દિલ્હીના દરવાજે પોતાના મોટા આંદોલનને બંધ કર્યાના બે વર્ષથી થોડો વધુ સમય પછી, ખેડૂતો ફરી એકવાર આંદોલને ચડ્યા છે.જો કે તેની માંગણીઓ અને નેતૃત્વ બંનેમાં, 2024નો વિરોધ 2020-21 ના વર્ષના આંદોલન કરતા ઘણો અલગ છે, જે દરમિયાન ખેડૂતોએ કેન્દ્ર સરકારને તેના કૃષિ સુધારણા એજન્ડાને પાછો ખેંચવા દબાણ કરવાના તેમના મુખ્ય ધ્યેયમાં સફળતા મેળવી હતી. હાલના આંદોલનમાં અગાઉના આંદોલન વખતે સરકારે લઘુતમ ટેકાના ભાવની જે ખાતરી આપી હતી તેનો કાનૂની ટેકા સાથે તમામ પાકો માટે અમલની માગણી સહિત અન્ય નવી માગણીઓ પણ આંદોલનકારી ખેડૂતો કરી રહ્યા છે. મંગળવારે આ આંદોલને હિંસક વળાંક લીધો અને આંદોલનકારી ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે પંજાબ હરિયાણા સરહદે સંઘર્ષ સર્જાયો. હરિયાણા પોલીસે મંગળવારે આંદોલનકારી ખેડૂતોને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવાનો આશરો લીધો કારણ કે જૂથોએ તેમના ‘ટ્રેક્ટર-ટ્રોલી’ કાફલા સાથે દિલ્હી તરફ ‘કૂચ’ કરવા માટે હરિયાણામાં બળપૂર્વક પ્રવેશવાનો પ્રયાસ કર્યો.
શિયાળાની ઠંડી, ગાઢ ધુમ્મસ અને હરિયાણા સરકાર દ્વારા રાજ્યમાં પ્રવેશ કરવા પર લાદવામાં આવેલા પ્રતિબંધોથી ડર્યા વિના, ફતેગઢ સાહિબ ખાતે એકઠા થયેલા પંજાબના વિવિધ ભાગોમાંથી હજારો ખેડૂતો ‘દિલ્હી ચલો’માં ભાગ લેવા માટે રાષ્ટ્રીય રાજધાની તરફ આગળ વધવા લાગ્યા. ‘ તેમની માંગણીઓની પરિપૂર્ણતા માટે દબાણ કરવા માટે તેઓ દિલ્હીને ઘેરો ઘાલવાની યોજના બનાવી રહ્યા છે. તોફાનોની અનેક ઘટનાઓ બની અને સુરક્ષા દળોએ ટિયર ગેસ પણ છોડવો પડ્યો. મંગળવારે મોડી સાંજે આ લખાઇ રહ્યું છે ત્યારે ખેડૂતોએ તેમની કૂચ અટકાવી દીધી છે અને બુધવારે સવારે આ કૂચ શરૂ કરવામાં આવશે એમ જણાવાયું છે. આ ઘટનાઓએ બે વર્ષ પહેલાના ખેડૂત આંદોલન સમયની યાદો તાજી કરી છે.
