રાજ્યમાં હાલમાં વરસાદની 40 ટકા કરતાં વધુ ઘટ છે, જયારે એકાદ બે દિવસમાં વરસાદ ના પડે તો ઊભો પાક બળી જાય તેવી સ્થિતિ પેદા થવા પામી છે, રાજ્યમાં વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતિમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાનથી બચાવવા માટે રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના જળાશયોમાં આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત-રિઝર્વ રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ધરતીપુત્રોના ઊભા પાકને બચાવવા સિંચાઇ માટે તાત્કાલિક અસરથી છોડવામાં આવશે.
તા.૩૦ સપ્ટેમ્બર સુધી રાજ્યના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખ્યા બાદ ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે તેનો લાભ સમગ્રતયા રાજ્યના પાંચ લાખ હેકટર જમીન વિસ્તારને મળતો થશે. સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૪૧ ડેમ પૈકી ૮૮ જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી અપાતા સૌરાષ્ટ્ર વિસ્તારની ૬૦ હજાર હેકટર જમીનને તેમજ ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમનું પાણી ૧પ હજાર હેકટરને સિંચાઇ માટે મળતું થશે. એટલું જ નહિ, મધ્ય ગુજરાતના કડાણા જળાશયમાંથી મહિ કમાન્ડને ૬ હજાર કયુસેકસ પાણી સિંચાઇ માટે પૂરૂં પાડવામાં આવશે. આ ઉપરાંત પાનમ સહિતના ૧૧ જળાશયોમાંથી ર લાખ ૧૦ હજાર હેકટરને સિંચાઇ માટે પાણી અપાશે.
રાજ્યમાં સરેરાશ 36.31 ટકા વરસાદ થયો છે
ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આજે સાંજે સુધીમાં રાજ્યમાં ગીર સોમનાથના વેરાવળમાં 14 મીમી વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્યમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં 9 મીમી વરસાદ થયો છે. જયારે રાજ્યમાં સરેરાશ 36.31 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 31.74 ટકા , ઉત્તર ગુજરાતમાં 31.1 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 34.68 ટકા, સૌરાષ્ટ્રમાં 33.64 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 40.16 ટકા વરસાદ થયો છે