Entertainment

દરિયા-દારૂનું દમણ હવે શર્લીથી ઓળખાશે?

શર્લી સેટિઆ હમણાં ધૂઆંપૂઆં રહે છે અને તેનું કારણ ‘નિકમ્મા’ છે. આમ તેની ઓળખ ગાયિકા તરીકેની છે પણ નિકમ્મા વડે તે હીરોઇન તરીકે આવી રહી છે. પહેલી જ ફિલ્મ હોય અને એકાદ વર્ષથી રજૂ થવાની રાહ જોવાતી હોય તો શર્લી બિચારી શું કરે? જો કે ફકત તે નહીં શિલ્પા શેટ્ટી પણ નિકમ્મા રજૂ થવાની રાહ જુએ છે કારણ કે 13 વર્ષ પછી તે ફિલ્મના પરદે પાછી ફરી રહી છે. પરંતુ આ એવી ફિલ્મ છે જેની રાહ ભાગ્યશ્રીનો દિકરો અભિમન્યુ પણ જોઈ રહ્યો છે, જેઓ સ્ટાર તરીકે એસ્ટાબ્લિશ હોય તેઓની વાત જૂદી પણ કારકિર્દી આરંભ કરનાર માટે તો ફિલ્મ બની ગઇ હોય ને રજૂ ન થાય તો હાલત બુરી થઇ જાય છે. નિકમ્મા ફિલ્મની રાહ તો તેના નિર્માતા-દિગ્દર્શક શબ્બીર ખાન પણ જુએ છે. ‘હીરોપંતી’, ‘બાગી’ જેવી સફળ ફિલ્મ પછી પહેલી જ વાર તેણે નિર્માણમાં હાથ નાંખ્યો અને આ પ્રોબ્લેમમાં ફસાયો છે. 2019ના જૂનમાં તેણે આ ફિલ્મ એનાઉન્સ કરેલી અને ગયા વર્ષે નવેમ્બરમાં તો શૂટિંગ પૂરું પણ કરી દીધેલું.

શર્લીને વેબસિરીઝની ઓફર મળી છે પણ અત્યારે તે ફિલ્મો રજૂ થાય તેની રાહ જુએ છે. પ્રેક્ષકોના પ્રતિભાવ જોયા પછી અભિનયની કારકિર્દીમાં તે આગળ વધવા માંગે છે. હા, યુટયૂબરથી તે અભિનેત્રી બનવા સુધી આગળ વધી શકી તે બાબતે ખુશ છે પણ આખરો તો આ બધી જ શરૂઆત છે. દમણ તેના દરિયા અને દારુ માટે જાણીતું છે પણ શર્લી ઇચ્છે છે કે હવે તેનું નામ પણ દમણને ગૌરવ અપાવે.

શર્લી સેટિઆ પર ઘણાને આશા છે. સચિન જિગર, રવિ સિંઘલ, અભિજીત વાઘાણી જેવા સંગીતકારો માટે ગાઈ ચુકેલી શર્લી અભિનય બાબતે સભાન ન હતી. તે યુટયુબર તરીકે નામ કમાઈ રહી હતી. પણ શબ્બીરખાનને લાગ્યું કે શર્લી સહજ રીતે અભિનય કરી શકશે. અભિમન્યુ દાસાણી પણ નવો હતો. એટલે સામે નવી અભિનેત્રી જરૂરી હતી. શર્લીને તો વાંધો ન હતો અને તેને મસ્કા નામની ફિલ્મ પણ મળી એટલે આત્મવિશ્વાસ વધી ગયો. તેની સાથે મનિષા કોઇરાલા જાવેદ જાફરી જેવા હતા એટલે તેને શીખવા પણ મળ્યું. હવે અત્યારે તો તેને એક તેલુગુ ફિલ્મ પણ મળી ચુકી છે.

શર્લીની ફિલ્મ રજૂ થાય તેની રાહ દમણના લોકો પણ જોઇ રહ્યા છે કારણ કે ભલે તે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં જ મોટી થઇ હોય ને ભણી હોય પણ તેનો જન્મ દમણમાં થયો છે. શર્લી પોતે પણ નિકમ્મા રજૂ થાય પછી દમણ આવવા માંગે છે. ઋતિક રોશનને ખુબ પસંદ કરતી શર્લી 2016 થી મુંબઇ આવીને વસી ગઇ છે. ગાયિકા તરીકે તેણે ઘણા કવર અને ઓરીજિનલ સોંગ્સ ગયા છે. ‘મસ્કા અને નિકમ્મા’માં મળેલી તકથી તે ખુશ છે. ‘મસ્કા’ અને ‘નિકમ્મા’ બન્ને ઓટીટી પ્લેટફોર્મ પર જ રજૂ થશે એટલે તે રાહ જુએ છે કે થિયેટરમાં રજૂ થાય તેવા દિવસો આવે.

Most Popular

To Top