ઘડ -માથાં-અક્કલ વગરના આ જનૂનીઓ..

કયારેક  જુસ્સો એની હદ વટાવે તો એ  જનૂન  બની જતો હોય છે અને જ્યારે  જનૂનમાં જો કોઈ પણ ધર્મ જરા પણ ઉમેરાય તો એ એવી  પરાકાષ્ઠાએ પહોંચે કે એ ચક્રમ- પાગલ કે ગાંડાની પણ હદ વટાવી દે..આવા કહેવાતા ’ધર્મજનૂની’ના જૂથનું  બીજું નામ તાલીબાન  છે. અફઘાનિસ્તાન જેમણે પચાવી પાડયું એ તાલીબાનીઓ કયારેક તો  ધર્મજનૂની બનીને એવા ગાંડા કાઢે કે પેલો પાગલ  મોગલ બાદશાહ તઘલખ પણ આપણને ડાહ્યો ડમરો લાગે આવા તાલીબાનો હમણાં ફરી સમાચારમાં છે. સ્ત્રી તરફ એમનો રવૈયો –   માનસિકતા એવી પછાત અને હલકટ છે કે એ  લોકો ખુદ વિસરી ગયા છે કે જેમનાં ગર્ભમાંથી પોતે જન્મ્યા એ મા પણ એક સ્ત્રી છે.

ખેર, જેવી જેમની ધાર્મિક માન્યતા અને જનૂન.. આવા  તાલિબાનનું નામ  હમણાં સમાચારમાં એટલા માટે ઉછળ્યું છે કે ત્યાંના શાસકોએ એક નવા પ્રકારના ’શિરચ્છેદ’ નો આદેશ આપ્યો છે. બધા જાણે છે કે વસ્ત્રો-પરિધાનના શો-રુમની વિન્ડોમાં મૅનેિક્વન અર્થાત પૂતળુ-બાવલાંને નવાં વસ્ત્રોથી સજાવવામાં આવે છે, જેથી ગ્રાહકને   અંદાજ આવે કે પોતાના દેહ પર વસ્ત્રો કેવાં દેખાશે-શોભશે..નવાં વસ્ત્રની રજૂઆત માટે મૅનેિક્વન શ્રેષ્ઠ સાધન છે. આવાં પૂતળાં પુરુષ-સ્ત્રી બન્નેના હોય છે. ‘ સ્ત્રી કાયાનાં આવાં બાવલાં આપણા ઈસ્લામ ધર્મની તોહીન છે-બદનક્ષી છે માટે એને જાહેરમાં  રાખવા પર પ્રતિબંધ છે ’ એવો ફતવો તાલીબાનમાં હમણાં બહાર પાડવામાં આવ્યો છે !

દુકાનદારો – ખાસ કરીને વસ્ત્રપરિધાનના શો-રુમવાળાઓએ વિરોધ દર્શાવ્યો .એમણે બાવલાં શો-વિન્ડોમાંથી સાવ ખસેડી દેવાને બદલે સ્ત્રી પૂતળાંના ચહેરા ઢાંકી દેવાનું શરુ કર્યું તો પણ ભેજાગેપ શાસકોને આ ન જચ્યું. એ કહે: મહિલાનું આવું અધકચરું પ્રદર્શન પણ અલ્લાહને માન્ય નથી એ પછી અલ્લાહ તાલાના આ એજન્ટોએ  બીજો ફતવો ફ્ટકાર્યો : મહિલાનાં પૂતળાં જો જાહેરમાં રાખવા જ હોય તો એનાં ધડ પરથી ડોક કાપીને એનું મોં- ચહેરો દૂર કરો, નહીંતર. !’
આ ‘નહીંતર’ નો  અર્થ અત્યારે તો અફઘનિસ્તાનના શહેરી શોપકીપરર્સ સાનમાં સમજી ગયા છે કે આવા ભેજાફરેલાઓના આ ફતવાનું પાલન નહીં કરીએ તો પોતાનો શિરચ્છેદ થતાં વાર નહીં લાગે !
અહીં જસ્ટ એ પણ જાણી લો કે આ ‘તાલિબાન‘ એ પશ્તુન જમાતનો એક શબ્દ છે,જેનો અર્થ થાય છે છાત્ર એટલે કે વિદ્યાર્થી!

એની ચાર વિરુધ્ધ આપણી બે આપણી

એક જાણીતી કહેવત છે :‘જોનારાની બે તો ચોરનારાની ચાર આંખ’ અર્થાત ક્યારેક કાયદાના પાલક કરતાં અપરાધી વધુ ચકોર ને  ચાલાક નીકળે છે. હા, આમાં કયારેક અપવાદ પણ સર્જાય થોડા સમય પહેલાં ‘ઈશિતા’એ અહીં આ કૉલમમાં ( 5 ડિસેમ્બર-2021)  બૅન્ક ખાતામાં ઓનલાઈન ખાતર પાડતા એક ભારતીય હેકરની વાત કરી હતી,જે દુનિયાનો સૌપ્રથમ હેકર હતો, જેણે આભાસી ક્રિપ્ટોકરન્સીના એકસચેન્જ પર દરોડો પાડીને બિટકોઈન્સની તગડી લૂંટ ચલાવી હતી.

