છેલ્લા કેટલાક દાયકાઓથી વિશ્વમાં અમેરિકા જગત જમાદાર બનીને રહ્યું છે. અમેરિકાની આ તાકાત તેની અર્થતંત્રની તાકાત છે. વિશ્વમાં વિનિમય માટેનું સાધન અમેરિકન ડોલર છે. ભૂતકાળમાં રશિયા અને હાલમાં ચીન દ્વારા આ મામલે અનેક ધમપછાડા કરવામાં આવ્યા પરંતુ અમેરિકાની ડોલરની તાકાતને કોઈ દેશ આંબી શક્યું નથી. અમેરિકન ડોલરની તાકાત અકબંધ રહેવા પામી છે. અમેરિકામાં મંદી આવે કે પછી અમેરિકાનું દેવું તેની મર્યાદાની બહાર જતું રહે, ડોલરની સ્થિતિમાં ફરક આવતો નથી. જોકે, હવે બ્રિક્સના દેશો દ્વારા પોતાનું ચલણ બજારમાં લાવવા માટેની હિલચાલ કરવામાં આવી રહી છે.
જો બ્રિક્સનું પોતાનું ચલણ બજારમાં આવશે તો તે ચોક્કસપણે ડોલરનો પર્યાય બનશે અને બની શકે કે ડોલરને બદલે વિશ્વના દેશો આ બ્રિક્સના ચલણમાં વહેવાર કરવા લાગે. હાલ બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા એમ પાંચ દેશ છે. જ્યારે હવે બ્રિક્સમાં ઇરાન, અર્જેન્ટીના, ઇથોપિયા, ઇજિપ્ત, ઇરાન, સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને સાઉદી અરેબિયા સહિતના દેશો પણ જોડાઈ રહ્યા છે. આ દેશના જોડાણ સાથે બ્રિક્સની તાકાત ચોક્કસપણે વધી જશે. આખા વિશ્વની નજર બ્રિક્સની આગામી વર્ષે યોજાનારી બેઠક પર સ્થિર થવા પામી છે. કારણ કે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોમાં માથાદીઠ આવક ખૂબ વધારે છે. આ સિવાય આ દેશો પાસે વિદેશી હુંડિયામણ સ્વરૂપે મોટી જથ્થો છે.
આ દેશોના આગમનથી બ્રિક્સને મોટી આર્થિક મજબૂતી મળશે. બની શકે કે બ્રિક્સ દ્વારા વિશ્વ બેંક અને આઈએમએફના વિકલ્પરૂપે ન્યુ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના કરવામાં આવે. બ્રિક્સના સભ્ય દેશોનું માનવું છે કે આઈએમએફ દ્વારા આપવામાં આવતી લોન અન્ય દેશો માટે બોજા સ્વરૂપે છે. સાઉદી અરેબિયા પણ પોતાની તેલ પરની આર્થિક નિર્ભરતાને ઘટાડીને અન્ય પ્રોજેક્ટોમાં રોકાણ કરવા માટે ઈચ્છી રહ્યું છે. આ સંજોગોમાં સાઉદી અરેબિયાની રોકાણ ક્ષમતા જોતાં તેની તાકાતનો સીધો ફાયદો બ્રિક્સના સભ્ય દેશોને થઈશકે છે. સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાત વિશ્વામાં તેલ ઉત્પાદનની દ્રષ્ટિએ ખૂબ મોટા છે. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સારા સંબંધ હોવાનો લાભ બ્રિક્સમાં થશે. ઉપરાંત સંયુક્ત આરબ અમિરાતની કુલ વસ્તીમાં 30 ટકા ભારતીયો હોવાથી તેનો લાભ પણ ભારતને થઈ શકે તેમ છે. હાલમાં વિશ્વના કુલ જીડીપીમાં બ્રિક્સના દેશોનો હિસ્સો માત્ર 26 ટકા જ હતો પરંતુ આ નવા છ દેશના ઉમેરા સાથે બ્રિક્સનો હિસ્સો વધીને 33 ટકા થઈ જશે.
આ દેશોના સમાવેશથી બ્રિક્સના સભ્ય દેશને ફાયદો થશે જ પરંતુ સાથે સાથે તમામ દેશોએ એકબીજા સાથેનું સંકલન વધુ પ્રગાઢ બનાવવું પડશે. ભૂતકાળમાં આ સંગઠનમાં ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા રહેતી હતી પરંતુ હવે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાતના સમાવેશ સાથે આ સ્પર્ધા વધી જશે. જો બ્રિક્સનું નવું ચલણ બજારમાં આવશે તો તેના માટે પણ સભ્ય દેશો વચ્ચે સંકલન જરૂરી છે. જ્યારે બ્રિક્સ સમિટ થઈ ત્યારે તેના છેલ્લા દિવસે યોજાયેલી પત્રકાર પરિષદમાં બ્રિક્સના ચલણ વિશે કહેવાયું હતું કે, બ્રિક્સની કરન્સી માટે સભ્ય દેશના નાણામંત્રીઓ અને જે તે દેશની રિઝર્વ બેંકોને વિચાર કરવા માટે કહેવાયું હતું. જેથી હવે આવતા વર્ષે આ મુદ્દા પર ચર્ચા પણ થશે. હાલમાં આ માટે સભ્ય દેશો વચ્ચે સહમતિ થઈ નથી પરંતુ તેના માટેના પ્રયાસો ચાલુ છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ત્યાં સુધી કહ્યું છે કે, વેપાર માટે વિશ્વના દેશો પર ડોલરનો જ ઉપયોગ કરવાનું દબાણ હોવું જોઈએ નહીં. બ્રિક્સની નવી કરન્સી આવશે તો સભ્ય દેશોને ચૂકવણી માટેનો નવો વિકલ્પ મળી શકશે. ખૂદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ બ્રિક્સ કરન્સીની હિમાયત કરી હતી. બ્રિક્સના સભ્ય દેશોની મજબૂત આર્થિક વ્યવસ્થાને કારણે બ્રિક્સનું નવું ચલણ વિશ્વમાં ધમાલ મચાવી શકે છે. બ્રિક્સના દેશો ચીન અને ભારત વિશ્વની ટોચની 5 આર્થિક વ્યવસ્થામાં સામેલ છે. હવે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાતના સમાવેશ સાથે પરિસ્થિતિ બદલાશે. કારણ કે આ બંને દેશો પાસેથી તેલની ખરીદી કરવા માટે બ્રિક્સના ચલણનો ઉપયોગ થશે અને તે સંજોગોમાં ડોલર નબળો પડશે તે ચોક્કસ છે.