીતકાર શંકર-જયકિશનના શંકર સાથે પણ લતાજીને વાંકું પડેલું. પણ ત્યાં તો જયકિશન બાજી સંભાળી લેતાં. આમ કયારેક લતાજીને સંગીતકારો સાથે કિટ્ટા થઇ પણ જતી. જો કે તેઓ એટલાં ઊંચાં ગાયિકા હતાં કે નાના મોટા લગભગ બધા જ સંગીતકારોને લતાજીની ગાયકી વગર ચાલ્યું નથી. બિમલરોયના મનપસંદ ગીતકાર શૈલેન્દ્રજી હતા.

બંદિની ફિલ્મ વખતે એક વળાંક એવો આવેલો કે બિમલ રોયે શૈલેન્દ્ર પાસે બંદિનીનાં ગીતો નહિ લખાવવાનો નિર્ણય લીધેલો. પણ ભલા બિમલરોયને શૈલેન્દ્ર વગર તો કેમ ચાલે જ. છેવટે શૈલેન્દ્રે બંદિનીનાં અન્ય ગીતો લખેલાં. એ જ રીતે બિમલરોયે બંદિનીનો વિચાર કર્યો ત્યારે નાયિકા માટે નૂતનને પસંદ કરેલી. પણ કેટલાંક વ્યસ્તતાના કારણોસર નૂતને, બંદિની માટે બિમલ રોયને ના પાડેલી ત્યારે બિમલ રોયે નક્કી કરેલું કે નૂતન વગર બંદિની નહિ જ બને. તેઓ ગમે તેટલો સમય થોભીને પણ નૂતનને જ મુખ્ય નાયિકાનો રોલ આપવા માગતા હતા. એમની સુજાતામાં પણ નૂતને કામ કર્યું હતું અને એથી જ પ્રભાવિત થઇને બિમલદા નૂતનને જ લઇને બંદિની બનાવવા માંગતા હતા. આખરે નૂતને બંદિનીમાં કામ કરવાની હા પાડી અને એક અવિસ્મરણીય ફિલ્મ ભારતનાં દર્શકોને માણવા મળી.
સુરત              – બાબુભાઇ નાઇ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ તે કેવું?
સુરત મહાનગરપાલિકામાં ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતાં એક કર્મચારીને ઉચ્ચતર પગાર ધોરણ એની સરવીસને બાર વર્ષ કરતાં પણ વધુ વર્ષ થઈ ગયાં હોવા છતાં તેનો પ્રથમ ઉચ્ચતર પગારધોરણ મળશે નહીં એનું કારણ એ જ કે એ વ્યક્તિ ઉચ્ચતર પગારધોરણ માટેની જે શરત છે કે એ વ્યક્તિએ પ્રમોશન લેવું પડે. જો એ પ્રમોશન ન લે તો એને ઉચ્ચતર પગારધોરણ ન મળે અને એને બીજું ઉચ્ચતર પગાર ધોરણ પણ ન મળે. પહેલાં આવો કોઇ નિયમ ન હતો. સરકારે બે ઉચ્ચતર પગારધોરણ નક્કી કર્યાં છે. 12 અને 24 વર્ષની સરવિસ થઈ હોય તેને બે ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર છે. છતાં પ્રમોશન લેવા માગતા ન હોય એ કર્મચારીને એ ઉચ્ચતર પગારધોરણ મળશે નહીં. આ તો કર્મચારીને સરકારે ઉચ્ચતર પગારધોરણ ન આપવું પડે એ માટે એવી શરત મૂકી હોય એવું લાગે છે. વ્યક્તિ વર્ષો સુધી નોકરી કરે એને ઉચ્ચતર પગાર ધોરણ ન મળે એ તે કેવું?
નવસારી           – મહેશ નાયક       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top