આવી જ આડકતરી ઓનલાઈન લૂંટનો એક કિસ્સો હમણાં જાપાનમાં બન્યો છે. કોઈક કારણસર કઈંક  શંકા પડતા અમેરિકાની આર્થિક ગુનાશોધક શાખાએ  જાપાનની  ’સોની લાઈફ ઈન્સ્યુરન્સ કંપની લિ.’ ની એક સ્થાનિક શાખાની નાણાંકીય તપાસ આદરી તો ખબર પડી કે અહીં આર્થિક લોચા બહુ છે. એની તલસ્પર્શી તપાસ આદરી તો જાણવા મળ્યું કે આ ગોટાળાના  મૂળમાં કોઈ  અમેરિકન  નહીં,પણ ‘સોની’ કંપનીનો જ એક મહત્ત્વનો ઑફિસર ઈશી છે. આ ઈશી ‘સોની’ ની  ટોકિયો અને અમેરિકાની બ્રાંચ વચ્ચે થતી નાણાંકીય હેરફેરનું કામ બહુ સારી રીતે સંભાળતો હતો.આવી ફંડ ટ્રાન્સફર-હેરફેરમાં ઈશી વચ્ચે વચ્ચે પોતાની  હેરાફેરી પણ કરી લેતો હતો. એણે કેલિફોર્નિયાની એક બૅન્કમાં બીજા નામે એક ખાનગી ખાતુ ખોલાવી રાખ્યું હતું.

ઈશીએ બૅન્ક ટ્રાન્સફરનો ડિજિટલ પ્રોગ્રામ એ રીતે ગોઠવ્યો હતો કે ‘સોની’ કંપનીની જાપાન-અમેરિકાની બ્રાન્ચ વચ્ચે જેવી કોઈ આર્થિક લેતી-દેતી થાય એ સાથે અમુક રકમની ‘કટકી’ ઈશીના ખાનગી એકાઉન્ટમાં આપોઆપ જમા થઈ જતી. ! ઈશી એવો ચાલક કે આ રીતે છેલ્લાં બે વર્ષમાં તફડાવેલા 154 મિલિયન ડોલર એણે ક્રિપ્ટોકરન્સી- બિટકોઈન્સમાં પલટાવી નાંખ્યા હતા. અમેરિકાની આર્થિક અપરાધની શાખાએ આવાં 3 હજાર 880 બિટકોઈન જપ્ત કરી લીધા છે,જેનું આજની તારીખે મૂલ્ય છે 180 મિલિયન ડોલર અર્થાત આપણા આશરે રુપિયા 13 અબજ..! આમ આ કિસ્સામાં ચાર આંખવાળા અપરાધી કરતાં ન્યાયના રખવાળા – પોલીસ બે  આંખ સાથે વધુ ચબરાક નીકળ્યા.

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ

શબ્દોમાં અને આંક-આંકડા વચ્ચે એક મજાનો તફાવત છે. ક્યારેક કોઈ વાત શબ્દોથી વ્યકત નથી થઈ શક્તી એ જ વાત આંકડાથી વધુ સચોટ રીતે રજૂ થઈ શકે છે અને એટલે જ કોઈએ મજાકમાંય યથાર્થ વાત કહી છે કે લોકોને પ્રભાવિત કરવા જાદુગરની ઈન્દ્રજાળ–માયાજાળ કરતાંય વધુ સચોટ હોય છે નેતાઓની આંકડાજાળ! મજાક બાજુ પર રાખીએ તો હમણાં  જ વીતેલા વર્ષની કેટલીક ઘટના આંકડાબાજીથી વધુ રસપ્રદ બની છે.કેટલાક ઉદાહરણ જોઈએ,જેમકે કોઈ ટીવી પ્રોગ્રામ-સિરિયલ કે વેબ સિરિઝ માટે જો  લવાજમ કે કોઈ ચોક્કસ રકમ ન ભરવી પડતી હોય તો 63 % ભારતીઓ એની સાથે આવતી જાહેરખબર જોવાં તૈયાર છે
# 43 % ઈન્ડિયન્સને ડિજિટલ વૉલેટ દ્વારા ઓનલાઈન શોપિંગ કરવામાં ખાસ વાંધો નથી   
#  ટ્રાવેલના ધંધામાં જે છે એ કંપનીઓ કે એમની બ્રાન્ડ્સ આ 2022 અને આગામી 2023ની સાલમાં એમનાં કુલ બજેટની 70 % સુધીની  રકમ ડિજિટલ મીડિયામાં જાહેરખબર પાછળ વાપરવા તૈયાર છે
#  વીતેલા વર્ષમાં કોવિડમાં  ઉપયોગી થઈ શકે એવી જે 332 જાહેરખબર પ્રગટ થઈ એમાંથી માત્ર 12માં  જ એને યર્થાત ઠરાવતા  વૈજ્ઞાનિક પુરાવા હતા…
કોઈ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવાનો ગર્વ કઈ વિશેષ હોય છે. જો સાક્ષી ન બની શકીએ તો એ ઘટના સાથે સંકળાયેલી કોઈ વસ્તુ પણ આનંદ આપી શકે. લેડી ડાયના અને પ્રિન્સ ચાર્લ્સના રોયલ વેડિંગનો અવસર આખી દુનિયાએ ઉત્સુકતાથી ટી.વી. પર જોયો-માણ્યો હતો. ફૂટડી ડાયના પર બધા ફિદા હતા. 40 વર્ષ પૂર્વે એ રાજ્વી લગ્ન વખતે નવદંપતીએ જે વેડિંગ કેક કાપી  હતી– ચાખી હતી એ કેકના એક ભાગની હમણાં હરાજી થઈ તો ડાયનાના એક ચાહકે એને 1 લાખ 90 હજારની બોલી લગાડીને ખરીદી લીધી..

Most Popular

To Top