નિયતંત્ર ઉપર લગભગ રોજેરોજ આઘાત કરનારા ઉપ રાષ્ટ્રપતિ ધનગર અને કેન્દ્રના કાયદાપ્રધાન કિરણ રિજુજીમાંથી કિરણ રિજુજીએ સોમવારે અચાનક સૂર બદલતા કહ્યું કે, ‘‘સરકાર અને સર્વોચ્ચ અદાલત વચ્ચે પરસ્પર આદરનો સંબંધ છે, કોઈ મહાભારતનું યુદ્ધ નથી, અમારી વચ્ચે સંવાદ ચાલતો રહે છે અને સરકાર સર્વોચ્ચ અદાલતની છાતી પર ચડી બેઠી છે વગેરે પ્રકારની છાપ તો મીડિયાએ ઊભી કરી છે.’’ તેમણે આર. એસ. સોઢી નામના દિલ્હીની વડી અદાલતના એક નિવૃત્ત ન્યાયમૂર્તિને પણ શોધી કાઢ્યા હતા જેમણે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલત બંધારણને હાઇજેક કરી ગઈ છે. હજારેક નિવૃત્ત ન્યાયમૂર્તિઓમાંથી એક નિવૃત્ત ન્યાયમૂર્તિ સરકારના પક્ષે આગળ આવ્યા છે. બીજા પણ શોધવામાં આવતા હશે. ટૂંકમાં ચારે બાજુથી ઘેરાબંધી કરવામાં આવી રહી હતી પણ એની વચ્ચે કેન્દ્રના કાયદાપ્રધાને સૂર બદલ્યો.
દરમિયાન જે દિવસે બંધારણના બેઝિક સ્ટ્રકચરને હાથ લગાડવામાં આવશે અને શાસકોને તેમ જ લોકપ્રતિનિધિઓને હાથ લગાડવાનો અધિકાર આપવામાં આવશે એ દિવસે ભારતમાં લોકતંત્રનો અંત આવશે એમ પોતાની આત્મકથામાં કહેનારા લાલ કૃષ્ણ અડવાણી ચૂપ છે. તેમણે અલબત્ત બંધારણની સમીક્ષા કરવાને નામે એક પંચ રચીને બંધારણના બેઝિક સ્ટ્રક્ચરમાં ફાંકુ પાડવાનો પ્રયાસ કર્યો હતો એ હું કહી ચૂક્યો છું. તો ચારે કોરથી સર્વોચ્ચ અદાલત ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા હતા અને લોકતંત્રના પ્રહરી ચૂપ છે અને રહેવાના છે તો પછી અચાનક સૂર બદલવાની જરૂર કેમ પડી? એનું કારણ ઈઝરાયેલ છે.
ઈઝરાયલમાં આરેય દેરી નામનો એક ખેપાની માણસ છે અને તે ‘શાસ’ નામના પક્ષના સ્થાપકોમાંનો એક છે અને અત્યારે સર્વેસર્વા છે. એ માણસ ઝનૂનીઓમાં પણ ઝનૂની છે. આપણી ભલે 3 પેઢી બરબાદ થઈ જાય પણ મુસલમાનોને દબાવીને રાખવા જોઈએ એવી તામસી મનોવૃત્તિ ધરાવનારા યહૂદીઓનો તે હીરો છે. આવા ઘણા યહૂદીઓ ઈઝરાયેલમાં વસે છે અને તેમના જોરે આ દેરી 1988ની સાલથી દેશની જેતે સરકારમાં પ્રધાનપદું ભોગવતો આવ્યો છે. સંખ્યાની દૃષ્ટિએ સરકારની સ્થિરતા માટે અને ઝનૂની યહૂદીઓ રસ્તા પર ઊતરીને ત્રાસ ન આપે એ સારુ દેરીને પ્રધાનમંડળમાં લેવો પડે છે.
પણ એમાં બન્યું એવું કે દોઢ લાખ અમેરિકન ડોલરની લાંચ લેવાના કેસમાં દેરીને 3 વરસની જેલની સજા થઈ. જેલની સજા ભોગવીને બહાર આવ્યો અને ઇઝરાયેલમાં લોકસભાની ચૂંટણી યોજાઈ. 120 સભ્યોની લોકસભામાં શાસક લિકુડ પક્ષને માત્ર 32 બેઠકો મળી અને દેરીના પક્ષને 11 બેઠક મળી. આ બન્ને પક્ષ ઈઝરાયેલની લોકસભામાં સૌથી મોટા પક્ષ છે અને એ પછી પણ બહુમતી થતી નથી. દેરી લિકૂડ પક્ષના વડા પ્રધાનપદના દાવેદાર નેતાન્યાહુની મજબૂરીનો લાભ લેવાનું ચૂક્યો નહોતો અને રાજકીય કદમાં તેમ જ આર્થિક લાભોમાં વધારો થાય એવાં ખાતાં મેળવવાનો સોદો કર્યો.
