Columns

કાવડયાત્રા નિમિત્તે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે?

યુદ્ધ વખતે ભારત-પાકિસ્તાનની સરહદે જેવું તંગ વાતાવરણ હોય છે, તેના કરતાં પણ તંગ વાતાવરણ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની સરહદ પર કાવડયાત્રાને કારણે પેદા થયું છે. કોવિડ-૧૯ ની પરિસ્થિતિને લઈને ઉત્તરાખંડની ભાજપ સરકારે કાવડયાત્રા રદ કરી છે, પણ ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર કાવડયાત્રા કાઢવાની બાબતમાં મક્કમ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી જઈને યોગી આદિત્યનાથને સર્ટિફિકેટ આપી આવ્યા કે તેમણે કોરોના સામે સચોટ કામગીરી બજાવી છે. તેને કારણે યોગી કાવડયાત્રા કાઢવાની બાબતમાં પહેલાં કરતાં મક્કમ બની ગયા છે. કાવડયાત્રા સામે સુપ્રિમ કોર્ટમાં સુઓ મોટો રિટ પિટીશન ચાલી રહી છે. સુપ્રિમ કોર્ટના બે વિદ્વાન જજ સાહેબો ઉત્તર પ્રદેશ સરકારને કાવડયાત્રા રદ કરવા સમજાવી રહ્યા છે; પણ તેઓ ટસના મસ થવા તૈયાર નથી. કોઈ ભેદી કારણોસર સુપ્રિમ કોર્ટ પણ કાવડયાત્રા પ્રતિબંધિત કરાવવા તૈયાર નથી.

ઉત્તર પ્રદેશ સરકારે કાવડયાત્રા પર પ્રતિબંધ મૂક્યો ન હોવાથી ૨૫ જુલાઈથી કરોડો કાવડિયાઓ હરિદ્વારથી ગંગાજળ ગ્રહણ કરવા પોતાના ઘરમાંથી બહાર નીકળશે, તે નક્કી છે. તેઓ ઉત્તરાખંડમાં પ્રવેશ ન કરે તે માટે ઉત્તરાખંડની સરકારે પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી છે. બે દુશ્મન દેશોની સરહદ પર જેવો માહોલ હોય છે તેવો માહોલ બે રાજ્યોની સરહદ પર પેદા થયો છે. ઉત્તર પ્રદેશથી આવતા કાવડિયાઓ નહીં પણ કોઈ પણ નાગરિક જાણે ઉત્તરાખંડમાં આતંક મચાવવા આવતો હોય તે રીતે તેનું ચેકિંગ કરવામાં આવે છે. કાવડિયાઓ સામાન્ય રીતે વાહનોમાં બેસીને હરિદ્વાર આવતા હોય છે અને કાવડમાં ગંગાજળ ભરીને પગે ચાલીને પાછા ફરતા હોય છે. કહેવાય છે કે કાવડયાત્રા પરશુરામના સમયથી ચાલે છે. ઉત્તર પ્રદેશની સરકારે  છૂટ આપી હોવાથી કરોડો કાવડિયાઓ તૈયાર થઈ ગયા છે. તેમને એ વાત સમજાતી નથી કે જો કાવડયાત્રાને કારણે ઉત્તર પ્રદેશની હદમાં કોરોના ન ફેલાઈ શકતો હોય તો તે ઉત્તરાખંડમાં કેવી રીતે ફેલાઈ જશે?

કાવડયાત્રા નિમિત્તે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચે જે સંઘર્ષ દેખાઈ રહ્યો છે, તેના મૂળમાં ભાજપમાં ચાલતી આંતરિક જૂથબાજી પણ જવાબદાર છે. જ્યારે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કાવડયાત્રા બંધ રાખવાનો નિર્ણય કર્યો ત્યારે યોગી આદિત્યનાથે તેમને ફોન કરીને કાવડયાત્રા ચાલુ રાખવા દબાણ કર્યું હતું. યોગી આદિત્યનાથ ભાજપના વરિષ્ઠ મુખ્ય પ્રધાન છે; જ્યારે પુષ્કર સિંહ ધામી નવા-સવા મુખ્ય પ્રધાન બન્યા હોવાથી યોગીના દબાણથી ગભરાઈ ગયા હતા. તેઓ દોડીને સીધા દિલ્હી પહોંચી ગયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા. આ બંને વરિષ્ઠ નેતાઓએ તેમને ટેકો આપ્યો એટલે દહેરાદૂન જઈને તેમણે કાવડયાત્રા રદ કરવાની જાહેરાત કરી હતી, જેને કારણે યોગી ભડકી ગયા હતા. આ બનાવથી સ્પષ્ટ સમજાય છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ કાવડયાત્રા રદ કરવાના મતના છે, પણ યોગી તેમને ગાંઠતા નથી. અગાઉ ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળનું વિસ્તરણ કરવાની બાબતમાં પણ યોગી આડા ફાટ્યા હતા ત્યારે તેમને માંડ માંડ સમજાવીને ઠેકાણે પાડવામાં આવ્યા હતા. એક બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી તથાકથિત લહેરને રોકવા ટોળાંઓ ભેગા કરવાનો સ્પષ્ટ નિષેધ કરી રહ્યા છે; તો બીજી બાજુ યોગી સુપ્રિમ કોર્ટની પણ પરવા કર્યા વિના કાવડયાત્રા યોજવા મક્કમ છે. આ જોઈને સવાલ થાય છે કે શું સુપ્રિમ કોર્ટની આજ્ઞા માનવા પણ યોગી તૈયાર થતા નથી?

ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ વચ્ચેની સરહદો એટલી છિદ્રાળુ છે કે સરહદ પર ગમે તેટલો ચોકીપહેરો રાખવામાં આવે તો પણ કરોડો કાવડિયાઓને હરિદ્વાર પહોંચતા રોકી શકાય તેમ નથી. વળી આ ધાર્મિક આસ્થાનો સવાલ હોવાથી કાવડિયાઓ પર લાઠીચાર્જ કે ગોળીબાર પણ કરવાનું વિચારાય તેમ નથી. આ પરિસ્થિતિમાં કાવડિયાઓને ઉત્તરાખંડમાં પ્રવેશ કરતા રોકવા માટે ઉત્તરાખંડની પોલિસ દ્વારા જે નિયમાવલિ બહાર પાડવામાં આવી છે તે પણ વાંચવા જેવી છે :

(૧) વૈશ્વિક માહામારી કોવિડ-૧૯ ના ઉપલક્ષમાં કાવડયાત્રા રદ કરવામાં આવી છે. આપ સર્વ શિવભક્તોને અનુરોધ છે કે આ વર્ષે ગંગાજળ ભરવા હરિદ્વારમાં પ્રવેશ કરવો નહીં.

(૨) કાવડમેળા દરમિયાન હરિદ્વાર જિલ્લાની બધી સરહદો સિલ રહેશે. કોવિડને ધ્યાનમાં રાખીને કાવડ મેળામાં સામેલ થવાની અનુમતિ આપવામાં આવી નથી.

(૩) જો કોઈ વ્યક્તિ બહારના પ્રદેશથી હરિદ્વાર આવશે તો નિયમ મુજબ તેને ૧૪ દિવસ ક્વોરન્ટાઇન કરવામાં આવશે. (અર્થાત્ ૧૪ દિવસ એકાંતવાસમાં રહેવાની સજા થશે.)

(૪) હરિદ્વાર જિલ્લામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશો તો કાનૂની કાર્યવાહી કરીને તમારું વાહન જપ્ત કરવામાં આવશે. (આ લડાઈ શ્રાવણ મહિનાના ૧૫ દિવસ ચાલુ રહેશે.)

(૫) નિયમોનો ભંગ કરનારા સામે હરિદ્વાર પોલીસ દ્વારા આપદા પ્રબંધ કાનૂન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. (આ કાયદામાં જેલમાં પૂરવાની પણ જોગવાઈ છે. જો કરોડો કાવડિયાઓ હરિદ્વારમાં પ્રવેશ કરશે તો પોલીસ કેટલા કાવડિયાને જેલમાં પૂરશે?)

ઉત્તરાખંડની સરકાર દ્વારા એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે જે કોઈ વ્યક્તિ ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડમાં અનધિકૃત રીતે પ્રવેશ કરશે તેની ધરપકડ કરીને તેને પાછી ઉત્તર પ્રદેશની સરહદ સુધી મૂકી આવવામાં આવશે. જો કરોડો યાત્રિકો ઉત્તરાખંડમાં પ્રવેશ કરે તો તેમને પાછા સરહદ પર મોકલવા માટે ઉત્તરાખંડની સરકારને કેટલાં વાહનો જોઈશે? કેટલા ડ્રાઇવરો જોઈશે? શું ઉત્તરાખંડની સરકારે અગાઉ જાહેર કર્યું હતું તેમ તે ગંગાજળ ટેન્કરોમાં ભરીને ઉત્તર પ્રદેશની સરહદ સુધી પહોંચાડી શકશે? શું તે ગંગાજળ લેવા પડાપડી નહીં થાય? તેમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરી શકાય તેવી સંભાવના રહેશે? તે માટે જવાબદાર કોણ ગણાશે? અહીં આખી સમસ્યાનું મૂળ એ છે કે કોવિડના નામે ધાર્મિક કાર્યક્રમો રોકી શકાતા નથી. જો રોકવામાં આવે તો મતદારો નારાજ થઈ જાય છે. યોગી આદિત્યનાથને આ સત્ય મોડે મોડે પણ સમજાઈ ગયું છે.

એક જમાનામાં લાખો ભારતીયો દેશના ચાર ખૂણામાં આવેલા બદ્રીનાથ, રામેશ્વરમ, દ્વારકા અને જગન્નાથ પુરીની યાત્રા પગપાળા કરતા હતા. ઉત્તરમાં આવેલા વારાણસીથી ગંગાજળ લઈને તેઓ દક્ષિણમાં આવેલા રામેશ્વરમ સુધી પહોંચતા અને શિવલિંગ ઉપર ગંગાજળનો અભિષેક કરતા હતા. વળતી યાત્રામાં તેઓ રામેશ્વરમના સમુદ્રનું જળ કાવડમાં ભરીને વારાણસી લઈ જતા અને જ્યોતિર્લિંગ ઉપર તેનો અભિષેક કરતા હતા. આ ચાર ધામની યાત્રા કરતાં આશરે ૧૨ વર્ષનો સમય લાગતો હતો.

દેશની સાંસ્કૃતિક એકતાને ટકાવી રાખવાનું કાર્ય આ પદયાત્રીઓ કરતા હતા. ઉત્તર પ્રદેશમાં જે રીતે કાવડિયાઓ ગંગાજળ ગ્રહણ કરવા સેંકડો કિલોમીટર પગપાળા ચાલે છે તેવી રીતે ભારતના ખૂણે-ખૂણે તીર્થયાત્રા કરવા માટે લોકો વાહનોનો ઉપયોગ કરવાને બદલે પદયાત્રા કરતા થયા છે. પદયાત્રા એ ભારત વર્ષની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા માટેનું અદ્ભુત સાધન છે. સરકાર જો કોરોના વચ્ચે પણ સિનેમાનાં થિયેટરો અને શોપિંગ મોલ ખોલવાની પરવાનગી આપતી હોય તો હજારો વર્ષોની ધાર્મિક પરંપરા પર તેણે પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top