Comments

એકેડમિક બેંક ઓફ ક્રેડીટ વ્યવહારુ બનશે?

‘એકેડમિક બેંક ઓફ ક્રેડીટ’ટૂંકમાં ABC નવી શિક્ષણનીતિમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જે વિદ્યાર્થીલક્ષી સ્વતંત્રતા સર્જવાની છે તેનો આધાર છે. એક વ્યવસ્થાની રીતે આ એકેડમિક બેંક ઓફ ક્રેડિટ નવો વિચાર છે. નવી વ્યવસ્થા છે! ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો જાય એમ ક્રેડિટ મેળવતો જાય તે વિચાર નવો નથી. થોડાં વર્ષો પહેલાં ચોઈસ બોજ ક્રેડિટ સિસ્ટમનો આખો ખ્યાલ જ આ એકડેમીક ક્રેડિટ પર આધારિત હતો. જેમ વ્યક્તિ કામ કરે અને રૂપિયા કમાય તેમ વિદ્યાર્થી અભ્યાસ કરે એટલે ક્રેડિટ કમાય!’

મૂળમાં તો વિદ્યાર્થી લેક્ચર ભરે. તેને ક્રેડિટ સાથે જોડવામાં આવ્યો છે. પણ માત્ર લેક્ચર ભરવું પૂરતું નથી.તે અભ્યાસ કર્યા બાદ પરીક્ષણમાંથી પાર ઊતરવું પડે! જ્ઞાન આમ તો અભૌતિક બાબત છે. તે માપી શકાતું નથી. યુનિટમાં રજૂ કરી શકાતું નથી. પણ જ્યારથી શિક્ષણને ઉદ્યોગ સાથે સરખાવવામાં આવ્યું છે. વ્યવસાય બનાવવામાં આવ્યું છે ત્યારથી જ્ઞાનને પણ બાંધવાના પ્રયત્ન થયા છે. એટલે વિદ્યાર્થી પોતાના વિષયમાં એક કલાક અભ્યાસ કરે. લેક્ચર ભરે કે પ્રેક્ટિકલ કરે. તો તેને એક ક્રેડિટ મળવાપાત્ર થાય!

હવે પોતાના વિષયમાં અઠવાડિયે ચાર લેક્ચર ભરવાથી વિદ્યાર્થીને અઠવાડિયાની ચાર ક્રેડિટ નો લાભ મળે અને આ જ ગુણાંકમાં મહિનામાં સોળ અને આ જ ગુણાંકમાં મહિનામાં સોળ અને વર્ષ લગભગ 172 લેક્ચર ભરવાથી 172 ક્રેડિટ મળે! પણ આ ક્રેડિટ ત્યારે જ માન્ય થાય જ્યારે તે આ અભ્યાસના અંતે લેવાયેલ પરીક્ષા પાસ કરે એટલે તેને ક્રેડિટ મળે! તેણે જ્ઞાન મેળવ્યું છે તેવું સાબિત થાય! હવે નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના અભ્યાસ-પરીક્ષા પછી જે ક્રેડિટ તે મેળવે છે તેની બેંક બનાવવાનો ખ્યાલ અપાયો છે. આ એક ડીજીટલ બેંક હશે!

વિદ્યાર્થી નવી શિક્ષણનીતિ મુજબ જ્યારે કોલેજ-યુનિવર્સિટીમાં એડમિશન લેશે ત્યારે તેનું આ બેંકમાં ખાતું ખોલવામાં આવશે. તે અભ્યાસ કરશે. કોલેજ યુનિવર્સિટીમાં લેક્ચર ભરશે. હાલ સરકારે જે ક્રેડિટ ફેમવર્ક જાહેર કર્યુ છે તેમાં કયા સેમેસ્ટરમાં કયા વિષયમાં વિદ્યાર્થીએ અઠવાડિયામાં કેટલા લેક્ચર ભરવાના તેનું માળખું જાહેર કર્યું છે. એક કલાકના એક લેક્ચરની એક ક્રેડિટ છે! બે કલાકના પ્રેક્ટિલની એક ક્રેડિટ છે!

