સતત ત્રીજી વખત ચૂંટણી જીતીને સત્તામાં આવેલી મોદી સરકારના બજેટ પર વિશ્લેષણોનો દોર ચાલી રહ્યો છે. બજેટના નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ અને આર્થિક પત્રકારો દરેક પાસાંઓથી બજેટની વિશેષતા સમજાવી રહ્યા છે. પરંતુ સૌથી વધુ ચર્ચા બજેટની ત્રણ મોટી જાહેરાતો પર છે. ભારતીય અર્થવ્યવસ્થાની બે મોટી સમસ્યાઓના ઉકેલ માટે બે મોટી જાહેરાતો કરવામાં આવી છે. ત્રીજી જાહેરાત સરકારની રાજકીય મજબૂરી તરફ ઈશારો કરી રહી છે. કદાચ આ મજબૂરીને કારણે બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશને વિશેષ આર્થિક સહાય આપવામાં આવી છે.
બજેટ મુજબ સરકાર નોકરીમાં વધારો કરવા અને કામ કરતાં લોકોના કૌશલ્ય વિકાસ માટે પાંચ યોજનાઓમાં ૨ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. જે રીતે સરકારે તેના પાછલા કાર્યકાળમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા PLI (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ) સ્કીમની જાહેરાત કરી હતી, તેવી જ રીતે આ વખતે રોજગાર વધારવા માટે ELI (રોજગાર લિંક્ડ ઇન્સેન્ટિવ) ની જાહેરાત કરી છે. બીજી મોટી જાહેરાત કરદાતાઓ માટે હતી. ભારતની અંદાજે ૧૪૦ કરોડની વસ્તીમાંથી માત્ર ૨ થી ૨.૫ કરોડ લોકો જ ટેક્સ ભરે છે, પરંતુ આ વખતે તેમને થોડી રાહત આપવામાં આવી છે.
સરકાર માત્ર ૨ થી ૨.૫ કરોડ લોકોને ટેક્સમાં રાહત આપીને માલ અને સેવાઓની માંગ કેટલી વધારશે તે અલગ વાત છે. વિશ્લેષકોનું કહેવું છે કે જો સરકારે પરોક્ષ વેરામાં રાહત આપી હોત તો સારું થાત, જેમાં બાકીનાં ૧૩૮ કરોડ લોકોને રાહત મળત. લોકસભાની ચૂંટણીનાં પરિણામોએ સ્પષ્ટ કરી દીધું હતું કે રોજગારનો મુદ્દો નિર્ણાયક સાબિત થયો છે. મોદી સરકાર પોતાના પ્રથમ કાર્યકાળથી દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપી રહી હતી, પરંતુ તે ક્યારેય પૂર્ણ થયું નથી. નોકરીઓ વધવાને બદલે સતત ઘટી રહી છે. દેશનાં યુવાનો બેકારીને કારણે હતાશાની ગર્તામાં ધકેલાઈ રહ્યાં છે. વિશ્લેષકો માને છે કે ડિમોનેટાઇઝેશન, GST અને કોવિડથી ઊભી થયેલી સમસ્યાઓના કારણે સરકારનું આ વચન નિષ્ફળ ગયું છે. સવાલ એ છે કે આ વખતે રોજગારને લઈને કરવામાં આવેલી જાહેરાતો બેરોજગારી દૂર કરવામાં કેટલી સફળ થશે?
ભારતમાં રોજગારીની સ્થિતિ પર નજીકથી નજર રાખનારા નિષ્ણાતો માને છે કે દેશમાં નોકરીઓ વધારવા માટે મોટા પાયાના પગલાં લેવાં પડશે. નોકરીઓ વધારવા માટે બજેટમાં કરાયેલી જાહેરાતો અનુસાર સરકાર પહેલી વાર નોકરી મેળવનાર કર્મચારીઓના બેંક ખાતામાં એક મહિનાનો પગાર ટ્રાન્સફર કરશે. મતલબ કે આનાથી તેમને નોકરી આપતી કંપનીઓ પરનો બોજ ઓછો થશે. આનાથી તેમને નોકરી આપવા માટે પ્રોત્સાહિત થશે. આ રકમ ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહત્તમ રૂ. ૧૫,૦૦૦ સુધીની હશે.
