Gujarat Main

આજે ખેલૈયાઓ ભીંજાશે કે રમશે? દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં યલો એલર્ટ

નવરાત્રિની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ ફરી રંગ જમાવ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદને કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે.

ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પવનની ગતિ 30થી 40 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. 2025નું ચોમાસુ અંતિમ ચરણમાં હોવા છતાં, બંગાળની ખાડીમાં બનેલા સાઇકલોનિક સર્ક્યુલેશનના કારણે નવરાત્રિના દિવસોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે.

આયોજકોની ચિંતામાં વધારો થયો
હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હોય તેમ નવરાત્રિના પ્રથમ નોરતેથી જ વલસાડમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે ગરબાના આયોજકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે.

વરસાદને કારણે સોસાયટી અને શેરી ગરબા આયોજકોમાં નિરાશા છવાઈ છે. ખાસ કરીને ખુલ્લી જગ્યા પર થનારા કાર્યક્રમોમાં વરસાદી વાતાવરણથી રંગમાં ભંગ પડવાની આશંકા છે. મોટા આયોજકો પણ હવામાનની અનિશ્ચિતતા વચ્ચે કાર્યક્રમો માટે વધારાની વ્યવસ્થા કરી રહ્યા છે. તેમ છતાં ખેલૈયાઓ ભીંજાયા વિના રમે કે નહીં તે માટે સૌની નજર આકાશ પર ટકેલી છે.

સુરત સહિત અનેક વિસ્તારોમાં અસર
ગઈકાલે સુરતમાં પડેલા ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું હતું. ઉધના-નવસારી રોડ પર સતત પાંચમા દિવસે પણ પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગોઠણ સુધી પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા હતા અને લોકોને ધક્કો મારીને વાહન હંકારવું પડ્યું હતું. રસ્તાઓ જાણે તળાવમાં બદલાઈ ગયા હતા.

અંતે નવરાત્રિના પ્રથમ જ દિવસે વરસાદે ખેલૈયાઓ અને આયોજકોને પરેશાન કર્યા છે. જો આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા આવી જ રહેશે તો નવરાત્રિના રંગીન માહોલમાં પાણી ફરી વળવાની શક્યતા છે.

Most Popular

To Top