હવે સત્ર- (સેમેસ્ટર)ના અંતે યુનિવર્સિટી પરીક્ષા લેશે અને પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થશે તો આ તેણે મેળવેલી ક્રેડિટ તેના ખાતામાં જમા થશે! આ બેંક ડિજીટલ છે. વળી સક્રિય કક્ષાએ સંચાલિત થવાની હોવાથી સેન્ટ્રલાઈજેશન થયેલું છે. આનો લાભ એ છે કે વિદ્યાર્થી કોલેજ બદલે, યુનિવર્સિટી બદલે કે રાજ્ય બદલે. દેશના કોઈ પણ ખૂણે જાય. તે પોતાનો એકાઉન્ટ નંબર આપે એટલે તેની ક્રેડિટ તેને મળી જાય! વિદ્યાર્થી અભ્યાસ છોડી દે અને બે વરસ પછી ફરી ભણવા આવે તો તેના ક્રેડિટ એકાઉન્ટમાં ક્રેડિટ પડેલી જમા હોય.

એણે આગળ નવી ક્રેડિટ કમાવાની અને જમા કરવાની! આમ એકેડમિક બેંક ઓફ ક્રેડિટ રીતસર આપણી બેંકોની જેમ જ કામ કરશે, ફેર માત્ર એટલો કે બેંકમાં રોકડ નાણાંની ટ્રાન્સફર થાય, લેવડદેવડ થાય. અહીં માત્ર આંકડાઓની ડિજીટલ ટ્રાન્સફર થશે! એકેડમિક બેંક ઓફ ક્રેડિટની વાત સાંભળવામાં ખૂબ ગમે! પ્રથમ નજરે અદભુત લાગે તેવી છે પણ વ્યવહારમાં તેના ઘણા પ્રશ્નો છે. એટલું જ નહીં, નવી શિક્ષણનીતિના અમલનો પાયો જ તે છે! એટલે વિદ્યાર્થીના પ્રવેશ સમયે જ આ માળખું તૈયાર જોઈએ, તેના લાભાર્થીઓને તેની માહિતી હોવી જોઈએ!

કારણ કે નવી શિક્ષણનીતિ મુજબ વિદ્યાર્થી પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ લે ત્યારે જ તેનું બેંકમાં ખાતું ખોલવાનું છે! હવે ગુજરાતમાં 15 જૂને કોલેજ યુક્તિ અને 15 ઓગસ્ટે તેને બે મહિના પૂરા થશે! આ લખાય છે ત્યારે જૂલાઈ પૂરો થવામાં છે અને હજુ કોલેજના પ્રથમ વર્ષમાં – પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવનાર 75% થી વધુ વિદ્યાર્થીનું આ બેંકમાં ખાતું ખૂલ્યું નથી. કારણ કે સરકારના શિક્ષણ વિભાગે કે યુનિવર્સિટીઓએ કોલેજોને સૂચના જ નથી આપી કે તમારે વિદ્યાર્થીનો પ્રવેશ થાય એટલે તેનું આ બેંકમાં ખાતું ખોલી નાખવાનું છે.

ઘણા જાણકાર અને ઉત્સાહી પ્રિન્સિપાલશ્રીઓએ વિદ્યાર્થીને પ્રવેશફોર્મ પણ ઓનલાઈન ભરાવ્યાં અને વિદ્યાર્થીને જ કીધું કે તું આ એકડેમિક બેંક ઓફ ક્રેડિટમાં તારું ખાતું ખોલાવી દે! ગામડું હોય, નગર હોય કે શહેર હોય આપણી ડીજીટલ પ્રક્રિયાઓ તો સાયબરકાફેમાંથી જ થાય છે ત્યાં બેઠેલા શોપ સંચાલકો વિદ્યાર્થીનું ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી દે છે. હવે સાથે સાથે પચાસ-સો રૂપિયામાં આ એકેડમિક બેંક ઓફ ક્રેડિટમાં પણ ખાતું ખોલી દે છે અને આ પ્રક્રિયામાં તે મેલ એડ્રેસ અને નંબર પોતાનો જ નાખી દે છે!

હવે પ્રશ્ન પ્રવેશ સમયે નથી થવાના! પ્રશ્ન તો સેમેસ્ટર પતે-પરીક્ષા થાય, વિદ્યાર્થી પાસ થાય અને ક્રેડિટ મેળવવા પાત્ર બને પછી થવાના છે. વિદ્યાર્થી જો પોતાની ક્રેડિટ ચેક કરવા માંગે તો પેલો પાસવર્ડ-ઈ-મેઈલ એડ્રેસ નાખવાનું થાય? તે ક્યાંથી મળે? વિદ્યાર્થી આ નવી શિક્ષણનીતિમાં કોલેજ બદલી શકે છે. યુનિવર્સિટી બદલી શકે છે. તકલીફ થાય ત્યારે ભણવાનું છોડી દે. પાછી સગવડ થાય ત્યારે ભણવાનું જોઈન્ટ કરે. આ બધું જ કરવા માટે તેનું ‘ખાતું’હેન્ડલ કરવું પડે!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top