અંધશ્રદ્ધાની અનુક્રમણિકા

આજની યુવાપેઢીને જન્માક્ષરો, કુંડળી, ગુણ વગેરેમાં રસ નથી. તેઓ હૈયું મળે તેની સાથે હસ્તમેળાપ કરી લે છે અને દિલ મળે તેની સાથે દાંપત્યનો દસ્તાવેજ કરી લે છે. વડીલોને એ નથી ગમતું પણ તેઓ લાચાર છે. સમાજનો અનુભવ છે કે જેમની દીકરીને મંગળ હોય તેમને લગ્નમાં ખાસ્સી તકલીફ પડે છે. અંતે તેઓ જ્યોતિષીઓને શરણે જાય છે. જ્યોતિષીઓ એમ કહીને પાટિયાં બેસાડી આપે છે કે મંગળવાળી છોકરીને શનિવાળો મુરતિયો ચાલે..! પણ વિધિ કરાવવી પડે. તેનો ખર્ચ 5000 થાય!   

હમણાં એક જગ્યાએ એવું બન્યું કે છોકરાછોકરીની કુંડળી, રાશિ વગેરે બધું જ બરાબર મળતું હતું. ગુણ પણ છત્રીસે છત્રીસ મળતા હતા. ધામધૂમથી લગ્ન કર્યા પણ તેમના લગ્ન નિષ્ફળ રહ્યા. લગ્નના પ્રારંભિક છ મહિનામાં જ બન્ને વચ્ચે ખૂબ ઝઘડાઓ થયા. વાત છૂટાછેડા પર આવી ગઈ. વડીલોએ જ્યોતિષીઓને પણ બતાવ્યું. જ્યોતિષીઓ એવા તારણ પર આવ્યા કે બેમાંથી કોક એકના જન્માક્ષર ખોટા હશે તો જ આવું વિપરીત પરિણામ આવી શકે. બૌદ્ધિકો વારંવાર જણાવે છે કે જેઓ વાર, તિથિ, ચોઘડિયાં કે કુંડળી બધું બરાબર મેળવીને પરણે છે તેમનું લગ્નજીવન પણ અચૂકપણે સુખી જ થાય એવું હોતું નથી. તેઓ પણ ઘરકંકાસથી ત્રાસીને કૂવો – તળાવ કરીને મરી જાય છે. સ્થિતિ આવી હોય તો જન્માક્ષરોનો આટલો દુરાગ્રહ શા માટે રાખવો જોઈએ?

અમારી મિત્રમંડળીમાં ઘણી વાર જન્માક્ષરોના માહાત્મ્યની ચર્ચા નીકળે છે ત્યારે બચુભાઈ હંમેશાં કહે છે: ‘મારા અને સાવિત્રીના બત્રીસે બત્રીસ ગુણ મળી ગયા હતા છતાં અમારે જિંદગીભર છત્રીસનો આંકડો રહ્યો હતો..! એથી હું તો કુંડળી વગેરેમાં માનતો જ નથી. સાચી વાત એટલી જ કે સુખી લગ્નજીવન માટે જન્માક્ષરો નહીં મન મળવાં જોઈએ…!’ હવે 13ના આંકડા સાથે જોડાયેલી અંધશ્રદ્ધાની ચર્ચા કરીએ. એક માણસે નવી રિક્ષા ખરીદી. RTO માંથી રિક્ષાનો ચાર આંકડાનો નંબર પાસ થઈને આવ્યો તેનો સરવાળો 13 થતો હતો. જો કે એ પોતે આવી કોઈ અંધશ્રદ્ધામાં માનતો ન હતો એથી એણે તે નંબર સ્વીકારી લીધો. પણ બન્યું એવું કે સંજોગોવસાત્ બે વર્ષ પછી રિક્ષા વેચવાની નોબત આવી ત્યારે પેલા 13ના આંકડાને કારણે સાવ પાણી મૂલે પણ કોઈ રિક્ષા લેવા તૈયાર ના થયું.

