છેલ્લા કેટલાક સમયથી દુનિયામાં કૃત્રિમ બુદ્ધિમતા, જેને અંગ્રેજીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(એઆઇ) કહેવામાં આવે છે તેની ઘણી ચર્ચા છે. આ એઆઇના લાભ અને ગેરલાભ અંગે ઘણી ચર્ચાઓ થઇ ચુકી છે. તે માણસજાતને ઘણી રીતે ઉપયોગી થઇ પડશે અને સાથે જ ઘણાની રોજગારી પર તરાપ મારનારી નિવડશે અને તેનો દુરુપયોગ હોનારતકારી પરિણામો લાવી શકે છે એવી ચર્ચાઓ વચ્ચે હવે એવી ચિંતાઓ ઉભી થઇ છે કે આ એઆઇ ખરેખર તો એક પરપોટો છે. તેના અંગે જેટલો શોરબકોર કરવામાં આવ્યો છે અને જે જંગી રોકાણ એઆઇના ક્ષેત્રમાં કરવામાં આવ્યું છે તેટલું મહત્વ આપવા જેવી બાબત તે નથી.
એ બાબતે લગભગ તમામ નિષ્ણાતો સહમત છે કે AI 100% સચોટ નથી કારણ કે તે એક સંભાવનાત્મક સિસ્ટમ છે જે ડેટામાં પેટર્ન પર આધાર રાખે છે, જે અપૂર્ણ, પક્ષપાતી અથવા અસંગત હોઈ શકે છે. નબળી ડેટા ગુણવત્તા, વાસ્તવિક દુનિયાની જટિલતા અને અણધાર્યા અથવા દુર્લભ પરિસ્થિતિઓના અસ્તિત્વ જેવા પરિબળોનો અર્થ એ છે કે AI ભૂલો પેદા કરી શકે છે, ભલે કાર્ય સરળ લાગતું હોય ત્યારે પણ. કદાચ લોકોને બહુ જલદી એઆઇની મર્યાદાઓ સમજાવા લાગી છે અને તેથી એઆઇનો પરપોટો ફૂટી જવાની શક્યતા વધુ પ્રબળ બની રહી છે.
હાલમાં એક અભ્યાસ અહેવાલમાં જણાવાયું છે કે 95% જનરેટિવ AI પ્રોજેક્ટ્સ નિષ્ફળ જઈ રહ્યા છે, જેના કારણે ટેક બબલ ફૂટી જવાની ચિંતાઓ સર્જાઇ છે. 2025 ના પ્રથમ છ મહિનામાં AI સ્ટાર્ટઅપ્સમાં 44 અબજ ડોલરથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હોવા છતાં, એક નવા MIT રિપોર્ટમાં જણાવાયું છે કે 95% જનરેટિવ AI વ્યવસાયિક પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે, જેમાં ફક્ત 5% અર્થપૂર્ણ આવક વૃદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે. અનેક નિષ્ણાતો હવે એઆઇની સંભવિત નિષ્ફળતા અને તેની અસરો અંગે ચેતવણી આપવા માંડ્યા છે.
ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇએ ચેતવણી આપી છે કે જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(એઆઇ)નો પરપોટો ફૂટશે તો કોઇ કંપની તેની અસરમાંથી બાકાત રહેશે નહીં. પિચાઇએ બીબીસીને હાલમાં જણાવ્યું હતું કે એઆઇના ક્ષેત્રમાં અસાધારણ પ્રમાણમાં રોકાણ થઇ રહ્યું છે અને આ ચાલી રહેલી તેજીમાં કેટલીક અતાર્કિકતા છે. ગૂગલ AI બબલ ફાટવાની અસરથી મુક્ત રહેશે કે કેમ તે પૂછવામાં આવતા, પિચાઈએ કહ્યું કે તેમની કંપની સંભવિત તોફાનનો સામનો કરી શકે છે, પરંતુ તે સાથે ચેતવણી જારી કરી હતી. તેમણે કહ્યું કે ‘મને લાગે છે કે કોઈ પણ કંપની, અમારા સહિત, મુક્ત રહેશે નહીં.’ એઆઇ કંપનીઓ ઓવરવેલ્યુડ હોવાની ચિંતાથી શેરબજારોને પણ અસર થઇ છે.
મંગળવારે શરૂઆતના ટ્રેડિંગમાં FTSE 100 115 પોઈન્ટ અથવા 1.2 ટકા ઘટતાં શેરબજારો ફરી એકવાર નીચે ઉતર્યા ત્યારે આ ચેતવણી આપવામાં આવી છે. ટેક કંપનીઓના શેરોએ આ બબલ ફાટવાની આશંકા ઉભી કરી છે. સિલિકોન વેલીમાં, AI કંપનીઓ વધુ પડતું મૂલ્યાંકન કરાયેલ છે કે નહીં તે અંગેની ચર્ચા તાજેતરના અઠવાડિયામાં ખૂબ વધી છે. રોકાણકારો ચેતવણીના સંકેતોથી વધુને વધુ ગભરાઈ રહ્યા છે કે AI શેરોમાં ઉછાળો જેણે અમેરિકી બજારોને શ્રેણીબદ્ધ ઊંચાઈએ ધકેલી દીધા છે તે વધુ પડતું સાબિત થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને બેંક ઓફ ઈંગ્લેન્ડ બંનેએ પણ તાજેતરના અઠવાડિયામાં AI બબલના જોખમ અંગે ચેતવણી ઉચ્ચારી છે.
ભારત સહિત અનેક દેશોમાં ઘણા લોકો તો એઆઇ વિશે ખાસ કશું જાણતા જ નથી અને જેઓ જાણે છે તેઓ ઉત્સાહિત કરતા ચિંતીત વધુ છે એમ જણાય છે. હાલમાં એક અહેવાલ જણાવે છે કે અમેરિકનો રોજિંદા જીવનમાં AI ના વધતા ઉપયોગ અંગે ઉત્સાહિત કરતાં વધુ ચિંતિત છે, મોટાભાગના લોકો કહે છે કે તેઓ તેમના જીવનમાં AI નો ઉપયોગ કેવી રીતે થાય છે તેના પર વધુ નિયંત્રણ ઇચ્છે છે. ઘણા કહે છે કે AI લોકોની સર્જનાત્મક રીતે વિચારવાની અને અર્થપૂર્ણ સંબંધો બનાવવાની ક્ષમતામાં સુધારો કરવાને બદલે ઘટાડો કરશે.
એવી મજબૂત દલીલો છે કે AI ને વધુ પડતું મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે ઘણા વર્તમાન એઆઇ કાર્યક્રમો નોંધપાત્ર રોકાણ અને ઝડપી રીતે અપનાવવામાં આવ્યા હોવા છતાં અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જણાય છે. આપણે અગાઉ જ જોઇ ગયા તેમ મોટા જનસમૂહોની રોજગારી છીનવાઇ જવાના ભય અને એઆઇનો દુરુપયોગ થવાનો ભય સહિતના ભયસ્થાનો એઆઇમાં છે અને લોકો આ બાબત સમજતા થયા છે. એઆઇનો જેટલો શોરબકોર કરાયો તેટલા ઉત્સાહથી લોકોએ તેને અપનાવી નથી અને તેથી જ એઆઇ એક પરપોટો સાબિત થઇ રહ્યું છે જે ગમે ત્યારે ફૂટી જઇ શકે છે.