Comments

હિમદીપડો અને હિમાલયનું પર્યાવરણ પૂરક બનશે કે વિરોધી?

હિમાલયની જૈવપ્રણાલી અતિ નાજુક કહી શકાય એવી છે. તેના પર્યાવરણ સાથે અનેક ચેડાં થઈ રહ્યાં છે અને તેની વિપરીત અસરો પણ જોવા મળી રહી છે. હિમાલયની જૈવપ્રણાલીના સ્વાસ્થ્યના પ્રતિબિંબ સમું એક મહત્ત્વનું સૂચક એટલે હિમદીપડો (સ્નોલેપર્ડ). હિમાલયની આસપાસના બાર દેશો, મધ્ય એશિયા અને સાઈબેરીયન પ્રાંતોમાં તે જોવા મળે છે. તેની કુલ સંખ્યા 3,020 થી 5,390ની વચ્ચે હોવાનો ‘ગ્લોબલ સ્નો લેપર્ડ એન્‍ડ ઈકોસિસ્ટમ પ્રોટેક્શન પ્રોગ્રામ’નો અંદાજ છે.

આટલા અંતરવાળો અંદાજ એટલા માટે કે આ પ્રાણી જવલ્લે જ દેખાય છે અને તે અત્યંત ઊંચા, તીવ્ર ઢોળાવવાળા હિમાચ્છાદિત પ્રદેશમાં રહે છે. તેની સુંદરતા કલ્પનાતીત મનાય છે. આહારકડીમાં તે ટોચના સ્થાને બિરાજતું પ્રાણી છે, પણ હવે તેને ટકી રહેવા માટે વિવિધ પડકારોનો સામનો કરવો પડે છે. તેમના ફરવાનો વિસ્તાર સંકોચાતો જાય છે, શિકારનું પ્રમાણ ઘટી રહ્યું છે, વસતિ વિભાજીત થઈ રહી છે અને આ બધા ઉપરાંત મહત્ત્વનું પરિબળ છે જળવાયુ પરિવર્તનનું. સંખ્યા ઘટવા લાગે ત્યારે પ્રાણીના આનુવંશિક વૈવિધ્યને અસર થાય છે, જે આ પ્રાણીના સ્વાસ્થ્યને વિપરીત અસર કરે છે.

આ વિશિષ્ટ પ્રાણીની આપણા દેશમાં પહેલવહેલી વાર વસતિગણતરી કરવામાં આવી છે, જેમાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે. દહેરાદૂનસ્થિત ‘વાઈલ્ડલાઈફ ઈન્‍સ્ટિટ્યૂટ ઑફ ઈન્‍ડિયા’ (ડબલ્યુ.આઈ.આઈ.) દ્વારા માયસુરુના ‘નેચર કન્‍ઝર્વેશન ફાઉન્‍ડેશન’ અને ‘વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફન્‍ડ, ઈન્ડિયા’ના સહયોગમાં હાથ ધરાયેલા ‘ધ સ્નો લેપર્ડ પોપ્યુલેશન એસેસમેન્‍ટ ઈન ઈન્‍ડિયા’ (એસ.પી.એ.આઈ.) નામના આ કાર્યક્રમમાં કેટલીક મહત્ત્વની બાબતો જાણવા મળી છે.

એ મુજબ આપણા દેશમાં હિમદીપડાની કુલ સંખ્યા 718 છે, જે પૈકી સૌથી વધુ 477 લદાખમાં, એ પછીના ક્રમે ઉત્તરાખંડમાં 124, હિમાચલ પ્રદેશમાં 51, અરુણાચલ પ્રદેશમાં 36, સિક્કિમમાં 21 અને સૌથી ઓછા 9 કાશ્મીરમાં છે. વિશ્વભરના હિમદીપડાઓની સંખ્યાની દસથી પંદર ટકા જેટલી વસતિ ભારતમાં છે એમ કહી શકાય. સમગ્ર હિમાલયમાં છેક અરુણાચલ પ્રદેશ સુધી તે વ્યાપેલા છે. હિમદીપડાના આવાસના આશરે 1,20,000 કિ.મી. વિસ્તારને આ અતિ મુશ્કેલ કાર્યક્રમમાં આવરી લેવામાં આવ્યો હતો, જેમાં કેમેરા ટ્રેપ જેવાં સાધનોનો ઉપયોગ કરાયો હતો.

વર્ષોથી આ અદ્‍ભુત પ્રાણી પર્વતોનો રાજા ગણાય છે. વિવિધ પ્રકારનાં પશુઓ તેના ભક્ષણ માટે સુલભ હતાં ત્યાં સુધી તેના અસ્તિત્વને કશો ખતરો નહોતો. એશિયાના બાર દેશોમાં આ પ્રાણીનો વસવાટ છે, જે પૈકી 60 ટકા આવાસવિસ્તાર ચીનમાં આવેલો છે. અલબત્ત, એમ પણ મનાય છે કે આ પ્રાણીના આવાસવિસ્તારનો 70 ટકા જેટલો ભાગ હજી વણખેડાયેલો રહ્યો છે. તેના શરીરનો બાંધો એવો શક્તિશાળી છે કે તે આસાનીથી તીવ્ર ઢોળાવ ચડી શકે છે. તેના પાછલા પગ તેને પોતાના શરીરની લંબાઈ કરતાં છ ગણો કૂદકો લગાવવાની ક્ષમતા આપે છે અને લાંબી પૂંછડી તેને ચપળતા તેમજ સંતુલન આપે છે. તદુપરાંત આરામની અવસ્થામાં પૂંછડીને પોતાના શરીર ફરતે વીંટાળી રાખવાથી તેને ઠંડી સામે રક્ષણ પણ મળે છે.