ગુજરાતમાં કોરોના સામે રક્ષણ મળે તે માટે ગુજરાતનાં ઘણાં શહેરોમાં શાંતિ યજ્ઞો કરવામાં આવ્યા હતા. છતાં બીજી કે ત્રીજી લહેરને રોકી શકાઈ નહોતી. બલકે હવે તો “WHO” દ્વારા મ્યુકરમાઈકોસીસ અને ઓમિક્રોન  નામના અન્ય નવા ઝેરી વાયરસની આગાહી કરવામાં આવી છે. દોસ્તો, સમજીએ તો સીધી વાત છે. સેંકડો વર્ષોથી આ દેશની ધાર્મિક સંસ્કૃતિમાં તરેહ તરેહના નવચંડી યજ્ઞો, વિશ્વશાંતિ યજ્ઞો, અશ્વમેધ યજ્ઞો, ગાયત્રી યજ્ઞો, હોમહવનો વગેરે થતા રહ્યા છે પણ એક પણ યજ્ઞ કોરોનાનો વાળ વાંકો કરી શક્યો નથી.

વર્ષો પૂર્વે માતા આવવી જેવા ધતીંગો ચાલતાં. આજે પણ એ બંધ થયું નથી. વર્ષો પૂર્વે અમે નવસારીમાં ભાડેના મકાનમાં રહેતા હતા. ત્યાં નવરાત્રીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાતો. એક વાર એવું બનેલું કે રાત્રે ગરબા જોવા નીકળેલા થોડા પીંડક જુવાનિયાઓ અમારી સોસાયટીમાં આવી ચઢ્યા. તેમાંનો એક જુવાનિયો ધૂણવા માંડ્યો. તમાશાને તેડું ના હોય. ગરબા અટકી ગયા અને બધાં ટોળે વળી એ જુવાનિયાને ધૂણતો જોવા લાગ્યા. પેલા યુવાને નારિયેળ માંગ્યું. નારિયેળ હતું નહીં પણ માતાના મંડપમાંથી લાવીને તેને આપ્યું. ત્યાર બાદ બન્યું એવું કે પેલાએ ચારપાંચ વાર નારિયેળ જમીન પર પટક્યું પણ પાણી છાંટવામાં આવ્યું હતું એથી નારિયેળ ફૂટ્યું નહીં. પેલાએ ધૂણતા ધૂણતા પથ્થર માંગ્યો.

સોસાયટીના યુવા વર્ગને ખ્યાલ આવી ગયો કે આ માણસ ઢોંગ કરે છે. યુવાનોએ તેને કહ્યું: ‘તારામાં સાચે જ માતાજી પ્રવેશ્યાં હોય તો આ જમીનમાં જ નારિયેળ ફોડીને બતાવ!’ પેલા પીંડકે એક ગાળ દીધી. યુવાનોએ તેને મારવા લીધો. સોસાયટીના વડીલોએ તેમને અટકાવ્યા. યુવાનોએ કહ્યું: ‘આ માણસ ઢોંગ કરે છે. માતા વળી ગાળ બોલે ખરી?’ બેચાર ઘરડા ડોસાઓએ દલીલ કરી. મેલી માતા હોય તો ગાળ બોલેય ખરી! યુવાનોએ વળતી દલીલ કરી: ‘માણસો મેલા હોઈ શકે.. માતા વળી કદી મેલી હોતી હશે?’ તાત્પર્ય એટલું જ કે ભણેલાગણેલા શિક્ષિત લોકો પણ ભારે અંધશ્રદ્ધામાં ડૂબેલા રહે છે.

ધૂપછાંવ
 13નું તૂત અમેરિકામાં પણ ચાલે છે. ત્યાં મકાનોના નંબરમાં 13 નો આંકડો ઓમિટ કરીને સીધો 14 મો નંબર આપી દેવામાં આવે છે. અહીં બૌદ્ધિક રીતે વિચારો તો 13 ના સ્થાને ભલે 14 મો નંબર લખવામાં આવે પણ તેનું આંકડાકીય (ગાણિતિક) સ્થાન તો 13 નું જ રહે છે. એથી 13નાં ભયસ્થાનો 14 આંકડા સાથે પણ રહેતાં જ હોય છે. જો કે મૂળ અમેરિકનો એવાં પાટિયાં બેસાડતા નથી. વસ્તુત: દુનિયાની લગભગ 70% અંધશ્રદ્ધાની જન્મભૂમિ ભારત હોય છે.

Most Popular

To Top