Business

સ્ટારડમની જંગમાં રણવીરને રણબીર કરશે મહાત?

આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ પણ લોકપ્રિયતા, મળતા પ્રેક્ષકો અને આવતી કાલના સ્ટારડમની શકયતા પ્રમાણે સ્ટાર્સ-જોડી બની જ જતી હોય છે. ખાનત્રિપુટી હવે તેના ઉત્તરાર્ધ પર છે અને તેમના પછી અક્ષયકુમાર, અજય દેવગણ જ જોરમાં છે. તેઓ ઘણી ફિલ્મોમાં કામ કરે છે ને નિર્માતા તરીકે પણ પ્રવૃત્ત છે. પ્રોફેશનાલીઝમ અને પ્લાનિંગ તેમને આગળ રાખે છે. ઋતિક મોટો સ્ટાર છે પણ તેનામાં આ બધું ખૂટે છે. આવતીકાલના મોટા સ્ટાર્સ તરીકે હજુ રણબીર કપૂર અને રણવીર સીંઘને ગણાવી શકો. તેઓ દરેક સ્ટાઇલની ફિલ્મ સથે એકઝસ થઇ શકે છે. વિકી કૌશલ, કાર્તિક આર્યન વગેરે સ્ટાર થવાના પ્રયત્નોમાં છે પણ તેમની ફિલ્મો જ તેમના સ્ટેટસને નકકી કરશે.

થિયેટરો ખુલી રહ્યા છે ત્યારે આવનારા બે વર્ષમાં જેઓ મોટું સ્ટાર સેન્સેશન બનશે તે રણબીર કપૂર અને રણવીર સીંઘ જ છે. આ બંનેમાં બધાને વધુ ગમે તેવો ચહેરો રણબીરનો છે. રણવીરમાં એક પ્રકારનું બરછટતાપણું છે. તે ખૂબ મહેનતુ છે અને મહેનતથી જ પોતાનું સ્ટારડમ ઊભું કર્યું છે. રણબીર ભલે રિશી-નીતુનો દિકરો હોય પણ ફિલ્મોની યોગ્ય પસંદગી વડે પોતાનું સ્ટેટસ ઊભું કરી ચુકયો છે. મોટા દિગ્દર્શક – નિર્માતા તેની સાથે કામ કરવા ઉત્સુક છે. તે ખોટી ઉતાવળ નથી કરતો. તેની છેલ્લી ફિલ્મ ‘સંજુ’ રજૂ થયાને સાડા ત્રણ વર્ષ થઇ ગયા. ત્યારથી અત્યાર સુધીના સમયમાં તેની લવલાઇફની ચર્ચા થતી રહી છે.

આ દરમ્યાન તેની જે આવનારી ફિલ્મની સૌથી વધુ ચર્ચા રહી તે ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘શમશેરા’ છે. ‘બ્રહ્માસ્ત્ર’ તેની અને અયાન મુખરજીની ખૂબ મહત્વાકાંક્ષી ફિલ્મ છે. અયાને આ સુપરહીરો ફિલ્મ માટે ડિઓન રૂસ્તોવ જેવા એકશન ડાયરેકટરનું નામ પણ સહદિગ્દર્શક તરીકે જોડયું છે. ડિયોનનું નામ ‘બોડીગાર્ડ’, ‘૩૦૦: રાઇઝ ઓફ એન અમ્પાયર’ અને ‘ધ એકસ્પેન્ડેબલ્સ’ જેવી હોલીવુડની એકશન ફિલ્મો માટે જાણીતું છે. અયાન મુખરજી ફિલ્મના સ્ટન્ટ બાબતે ખૂબ જ સભાન છે અને રણબીર પણ એક ડ્રીમ પ્રોજેકટ તરીકે કામ કરી રહ્યો છે. અયાને ત્રિયોલોજી તરીકે આ ફિલ્મ પ્લાન કરી છે એટલે પહેલી ફિલ્મમાં તે કશું જ ઓછું જોખવા તૈયાર નથી. એકશન જ નહીં સ્ટાર્સ બાબતે પણ અયાને કોઇ કચાશ રાખી નથી એટલે અમિતાભ બચ્ચન, ડિમ્પલ  કાપડિયા, નાગાર્જુન, મૌની રોય, આલિયા ભટ્ટ જેવા તેની સ્ટારકાસ્ટમાં શામિલ છે. તેની એવી જ બીજી મહત્વની ફિલ્મ ‘શમશેરા’ છે જે હાવર્ડ પીઇલેની ‘મેરી એડવેન્ચર્સ ઓફ રોબીન હૂડ’ આધારીત છે. આદિત્ય ચોપરા તેનો નિર્માતા છે ને કરણ મલ્હોત્રા કે જે ‘અગ્નિપથ’, ‘બ્રધર્સ’નું દિગ્દર્શન કરી ચુકયો છે ને ‘મેં હું ના’, ‘લક્ષ્ય’, ‘જોધા અકબર’, ‘માય નામ ઇઝ ખાન’નો એસોસિએટ ડાયરેટર રહી ચુકયો છે. આ ફિલ્મમાં રણબીર સાથે ત્રિધા ચૌધરી, સંજય દત્ત, વાણી કપૂર, આસુતોષ રાણા ઉપરાંત માર્ક બેનિંગ્ટન સહિતના કળાકારો છે.