જો કે અત્યારના ખેડૂત આંદોલનના સૂત્રધારો જુદા છે. હાલનો સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) એ એક જૂથ છે જે જુલાઈ 2022માં મૂળ સંયુક્ત કિસાન મોરચા (SKM)થી અલગ થઈ ગયો હતો. તેના સંયોજક જગજીત સિંહ દલ્લેવાલ છે, જે પંજાબ સ્થિત ભારતીય કિસાન યુનિયન (BKU) સિદ્ધુપુર ફાર્મના પ્રમુખ છે. યુનિયન, જે મુખ્ય સંસ્થાના નેતૃત્વ સાથેના મતભેદોને પગલે SKMથી અલગ થઈ ગયું હતું. KMM, વર્તમાન વિરોધમાં અન્ય સંગઠન, પંજાબ સ્થિત યુનિયન કિસાન મઝદૂર સંઘર્ષ સમિતિ (KMSC) ના કન્વીનર સર્વન સિંહ પંઢેર દ્વારા બનાવવામાં આવ્યું હતું. KMSC 2020-21 માં ફાર્મ કાયદા સામેના મુખ્ય વિરોધમાં જોડાઈ ન હતી, અને તેના બદલે કુંડલી ખાતે દિલ્હી સરહદ પર એક અલગ મંચ ઊભો કર્યો હતો. ત્યારના ખેડૂત આંદોલનનો અંત આવ્યા પછી, KMSC એ તેનો આધાર વિસ્તારવાનું શરૂ કર્યું -અને જાન્યુઆરીના અંતમાં, KMM ની રચનાની જાહેરાત કરી, જેમાં સમગ્ર ભારતમાંથી 100 થી વધુ યુનિયનોનો સમાવેશ થાય છે. SKM એ 16 ફેબ્રુઆરીએ ગ્રામીણ ભારત બંધ માટે એલાન આપ્યું છે.
જ્યારે SKM દિલ્હી ચલો આંદોલનનો ભાગ નથી, જો કે આ મોરચાએ સોમવારે સાંજે એક નિવેદન જારી કર્યું હતું કે તેમાં ભાગ લઈ રહેલા ખેડૂતો પર કોઈ દમન થવુ જોઈએ નહીં. 2,500 ટ્રેક્ટર ટ્રોલીઓ સાથેના ખેડૂતો મંગળવારે દિલ્હી તરફ કૂચ કરવા સજ્જ થયા ત્યારે અગાઉના આંદોલન જેવો જ માહોલ સર્જાયો હતો. સરકારે આંદોલનકારી ખેડૂતો સાથે મંત્રણા કરવા ત્રણ મંત્રીઓને કામે લગાડ્યા પરંતુ નોંધનીય રીતે, ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે સોમવારે કેન્દ્રીય મંત્રીઓ સાથેની તેમની બેઠક “અનિર્ણાયક” રહી કારણ કે સરકાર તમામ પાક પર એમએસપીની તેમની માંગના સંદર્ભમાં માત્ર ખાતરી આપી રહી છે!
ખેડૂતોના 12-પોઇન્ટ એજન્ડામાં મુખ્ય માગ તમામ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની બાંયધરી આપતો કાયદો અને ડૉ. એમ.એસ. સ્વામીનાથન કમિશનના અહેવાલ અનુસાર પાકની કિંમતો નક્કી કરવા માટેની છે. અન્ય માંગણીઓ આ મુજબ છે: ખેડૂતો અને મજૂરો માટે સંપૂર્ણ દેવું માફી; 2013ના જમીન સંપાદન અધિનિયમનો અમલ, સંપાદન પહેલાં ખેડૂતોની લેખિત સંમતિ માટેની જોગવાઈઓ અને કલેક્ટર દર કરતાં ચાર ગણા વળતરની જોગવાઈ; ઓક્ટોબર 2021ના લખીમપુર ખેરી હત્યાકાંડના ગુનેગારો માટે સજા; ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ) માંથી ખસી જવું જોઈએ અને તમામ મુક્ત વેપાર કરારો ફ્રીઝ કરવા જોઈએ; ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન; દિલ્હી વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતો માટે વળતર, પરિવારના એક સભ્યને નોકરી સહિત; વીજળી સુધારણા કાયદો 2020 નાબૂદ થવો જોઈએ;
મનરેગા હેઠળ દર વર્ષે 200 (100ને બદલે) દિવસની રોજગાર, 700 રૂપિયાનું દૈનિક વેતન અને આ યોજનાને ખેતી સાથે જોડવી જોઈએ; નકલી બિયારણો, જંતુનાશકો, ખાતરોનું ઉત્પાદન કરતી કંપનીઓ પર સખત દંડ અને સજા; બીજની ગુણવત્તામાં સુધારો; મરચાં અને હળદર જેવા મસાલા માટે રાષ્ટ્રીય કમિશન; જળ, જંગલો અને જમીન પર આદિવાસીઓના અધિકારો સુનિશ્ચિત કરવા. આમાંની કેટલીક માગણીઓ સ્વીકારવી સરકાર માટે ખૂબ મુશ્કેલ છે. ખેડૂતો ભારત વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યુટીઓ)માંથી નિકળી જાય તેવી માગણી કરી રહ્યા છે પરંતુ ભારત માટે આ વૈશ્વિક સંગઠનમાંથી બહાર નિકળી જવું હવે અશક્યવત છે.
