એક સામાજીક પ્રાણી મનાતા માણસના જીવનમાં લગ્ન વિચ્છેદ કે છૂટા છેડા એ દુ:ખદ સામાજીક બાબતોમાંની એક બાબત છે, જો કે અમુક સંજોગોમાં પતિ અને પત્ની છૂટા થઇ જાય તે જ બહેતર હોય છે અને લગ્નની સાથે જ માનવ સમાજે આ રીતે છૂટા પડવા અંગે પણ નીતિ નિયમો, કાયદાઓ ઘડ્યા છે. આ નિયમો, કાયદાઓ જુદા જુદા સમાજમાં જુદા જુદા છે અને તેમના પર ધર્મોનો પણ પ્રભાવ છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં લગ્ન જીવનને લગતા અનેક નવા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે કે બદલાયા છે. ખાસ કરીને મહિલાઓના અધિકારોના રક્ષણ માટે, સમાજ જીવન, કુટુંબમાં તેમના સશક્તિકરણના હેતુસર અનેક કાયદાઓ પ્રશંસનીય રીતે રચાયા છે.
દહેજ જેવા કેટલાક સામાજીક દૂષણો સામે અને ઘરેલુ હિંસા સામે મહિલાઓને રક્ષણ આપવા માટેના કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે, જે થવું જ જોઇતું હતું, પરંતુ ઘણા બધા કાયદાઓની બાબતમાં બને છે તેમ આમાં પણ થયું. આ કાયદાઓના દુરૂપયોગ પણ શરૂ થયા. આ કાયદાઓનો દુરૂપયોગ પતિ-પત્ની વચ્ચેના ખટરાગના સંજોગોમાં વધુ પડતો થતો હોય તેવી ફરિયાદો કેટલાક સમયથી ઉઠવા માંડી હતી અને છૂટા છેડાની પ્રક્રિયા પર પણ આ કાયદાઓની આડકતરી અસર દેખાવા માંડી હતી અને છૂટા છેડા લેવાનું, ખાસ કરીને પુરુષ પાત્ર માટે મુશ્કેલ બનતું જતું હતું.
વળી, લગ્ન વિચ્છેદને કારણે છૂટા થઇ રહેલા દંપતિના બાળકોના જીવન પર અસર જેવા પરિબળોને ધ્યાનમાં લઇને છેલ્લા કેટલાક સમયથી અદાલતોનું વલણ એવું રહેતું આવ્યું હતું કે બને ત્યાં સુધી છૂટા છેડા નહીં થાય અને દંપતિ સાથે રહેવા તૈયાર થઇ જાય. પરંતુ જો લગ્ન જીવન ખૂબ જ ખરાબે ચડ્યું હોય તેવા સંજોગોમાં સાથે રહેવાનું ખૂબ મુશ્કેલ બનતું હોય છે ત્યારે છૂટા છેડા જ ઇચ્છનીય માર્ગ રહે છે. આવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટે હાલમાં હિન્દુ લગ્ન ધારા હેઠળ છૂટા છેડાની પ્રક્રિયા કંઇક સરળ બનાવી શકે તે રીતે એક રૂલીંગ આપ્યું છે તે આવકાર્ય છે.
જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી તે નિર્ણયમાં સર્વોચ્ચ અદાલતે સોમવારે જણાવ્યું હતું કે લગ્ન જીવન સુધારી નહીં શકાય તે હદે બગડી ગયું હોય તેવા સંજોગોમાં બંધારણની કલમ ૧૪૨(૧) હેઠળ સુપ્રીમ કોર્ટને એ વિશેષ અધિકાર છે કે તે હિન્દુ લગન ધારા, ૧૯પપ હેઠળ જરૂરી જણાવાયેલ ૬ મહિના સુધી રાહ જોવાના સમયગાળાને પરસ્પરની સંમતિથી બાજુએ મૂકીને છૂટા છેડાને મંજૂરી આપી શકે છે.
