નવસારી રેલવે સ્ટેશન પર જવાનો રસ્તો ઉત્તરથી દક્ષિણ તરફ ખૂબ જ ખાડાવાળો છે. અહીં મોટરસાઇકલ, રીક્ષા અને ફોર વ્હીલર ગાડીઓ પણ ઘણી આવે છે. કારની મોટરસાઇકલોની હેડ લાઇટ ખૂબ પ્રમાણમાં હોય છે. આથી સાઇકલવાળાને તો ખૂબ જ મુશ્કેલી પડે છે એ સ્વાભાવિક છે. આ રીતે દક્ષિણ તરફથી ઉત્તર તરફ જતાં પણ રસ્તો ઘણી જગ્યાએ તૂટી ગયો છે. ત્યાંથી પણ ઘણાં વાહનો આવે છે. અકસ્માત થવાની પુરી શક્યતા છે. આથી આ રસ્તાની મરામત થવી જોઇએ. આ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે. તો નવસારી વિજલપુર નગરપાલિકા ઘટતું કરે એવી વિનંતી અને અપેક્ષા છે.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
લીપ વર્ષમાં ૨૯ ફેબ્રુઆરીએ શરૂ થયેલી ટેસ્ટ મેચો
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૩૧ ટેસ્ટ મેચો રમાઈ ચૂકી છે. તા.૨૯ ફેબ્રુઆરી,૨૦૨૪ ને દિવસે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શરૂ થયેલી ટેસ્ટ મેચ એ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં માત્ર આઠમી વખત જ છે જે ૨૯ ફેબ્રુઆરીએ શરૂ થઈ છે.૧૯૩૨ માં પ્રથમ વાર કોઇ ટેસ્ટ મેચ ૨૯ ફેબ્રુઆરીએ રમાતી જોવા મળી હતી પણ તે એ ટેસ્ટ મેચનો બીજો દિવસ હતો.
૧૯૬૮માં ૨૯ ફેબ્રુઆરીએ વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ તથા ભારત અને ન્યૂઝીલેન્ડ એમ એકસાથે બે ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો.૧૯૮૮માં પ્રથમ વાર કોઇ મેચનો અંત ૨૯ ફેબ્રુઆરીએ થયો હતો જે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી.૧૯૮૪માં વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ ૨૯ ફેબ્રુઆરીએ રમાઇ હતી.૧૯૯૬માં ૨૯ ફેબ્રુઆરીએ વર્લ્ડ કપમાં કેન્યાએ વેસ્ટ ઇન્ડીઝને ૭૩ રને હરાવી બધાને ચોંકાવી દીધા હતા. આ રીતે ક્રિકેટમાં ૨૯ ફેબ્રુઆરીનો દિવસ મહત્ત્વનો બની રહ્યો છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.