આ યોજનાનો લાભ ૩૦ લાખ યુવાનોને મળવાનો અંદાજ છે. પરંતુ માત્ર પ્રોત્સાહનો આપવાથી રોજગાર નહીં વધે. તે માટે સરકારે નક્કર નીતિ ઘડવી પડશે. નોકરી જવાનું મુખ્ય કારણ રોબોટનો અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો વધી રહેલો ઉપયોગ છે. કર્ણાટક સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે કે ઉદ્યોગોને હવે ૯ કલાકને બદલે ૧૪ કલાકની પાળી કરવાની છૂટ આપવામાં આવશે. તેને કારણે જે કંપનીમાં ત્રણ કર્મચારી કામ કરે છે તેમાં બે જ કર્મચારીથી કામ ચાલશે. તેને કારણે આઈટી ક્ષેત્રમાં ૨૦ લાખ કર્મચારી બેકાર થઈ જશે. હકીકતમાં સરકારની આવી નીતિ રોજગારને ખતમ કરી રહી છે.
સરકાર કરની આવક વધે તેમ હરખાય છે અને તેને પોતાની મોટી સિદ્ધિ માને છે, પણ તેટલા રૂપિયા પ્રજાનાં ખિસ્સાંમાંથી ચાલ્યા જાય છે. તેની સામે પ્રજા ફરિયાદ કરે છે કે ઇમાનદારીથી ટેક્સ ભર્યા પછી પણ તેમને બદલામાં કાંઈ ફાયદો થતો નથી. તેમની ફરિયાદ છે કે અમે અમારાં ઘરોમાં જનરેટર ખરીદ્યાં, કારણ કે સરકાર સતત વીજળી પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. અમે સબમર્સિબલ પંપ લગાવ્યા, કારણ કે સરકાર પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે. અમે પોતાના પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ્સ રાખ્યા છે, કારણ કે સરકાર સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે. અમે અમારાં બાળકોને ખાનગી શાળાઓમાં મોકલીએ છીએ, કારણ કે સરકાર સાર્વજનિક શાળાઓમાં સારું શિક્ષણ આપવામાં નિષ્ફળ ગઈ છે. અમે યોગ્ય સંભાળ અને સારવાર મેળવવા માટે ખાનગી હોસ્પિટલો તરફ પ્રયાણ કર્યું, કારણ કે સરકાર સારી સરકારી હોસ્પિટલો આપવામાં નિષ્ફળ ગઈ છે. અમે કાર કે ટુ વ્હિલર ખરીદ્યાં, કારણ કે સરકાર સારું પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રદાન કરવામાં નિષ્ફળ ગઈ છે.
જિંદગીભર પ્રામાણિકતાથી ટેક્સ ભર્યા પછી નિવૃત્તિ સમયે કરદાતાને વળતરમાં શું મળે છે, જ્યારે તેને જીવવા માટે સૌથી વધુ જરૂર હોય છે? કંઈ નહીં, સામાજિક સુરક્ષા પણ નહીં. પરંતુ તેના બદલે તેના તમામ મહેનતથી કમાયેલા આવકના સ્રોતનો ઉપયોગ સરકાર દ્વારા કલ્યાણકારી યોજનાઓના નામે અને ફ્રીબીઝને લોકોમાં વહેંચવા માટે કરવામાં આવે છે, જેઓ કોઈ પણ કર ચૂકવતા નથી તેમના ચૂંટણી ટાણે મફતમાં મતો ખરીદવા માટે તેનો ઉપયોગ થાય છે.
