Charchapatra

મુસીબતની સાથે અને સામે

બે દિવસ પહેલાં બે સુંદર વ્હોટ્સએપ વાંચવા અને જોવા મળ્યા. એક યુવાન જે રાજકોટના છે. તેઓ કોઇક ધાર્મિક વિધિવિધાન માટે માતાજીની ધજા લઇ તેના સાથી સાથે એક ઝાડ પર ચઢ્યો હતો. તેટલામાં એક સખત પવનનો ઝાપટો આવ્યો અને હાથમાં રાખેલી ધજાની લોહની દાંડી વાંકી વળી ગઈ અને નજીકના જોરદાર પ્રવાહનું વહન કરનાર વિદ્યુતના તારને એ દાંડી અડકી ગઈ અને બંને મિત્રો સખત રીતે ચોંટી ગયા. એક મિત્રનું તત્કાલ અવસાન થયું.

બીજો હોસ્પિટલમાં ખસેડાયો, વીસ દિવસે ભાનમાં આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેના બંને હાથ અને બંને પગો કાપી નાંખવામાં આવ્યા છે. નવાઇની વાત કે આ યુવાને પોતાની આ પરિસ્થિતિ જાણ્યા પછી પણ અકલ્પનીય સ્વસ્થતા જાળવી હતી. તેને યોગ્ય રાહત મળી પછી યુવાને જણાવ્યું હતું કે આ આખી ઘટના પ્રભુની ઇચ્છા પ્રમાણે જ થઈ છે અને તેનો તેમને કોઇ રંજ નથી. આ જ યુવાનના દીકરાનું ભૂતકાળમાં જ્યારે મૃત્યુ થયું હતું ત્યારે પણ આ પ્રત્યાઘાત એ હતો કે પ્રભુએ તેમને દીકરો આપ્યો અને તેણે પાછો લઇ લીધો. મનની ભવ્ય સ્વસ્થતા.

ગુજરાતની એક શાળાના સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ ભગવાનને, ‘ભગવાનભાઈ ઇશ્વરભાઈ પરમાત્મા, શંખચક્રવાળા, સ્વર્ગલોક, નર્કની સામે, વાદળાની વચ્ચે, મુકામ આકાશનું સંબોધન કરી, ખૂબ જ સૂચક પ્રશ્નો પૂછયા છે. પ્રશ્નો જાણવા જેવા છે. 1. હે ભગવાન તારા મંદિરમાં તારા શિર પર આરસપાણનો પત્થર અને એ.સી. છે, પણ મારી સરકારી શાળામાં છાપરુંયે નથી અને ચોમાસામાં તો અમારે ગળતા ટીપાંઓમાં જ બેસવું પડે છે. આવું કેમ? 2. ભગવાન, તને રોજ બત્રીસ જાતના પકવાન પીરસાય છે અને તું તો ખાતો પણ નથી, પણ મારે મધ્યાહ્ન ભોજનમાં મળતો એક મુઠ્ઠી ભાત ખાઈને ભૂખ્યા જ ઘરે જવું પડે છે. આવું કેમ?

3. મારી નાની બહેનના ફાટેલા ફ્રોકને કોઇ થિંગડું દેવા પણ આવતું નથી અને તને રોજ નવા નવા વાઘા પહેરાવવામાં આવે છે, શું કામ આવું? 4. તું તો અમારી બનાવેલી મૂર્તિ છે અને અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છીએ, છતાં અમારા ચહેરા પર નૂર નથી અને તારા ચહેરા પર ઝગઝગાટ છે. આવું કેમ. આ વિદ્યાર્થીના પત્ર દ્વારા સમાજને અને ખાસ કરીને કોઇ પણ ક્ષેત્રમાં કોપણ જાતનો વિરોધ કરનારાઓને એક શીખ જરૂર મળે છે, કે વિરોધ સાથે વિનય તો હોવો જ જોઇએ.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top