પાંચ જજોની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલત દ્વારા છૂટાછેડા એ ભૂમિકા પર આપી શકાય છે કે સુધારી નહીં શકાય તે હદે લગ્ન જીવન બગડી ગયું છે. પણ આમાં પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ અદાલતે ઘણી કાળજીથી અને સાવધાનીથી કરવાનો છે અને બંને પક્ષોને સંપૂર્ણ ન્યાય થાય તે સુનિશ્ચિત કરવા માટે ઘણા પરિબળો ધ્યાનમાં રાખવાના છે. બેન્ચ એ પ્રશ્નને પણ હાથ ધરી રહી હતી જેમાં તેનો પણ સમાવેશ થતો હતો કે જ્યારે લગ્નજીવન સુધારી નહીં શકાય તે હદે બગડી ગયું હોય અને તે છતાં એક પાત્ર છૂટા છેડાની અરજીનો વિરોધ કરી રહ્યું હોય તો તેવા સંજોગોમાં સર્વોચ્ચ અદાલત બંધારણની કલમ ૧૪૨(૧)નો ઉપયોગ કરી શકે કે નહીં?
આ પ્રશ્નનો જવાબ પણ હકારમાં આવે છે, અથવા કહી શકાય કે આ અદાલત ભારતના બંધારણની કલક ૧૪૨(૧) હેઠળ તેને મળેલી સત્તાનો ઉપયોગ કરીને સંપૂર્ણ પડી ભાંગેલા લગ્નજીવનની ભૂમિકાના આધારે લગ્નનો અંત લાવવાની વિવેક બુદ્ધિ ધરાવે છે એમ બેન્ચે જણાવ્યું હતું, બંધારણની કલમ ૧૪૨ સુપ્રીમ કોર્ટને સત્તા આપે છે કે તેની સમક્ષ પડતર પડેલ કોઇ પણ બાબતમાં સંપૂર્ણ ન્યાય કરવાના હેતુસર તે ખાસ આદેશો અને હુકમો આપી શકે છે. બંધારણની કલમ ૧૪૨(૧) હેઠળ સર્વોચ્ચ અદાલત દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ ભારતના સમગ્ર પ્રદેશમાં અમલ થવાને પાત્ર બને છે.
જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કલમ ૧૪૨નો ઉપયોગ વાજબી અને કાયદેસરની રીતે જ થવો જોઇએ. બેન્ચે જણાવ્યું હતું કે બંધારણની કલમ ૧૪૨(૧) હેઠળ ક્રિમિનલ કાર્યવાહીઓ સહિતની અન્ય કાર્યવાહીઓ અને આદેશો તે બંધારણની કલમ ૧૪૨(૧) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરીને કાઢી નાખી શકે છે અને બાજુએ મૂકી શકે છે. જો કે આમાં જાહેર નીતી અને સામાસામા દાવાઓમાં ન્યાય જળવાય તે ધ્યાન રાખવું જરૂરી છે.
અહીં પરસ્પરની સંમતિથી છૂટા થવા માટે અરજી કરનારને હિન્દુ લગ્ન ધારા હેઠળ છ મહિનાના પ્રતિક્ષાના સમયની જે બાબત હતી તેનો અંત આવી શકે છે પણ આ બધી સુપ્રીમ કોર્ટમાં મામલો ગયા પછીની વાત છે એટલે સમયગાળો તો લાંબો જ રહી શકે છે. એ વાત ફરીથી દોહરાવીએ કે લગ્ન વિચ્છેદ એ સારી બાબત નથી પણ અમુક સંજોગોમાં તે અનિવાર્ય બની જાય છે. સરળતાથી અને પરસ્પરની સંમતિથી જે રીતે કેટલાક પશ્ચિમી દેશોમાં સ્વાભાવિકતાથી છૂટા પડી શકાય છે તેવું આપણે ત્યાં શક્ય હોતું નથી. અને તે માટે અનેક બાબતો અને ગુંચવાડાઓ કારણભૂત હોય છે. જો બંને પાત્રોને યોગ્ય ન્યાય મળી રહે તે રીતે સરળતાથી લગ્ન જીવનનો અંત લાવવાનું શક્ય બને તો તે બહેતર છે.