સરકાર આપણા કરના પૈસાનું શું કરે છે? ખુલ્લી અદાલતો ચલાવે છે, જે દાયકા સુધી ચુકાદા આપતી નથી. ખુલ્લું પોલીસ સ્ટેશન જે માત્ર રાજકારણીઓ માટે કામ કરે છે અને નાગરિકોની સુરક્ષા કરતું નથી. હોસ્પિટલ ખોલે છે, જે અમારી સારી રીતે સારવાર કરતી નથી. રસ્તાઓ બનાવે છે, જેમાં ૪૦% પૈસા ભ્રષ્ટાચારને કારણે વ્યર્થ જાય છે. આપણે બધા જાણીએ છીએ કે આપણી પાસેથી એકત્ર કરાયેલી કરવેરાની મોટી આવકમાંથી કટકી કરીને સરકારી અધિકારીઓ અને રાજકારણીઓ અબજો ડોલર વિદેશી બેંકોમાં મોકલે છે. એક ઉત્પાદક ૨% થી ૧૦% ની વચ્ચેના ખર્ચના માર્જિન પર કામ કરે છે, જ્યારે સરકારને તેના ખર્ચને આવરી લેવા માટે તેની આવકના ૩૦%ની જરૂર હોય છે. આ બધું કેટલું વાજબી છે? સરકાર દ્વારા કરદાતા પાસેથી જે જાતજાતના વેરા ઉઘરાવવામાં આવે છે તે એક જાતની બળજબરીથી કરાતી વસૂલાત જ છે ને?
મોંઘવારી દરેક વર્ગનાં ગ્રાહકોને પરેશાન કરે છે. પરંતુ ગરીબોને સૌથી વધુ અસર થાય છે. સરકારે ડાયરેક્ટ ટેક્સમાં ઘટાડો કરીને માત્ર મધ્યમ વર્ગને થોડી રાહત આપી છે. જેઓ નોકરી કરે છે તેમને આનો સૌથી વધુ ફાયદો થશે. આની પાછળ સરકારની વિચારસરણી એ છે કે મધ્યમ વર્ગ સૌથી વધુ વસ્તુઓ વાપરે છે અને જો તેમના હાથમાં પૈસા બચશે તો તેઓ ખરીદી કરશે અને વસ્તુઓ અને સેવાઓની માંગ વધશે. તેનાથી અર્થવ્યવસ્થાને વેગ મળશે અને રોજગારી વધશે.
જો તેને બદલે સરકારે ચીજવસ્તુઓ અને સેવાઓ પરના ટેક્સમાં ઘટાડો કર્યો હોત તો દરેકને ફાયદો થયો હોત. મોટા ગ્રાહક વર્ગના હાથમાં પૈસા બચે તો તેનાથી અર્થતંત્રમાં માંગ વધશે.ભારતના મધ્યમ વર્ગની મુખ્ય સમસ્યા મોંઘવારી છે. ખાદ્ય પદાર્થોનો ફુગાવો સતત ઝડપથી વધી રહ્યો છે. કઠોળ, તેલ, શાકભાજી, ટામેટાં જેવી રોજિંદી ખાદ્ય ચીજોની મોંઘવારી સતત વધી રહી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ખાદ્ય મોંઘવારી દર ૬.૬ ટકા હતો, જે ચાલુ નાણાંકીય વર્ષમાં આઠ ટકા તરફ જતો જણાય છે. સરકાર આ માટે યુક્રેન યુદ્ધ અને દેશમાં નબળા ચોમાસાં જેવાં બાહ્ય પરિબળોને જવાબદાર ઠેરવી રહી છે. હકીકતમાં ફુગાવાનું મૂળ કારણ સરકાર દ્વારા બેફામ છાપવામાં આવતી ચલણી નોટો છે.
સરકાર ખાધને સરભર કરવા નોટો છાપે છે કે ઉધારી કરે છે. ઉધાર નાણાંનું વ્યાજ ચૂકવવા માટે વધુ નોટો છાપવી પડે છે. આ કારણે રૂપિયાની ખરીદશક્તિ ઘટે છે અને ભાવો વધે છે. જે ઝડપે ચીજોના ભાવો વધી રહ્યા છે તે ઝડપે પગારો વધતા નથી. સરકારી કર્મચારીનું મોંઘવારી ભથ્થું વધે છે, પણ ખાનગી ક્ષેત્રનાં કરોડો કર્મચારીને તેનો લાભ મળતો નથી. બજેટની ચર્ચા બે-ચાર દિવસ ચાલે છે. ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોની જિંદગીમાં તેનાથી કોઈ ફરક પડતો નથી. બજેટ પણ લોકોને ભ્રમિત કરવાનું સાધન છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.