આ ફિલ્મ આદિત્ય ચોપરા, કરણ મલ્હોત્રા ને પિયુષ મિશ્રા (ડાયલોગ) એ લખી છે. આવી ફિલ્મો માટે વધારે સમય આપવો જ પડે ને રણબીર મોટા પ્રોજેકટ માટેનું માઇન્ડ સ્ટેટ ધરાવે છે. એટલે જ સંજય ભણસાલીએ તેને ‘સાંવરિયા’ પછી ‘બૈજુ બાવરા’ માં રિપીટ કર્યો છે. ભણસાલી રણબીરમાં સલમાનખાન, રણવીર સીંઘ શોધી રહ્યો છે અને ‘સિલસિલા’માં યશ ચોપરાએ જેમ રેખા-જયા બચ્ચન ભેગા કરેલા તેમ પૂર્વ પ્રેમિકા અને અત્યારની પ્રેમિકા દિપીકા પાદુકોણ અને આલિયા ભટ્ટને ભેગા કર્યા છે.

ચોથી ફિલ્મ ‘એનિમલ’ ગેંગસ્ટર ડ્રામા છે જેમાં રણબીર સાથે પરિણીતા ચોપરા અને અિનલ કપૂર છે. ‘કબીર સીંઘ’ના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ શાહીદ કપૂરને નહીં રણબીર કપૂરને પસંદ કર્યો છે. આ ચાર ફિલ્મો એવી છે જે રણબીરને તેના એકશન ઉપરાંત રોમેન્ટિક ઇમેજથી ઓળખાવશે. હજુ લવ રંજનની ફિલ્મ વિશે રણબીર બહુ વાત કરતો નથી.

શું આ રણબીરને રણવીર હંફાવી શકશે? અત્યારે તે ‘83’ અને ‘સૂર્યવંશી’ ફિલ્મ કમ્પલીટ થયા પછી રજૂ થવાની રાહ જોઇ રહ્યો છે. તેની પર પણ ઘણા નિર્માતા – િદગ્દર્શકોને વિશ્વાસ છે. કારણકે તે સમર્પિતભાવે કામ કરે છે અને ખૂબ એનર્જીવાળો છે. પરંતુ રણબીર જે પ્રકારની ફિલ્મો સાથે આવી રહ્યો છે તેણે જગાવેલી ઉત્તેજનાથી ઓછી ઉત્તેજના તેની ફિલ્મોએ જગાડી છે. ‘83’ ચોકકસ જ મહત્વની ફિલ્મ છે. પણ ખૂબ બધી ક્રિકેટ ફિલ્મો આવી ચુકી છે. તેમાં પ્રથમ વર્લ્ડકપ જીતની વાત છે પણ ‘લગાન’ ની જેમ પુરુષ એકટર્સ જ તેમાં મુખ્ય છે. દિપીકાને તો ઉમેરવામાં આવી છે. ને ‘સૂર્યવંશી’ ફિલ્મ રોહિત શેટ્ટીની છે જે સિંઘમ પ્રકારના પાત્રને આ ફિલ્મમાં પણ આગળ વધારી રહ્યો છે એટલે તે મનોરંજક ફિલ્મ જરૂર હશે પણ રણવીરની એકટર ઇમેજમાં મોટો ઇજાફો નહીં કરી શકે. રણવીર એવો એકટર છે કે જો તેને ભણસાલી જેવા દિગ્દર્શક મેનેજ કરે તો ઉત્તમ પરિણામ આપી શકે.

રણવીર સીંઘની ફિલ્મો સામે રણબીરની ફિલ્મો વધારે પાવરફૂલ જણાય રહી છે. રણવીર અત્યારે મનોરંજક ફિલ્મ તરફ ધ્યાન આપી રહ્યો છે જે સ્ટારડમનો જાણીતો રસ્તો છે પણ રણબીર પોતની કલાસિક સ્ટાઇલ ઊભી કરવામાં વ્યસ્ત છે. એવું લાગે છે કે ૨૦૨૨ ના અંત સુધીમાં રણબીર જ મોટો સ્ટાર પૂરવાર થશે. રણવીરની શકિત યોગ્ય દિગ્દર્શકની અપેક્ષા રાખે છે. રણબીરની દિપીકા ભલે હવે રણવીરની હોય પણ રણબીરની સફળતા રણવીરે મેળવવા વધુ મહેનત કરવી પડશે.

Most Popular

To Top