Entertainment

‘83’ના કેપ્ટન કપિલની જેમ રણવીર ‘21’નો (એક્ટિંગ) કપ જીતી શકશે?

રણવીરસીંઘની કસોટી કરે તેવી ફિલ્મ રજૂ થઇ રહી છે. કસોટી એટલા માટે કે ‘સૂર્યવંશી’ જબરદસ્ત સફળ રહી છે અને રણવીરે જે ફિલ્મ માટે ખૂબ જ પ્રતિક્ષા કરાવી તેમાં રજૂ થઇ રહી છે. એટલે સ્ટાર તરીકે સફળ થવા ઉપરાંત પ્રતિક્ષા ઠાલવી ન પડે તેની કાળજી લેવાની છે. ‘૮૩’ નામની તેની ફિલ્મ ૧૯૮૩ માં ભારતે જીતેલા પ્રથમ ક્રિકેટ વર્લ્ડની ગૌરવગાથા છે. એ ટીમનો કેપ્ટન કપિલદેવ હતો અને આ ફિલ્મનો કેપ્ટન રણવીરસીંઘ છે. હમણાં જ તેની ‘સૂર્યવંશી’ રજૂ થઇ હતી પણ તેમાં વધારે ચર્ચા અક્ષયકુમારની જ રહી હતી. ‘૮૩’ માં પણ અઢળક કળાકારો છે એટલે રણવીર ચર્ચાના કેન્દ્રમાં રહી શકે તો તેની મોટી જીત હશે.

રણવીરે અત્યાર સુધી તો સાબિત કર્યું છે કે તે તેના દિગ્દર્શકની અપેક્ષા પ્રમાણે પોતાને ઢાળી શકે છે. ‘૮૩’ માં તેણે પ્રથમવાર કબીરખાનના દિગ્દર્શનમાં કામ કર્યું છે જે આમ તો સલમાનખાનનો ફેવરીટ દિગ્દર્શક ગણાયો છે. આ ફિલ્મને ચલાવવાના પ્રયત્નરૂપે જ રણવીરના આગ્રહથી દિપીકા પાદુકોણે ભૂમિકા ભજવી છે. હકીકતે આ કોઇ લવસ્ટોરી ધરાવતી ફિલ્મ નથી ને છતાં દિપીકા છે એ રણવીરને કારણે જ છે. તો સવાલ એ છે કે ‘૮૩’ સફળ જશે? જેણે આ ફિલ્મ જોઇ છે તે કહે છે કે રણવીર એટલો બધો પાત્રમાં ઢળી ગયો છે કે લોકોને જાણે ફરી યુવાન કપિલદેવ જોવા મળશે. પણ ફિલ્મ પહેલાની કોમેન્ટ ફિલ્મ સાથે જોતી વેળા સાચી લાગે તો જ અર્થ છે.

રણવીરસીંઘ અત્યારે સાતેક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે ને એક દરેક અત્યંત મહત્વાકાંક્ષી ફિલ્મ છે. તેમાંની એક તો સંજય લીલા ભણશાલીની ‘બૈજુ બાવરા’ જેમાં તે આલિયા ભટ્ટ સાથે બૈજુ બન્યો છે. તેના જેવી જ એક વધુ જબરદસ્ત ફિલ્મ એસ. શંકરની છે જેનું નામ હજુ નકકી નથી થયું. એસ. શંકર સાઉથની અનેક સફળ ફિલ્મનો દિગ્દર્શક છે ને રજનીકાંતની અનેક ફિલ્મોનો તે દિગ્દર્શક છે. તે હંમેશા ગ્રાન્ડ લેવલ પણ ફિલ્મ બનાવે છે. અત્યારે કમલ હાસન સાથેની ‘ઇન્ડિયન-2’ તૈયાર થઇ ચુકી છે. સાઉથના દિગ્દર્શક રણવીરને પસંદ કરતા હોય તો માની શકાય કે તે એક ખેલી શકાય તેવો ઘોડો છે. સલમાન, ઋતિક, શાહરૂખ, અક્ષય, અજય વગેરે નહીં ને રણવીર પસંદ થાય એટલે માની શકાય કે તેનું સ્ટેટસ ઘણું મોટું છે.

પરંતુ તેની એવી ફિલ્મોમાં તો કરણ જોહરની ‘રોકી ઓર રાનીકી પ્રેમ કહાની’ અને ‘તખ્ત’ પણ ગણી શકાય. રણવીરસીંઘ અભિનયના પડકારો ઝીલનારો સ્ટાર છે અને તેથી જ તેની ડિમાંડ છે. આમ છતાં તે પોતાના વિશે સતત પ્રચાર નથી કરતો. તે એક નો નોન્સેન્સ સ્ટાર છે. દિપીકાએ તેને પસંદ કરવામાં કોઇ ભૂલ નથી કરી એમ કહી શકાશે. રણવીર સામે સંજય ભણશાલી વિનાની ફિલ્મમાં પોતાને સાબિત કરવાનો ય પડકાર છે.

તેના નામે જે ફિલ્મોની સફળતા ચડી તે નિર્માતા – દિગ્દર્શકની પણ હતી. રણવીર એવો સ્ટાર નથી કે જે પોતાની તાકાતે ફિલ્મો ચલાવે. તેને મજબૂત પટકથા, ઊંચા પ્રોડકશન વેલ્યુવાળુ દિગ્દર્શન જોઇતું હોય છે. તે ફિલ્મના અભિનેતા તરીકે પૂરો સમર્પિત છે તેને સૌથી સારી વાત વાત ગણવી જોઇએ. તેણે હજુ ફિલ્મ – નિર્માણનો ય વિચાર નથી કર્યો બાકી ઘરમાં જ દિપીકા પાદુકોણ છે. એવા ઘણા કારણો છે જે રણવીરને અત્યારના બીજા સ્ટાર્સ વચ્ચે ખાસ બનાવે છે પરંતુ તેને હંફાવે એવા અક્ષયકુમાર, અજય દેવગણ, ઋતિક, રણબીર કપૂર છે. ‘૮૩’ ની કેપ્ટનશીપ તેને કેવો કપ અપાવે તેની રાહ જોવી રહી.

Most Popular

To Top