સુરત શહેરમાં વિતેલા એક અઠવાડિયાથી વાતાવરણમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. એક પછી એક આવેલા બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શહેરમાં વાદળછાયું વાતાવરણ અને માવઠાની અસર પણ વર્તાઈ હતી. જોકે હવે આ અસર ઓછી થતાં લઘુત્તમ તાપમાનનો પારો આજે દોઢ ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં ગયા અઠવાડિયે સર્જાયેલા બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ઓછી થઈ છે. જેને કારણે શહેરમાં આજે વાદળો દૂર થયા હતા અને સૂર્યનો તડકો દેખાયો હતો. બીજી તરફ પંજાબમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ઠંડી વધવાના એંધાણ વ્યક્ત કર્યા છે. આજે લઘુત્તમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી ગગડીને 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જેને કારણે વહેલી સવારે શહેરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ-ચાર દિવસ ઠંડીનો રાઉન્ડ આવવાની સંભાવના છે. જેમાં રાતના તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થશે. શહેરમાં આજે મહત્તમ તાપમાન આંશિક વધારા સાથે ૨૭ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં આજે ૧૦ કિલોમીટરની ઝડપે ઉત્તર પૂર્વનો પવન ફુંકાયો હતો.