આ વર્લ્ડ ટ્રેડ આર્ગેનાઇઝેશનની શરતો મુજબ સરકાર ભારતીય ખેડૂતોને અમુક રક્ષણ અને સબસીડી આપી શકતી નથી, દેખીતી રીતે આને કારણે ખેડૂતોનો આ વૈશ્વિક વ્યાપાર સંગઠન સામે વિરોધ છે પરંતુ ભારતે ખુલ્લા બજારની નીતિ સ્વીકારી છે અને તેને કારણે તેેને અનેક લાભો પણ થયા છે અને પોતાની ખુલ્લા બજારની નીતિને કારણે ભારત પાસે વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાયેલા રહ્યા વિના અને વિવિધ દેશો સાથે મુક્ત વ્યાપાર કરારો કર્યા વિના છૂટકો નથી. ભારતે વૈશ્વિક બજારમાં પોતાની વગ વધારવા અને વધુ લાભો અંકે કરવા માટે પોતાના કૃષિ અને બિન કૃષિ ઉત્પાદનોને વધુ સ્પર્ધાક્ષમ બનાવ્યા વિના છૂટકો નથી.
વિશ્વ વ્યાપાર સંગઠનમાંથી નિકળી જવું એ કોઇ યોગ્ય માર્ગ નથી. ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શની માગણી આંદોલનકારી ખેડૂતો કરી રહ્યા છે તે જો સ્વીકારવામાં આવે તો સરકાર પર પ્રચંડ નાણાકીય બોજ આવે તેમ છે અને વળી બીજા ક્ષેત્રોમાંથી પણ આવી માગણી ઉઠી શકે છે! તેથી આ માગણી સ્વીકારવી પણ સરકાર માટે અશક્યવત છે. જળ, જમીન અને જંગલો પર આદિવાસીઓના અધીકારોની માગણી પણ સંપૂર્ણપણે સ્વીકારી લેવી સરકાર માટે કઠીન પુરવાર થઇ શકે છે.
મનરેગા હેઠળ ખેતમજૂરોને વર્ષે ૨૦૦ દિવસનું કામ આપવાની માગણી પણ આર્થિક ભારણ ઘણુ વધારી દે તેવી છે અને લખીમપુર ખેરી હત્યાકાંડનો કેસ સરકાર રાજકીય ગણતરીથી ફરી ખોલવામાં અચકાય તેમ છે! આ આંદોલન પાછળ વિપક્ષનો પણ દોરી સંચાર છે એમ કહેવાય છે અને લોકસભાની ચૂંટણી ટાણે સરકારને ભીંસમાં લેવા માટે આવું હોઇ શકે છે. પંજાબની આપ સરકારે ખેડૂતોને બેરોકટોક હરિયાણા તરફ આગળ વધવા દીધા તે બાબત આ સંદર્ભમાં સૂચક છે. હવે આ આંદોલન કેવો વળાંક લે છે તે જોવાનું રહે છે. ગમે તેમ પરંતુ તે ભાજપ માટે થોડી મુશ્કેલી તો જરૂર ઉભી કરશે એમ સ્પષ્ટ જણાય છે.