એક તો આ પ્રાણીની સંખ્યા ઓછી, એનો આવાસવિસ્તાર મર્યાદિત અને એમાં પણ હવે જળવાયુ પરિવર્તન તેના અસ્તિત્વ માટે ખતરો પુરવાર થઈ રહ્યું છે, કેમ કે, તેની મુખ્ય અસરરૂપે તાપમાનમાં વૃદ્ધિ થઈ રહી છે. ગ્લેશિયર પાછળ ખસી રહ્યાં છે, વૃક્ષરેખા ખસી રહી છે અને આત્યંતિક તાપમાનની સ્થિતિ સામાન્ય ઘટના બની રહી છે. હિમદીપડાઓ માનવસંપર્કથી દૂર, વધુ ને વધુ ઊંચે સ્થળાંતર કરી રહ્યા છે અને તેમની સામેના પડકાર ગંભીર રીતે વધતા જાય છે.

‘એસ.પી.એ.આઈ.’ના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ડબલ્યુ.આઈ.આઈ. ખાતે હિમદીપડા માટે ખાસ કેન્‍દ્ર ઊભું કરવામાં આવે, જે આ પ્રાણીની લાંબા ગાળાની વસતિ પર નજર રાખે. સાથોસાથ તે સમસ્ત હિમાલયની જૈવપ્રણાલી પર પણ દેખરેખ રાખે, જેમાં આ વિસ્તારની નદીઓ, ગ્લેશિયર, વનસ્પતિ તેમજ પ્રાણીસૃષ્ટિનો સમાવેશ થઈ જાય છે, કેમ કે, આ વિસ્તારના તમામ સજીવોના અસ્તિત્વ માટે આમ કરવું અનિવાર્ય છે.

સ્વાભાવિકપણે જ ઓછી સંખ્યા ધરાવતાં પ્રાણીઓ પર જોખમ વધુ હોય છે, કેમ કે, એક વાર તેની સંખ્યા ભયસૂચક આંકડાથી નીચે જવા લાગે એ પછી તેને અટકાવવી મુશ્કેલ બની રહે છે. વાઘ અને ગેંડા જેવાં પ્રાણીઓ માટે કરવામાં આવે છે એમ હિમદીપડા માટે અલાયદા, રક્ષાત્મક આવાસ ઊભા કરવા શક્ય નથી. અતિ ઊંચાઈવાળા તેમના નૈસર્ગિક આવાસનું રક્ષણ કરાય અને તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવે, તેમનો શિકાર અટકાવવા માટે આકરાં પગલાં લેવામાં આવે તો જ આ પ્રજાતિ ટકી શકે એમ છે. ‘ધ નેશનલ સ્નો લેપર્ડ કન્‍ઝર્વેશન પ્લાન’માં આવી અનેક બાબતો સૂચિત કરાયેલી છે, જે સરકાર, સંસ્થાઓ અને અન્ય સંબંધિતોને માર્ગદર્શન આપે એવી છે.

પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રાણીની સંખ્યાના સર્વેક્ષણ 1980ના દાયકામાં આરંભાયેલાં, પણ વિસ્તૃત રાષ્ટ્રવ્યાપી મૂલ્યાંકનપદ્ધતિના અભાવને કારણે તેમાં ખાસ સફળતા મળી ન હતી.  આ અભ્યાસ થકી હિમદીપડા વિશે અનેક વિગતો જાણી શકાશે. આ પ્રકારે ગણતરી કરનારા આરંભિક દેશોમાં ભૂતાન અને મોંગોલિયા સાથે ભારતનું નામ પણ મૂકાયું છે. આ અભ્યાસ કેવળ હિમદીપડાના અભ્યાસ પૂરતું જ નહીં, સમગ્ર હિમાલયના ભૂપૃષ્ઠના રક્ષણ માટે મહત્ત્વની વિગત પૂરી પાડશે. એક તરફ હિમાલયમાં અનેક વિકાસયોજનાઓ ધમધમી રહી છે અને તેના પર્યાવરણનો રીતસર ખો વળી રહ્યો છે. બીજી તરફ હિમદીપડા પર અભ્યાસ થઈ રહ્યો છે. સવાલ એ છે કે ‘ધ નેશનલ સ્નો લેપર્ડ કન્‍ઝર્વેશન પ્લાન’માં સૂચવાયેલી કેટલી બાબતોનો અમલ થઈ શકશે? કેમ કે, વિકાસની દોટ વણથંભી રહેશે એમ અત્યારે તો લાગી રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top