માત્ર આરોપી નહીં પણ સજા પામેલા ગુનેગારને દેશની સરકારમાં પ્રધાન બનાવવામાં આવ્યા એની સામે ઇઝરાયેલની સર્વોચ્ચ અદાલતે વાંધો લીધો અને પ્રધાનપદ માટે દેરીને અપાત્ર ઠેરવ્યો. હવે? હવે વડા પ્રધાન નેતાન્યાહુ અને તેમના પ્રધાનોએ સર્વોચ્ચ અદાલત સામે મોરચો માંડયો કે સર્વોચ્ચ અદાલત ઇઝરાયેલના બંધારણને અને ઇઝરાયેલ રાષ્ટ્રને હાઈજેક કરી ગઈ છે. સાચા લોકતંત્રમાં પ્રજાના પ્રતિનિધિઓ અને પ્રજાએ પસંદ કરેલી સરકાર સર્વોપરી ગણાય વગેરે. એ જ દલીલો જે આપણે ત્યાં કરવામાં આવી રહી છે. સર્વોચ્ચ અદાલત ઉપર હુમલા કરવામાં વડા પ્રધાન નેતાન્યાહુ મોખરે હતા. નેતાન્યાહુ આજના યુગના નેતાઓનું માથું ભાંગે એવા નફ્ફટ માણસ છે.
કારસો ઈઝરાયેલની સર્વોચ્ચ અદાલતની છાતી ઉપર ચડી બેસીને તેને કચડી નાખવાનો હતો. ઇઝરાયેલના બંધારણની ઐસીતૈસી કરવાનો હતો. કોઈ પણ ભોગે સત્તામાં ટકી રહેવાનો અને ક્યારેય નહીં છોડવાનો હતો પણ પ્રજાએ ખેલ બગાડી નાખ્યો. લોકોએ ઠેકઠેકાણે દેખાવો કર્યા અને એક દિવસે તો એક લાખ લોકોએ તેમાં ભાગ લીધો. નેતાન્યાહુ પાસે દેરીને હટાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો રહ્યો. આપણે ત્યાં પણ કાયદા પ્રધાને સૂર બદલ્યો એનું આ કારણ છે. જગત આખામાં ઘટનાની પાછળ ઘટનાઓ આકાર લઇ રહી છે અને તેને કારણે વિશ્વના રાજકારણમાં નવા વળાંકના સંકેતો નજરે પડી રહ્યા છે. પ્રજાની વચ્ચે ધ્રુવીકરણ થઇ રહ્યું છે. જે લોકો નફરતનો છોડ ઉછેરીને પોતાનાં અને પોતાનાં સંતાનોનાં ભવિષ્યને હોમી દેવા માગતા નથી એવા બુદ્ધિશાળી સમજદાર નાગરિકોને કાયદાનું જવાબદાર રાજ્ય જોઇએ છે અને તેને માટે સ્વતંત્ર ન્યાયતંત્ર પહેલી શરત છે.
બેજવાબદાર માથાભારે રાજ્ય કોઈના લાભમાં નથી એ તેઓ જાણે છે. અત્યારે જ્યારે વિરોધ પક્ષના નેતાઓ, ધર્મગુરુઓ, પત્રકારો, જજો સુદ્ધાં વેચાઈ રહ્યા છે ત્યારે કાયદાનું ધોરણસરનું રાજ્ય બચાવવું કેવી રીતે અને કોને ભરોસે?! નાગરિકોએ પોતે મોરચો સંભાળી લીધો છે અને રસ્તા ઉપર ઊતરી રહ્યા છે. આજે ભારત સહિત જગતના એકાદ ડઝન દેશોમાં લોકો રસ્તા પર છે જેની જાણકારી ગોદી ગલૂડિયાં તમને નથી આપતા. ઇઝરાયેલની આવડી મોટી ઘટનાની તમને જાણ હતી? કિરણ રિજુજીએ સર્વોચ્ચ અદાલત ઉપરનો કારસો ઢીલો કર્યો એનું બીજું પણ એક કારણ છે. BBCએ નરેન્દ્ર મોદી ઉપર બનાવેલી ફિલ્મ અને તેના પર ભારતમાં મૂકવામાં આવેલો પ્રતિબંધ. ભારતની પ્રજા એ ફિલ્મ નહીં જોઈ શકે, દુનિયા તો એ જોવાની જ. તેને રોકવાનો કોઈ ઈલાજ નથી.