સુરતઃ આવતીકાલે તા. 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે. પતંગ રસિયાઓ માટે આ દિવસ ખાસ છે. વહેલી સવારથી ધાબે ચઢી સુરતીઓ પતંગ ચગાવશે. દરમિયાન પતંગ રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસના વાતાવરણની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ ગુજરાત, દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં પવન ખુશનુમા રહેશે. ઉત્તરાયણના દિવસ દરમિયાન પવનની ઝડપ 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે. પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ રહેશે. પતંગ રસિયાઓ માટે ખૂબ જ સારો પવન રહેશે. પતંગ રસિકોએ વધુ ઠૂમકા મારવા પડશે નહીં.
રવિવારે તાપમાનમાં ઉતાર-ચઢાવ
શહેરમાં રવિવારે તાપમાનમાં વધઘટ જોવા મળી હતી. મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધ્યુ હતું તો લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં રવિવારે તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે. મહત્તમ તાપમાન ૦.૫ ડિગ્રી વધારા સાથે ૨૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન થોડું ઘટીને ૧૭.૧ ડિગ્રી રહ્યું. હવામાં ભેજનો સ્તર ૩૬ ટકા નોંધાયો હતો, જે સાથે ૪ કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો.
આ સ્થિતિને કારણે શહેરીજનોને દિવસ દરમિયાન ગરમી અને સવારે-સાંજે હલકી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. હવામાનવિદોના અનુમાન અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના ઓછી છે. શહેરીજનોને વાદળછાયા વાતાવરણ માટે તૈયાર રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે.
મકરસંક્રાંતિ પર કુમાર યોગ અને રાજ યોગનો શુભ સમન્વય
મકરસંક્રાંતિનો તહેવાર આવતીકાલે મંગળવારે ઉજવવામાં આવશે. આ વખતે સંક્રાંતિ વાઘ પર સવાર થઈને આવી રહી છે, તેનું પેટા વાહન ઘોડો છે. જ્યોતિષીઓના મતે, આ વખતે સંક્રાંતિ મંગળવારે આવી રહી છે અને સૂર્ય પર સંક્રાંતિ હોવાથી તેને સંક્રાંતિ કહેવામાં આવે છે.
માગષર મહિનામાં કૃષ્ણ પક્ષે મંગળવારે 14 જાન્યુઆરી સવારે 8:55 કલાકે સૂર્યનારાયણ ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ દિવસથી કમૂરતા પણ સમાપ્ત થઈ રહ્યા છે, જેથી શુભ કાર્યો ફરી શરૂ થશે. મકરસંક્રાંતિનો શુભ સમય સવારે 7:21 વાગ્યે સૂર્યોદયથી સાંજે 5:50 વાગ્યે સૂર્યાસ્ત સુધીનો રહેશે.
કમૂરતા સમાપ્તિ થશે, શુભ કાર્યો શરૂ કરી શકાશે
ગણેશ જ્યોતિષાચાર્ય કિરણભાઈ શુક્લાના જણાવ્યા મુજબ, આ વર્ષે કુમાર યોગ અને રાજ યોગમાં ખરીદી માટે સંક્રાંતિ ખૂબ જ શુભ છે. દરેક લોકો માટે આ વર્ષે દરેક પ્રકારની ખરીદી શુભ છે પરંતુ ખાસ કરીને સોનું, ચાંદી, જમીન, મિલકત, વાહન અને ટેક્નિકલ સાધનોની ખરીદી વધુ ફળદાયી નીવડશે. આ વર્ષે મકરસંક્રાંતિ મંગળવારે આવી રહી છે તેનાં સંયોગને લીધે વ્યાપારમાં મંદીના સંકેત મળી રહ્યા છે.
જો કે સામાન્ય લોકોને મોંઘવારીથી થોડી રાહત મળે તેવી પૂરી શક્યતા રહેશે. મકર સંક્રાંતિના દિવસે પુનર્વસુ નક્ષત્ર સવારે 10:17 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ નક્ષત્રનો રાજા પુષ્ય દિનભર રહેશે અને ચંદ્ર પોતાની કર્ક રાશિમાં રહેશે. તેથી આખો દિવસ દાન કરવાનો યોગ ભાગ્યશાળી માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ લોખંડની વસ્તુઓ, ડીઝલ, તેલ અને પેટ્રોલ સંબંધિત ચીજવસ્તુઓના ભાવમાં પણ મંદી આવશે. જેના કારણે સામાન્ય લોકો રાહત અનુભવશે.
આ દિવસે દાન કરવાનો વિશેષ મહિમા
એવું માનવામાં આવે છે કે આ દિવસે જરૂરિયાતમંદોને અન્ન, પૈસા અને કપડાંનું દાન કરવાથી શુભ ફળ મળે છે. ઉત્તરાયણના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ અને મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે. સંક્રાંતિના દિવસે તલ, વસ્ત્ર, ગોળ, વાસણનું દાન આપવું. તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્તદાન કરવું. આપણી સંસ્કૃતિમાં બહેન-દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ આ પ્રથાને આનુષંગિક જ છે. આ પવિત્ર દિને ગાયોને ઘાસચારો, ગરીબોને અન્ન, ગરમ વસ્ત્રોનું દાન આપવું, તલનું દાતણ કરવું જોઈએ.