Sports

શું પાકિસ્તાન એશિયા કપમાં નહીં રમે? નવી માથાકૂટ ઉભી થઈ

નવી દિલ્હી:  IPL 2023 સમાપ્ત થઈ ગઈ છે. WTC ફાઈનલ હવે માત્ર એક સપ્તાહ દૂર છે, પરંતુ એશિયા કપ 2023 મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી માથાકૂટ હજુ પૂરી થઈ નથી. એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં ODI ફોર્મેટમાં યોજાવાનો છે, પરંતુ તે ક્યાં રમાડવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. 

એશિયા કપ 2023 પાકિસ્તાનમાં રમાડવાનું નક્કી થયું હતું પરંતુ BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ નહીં રમે. ત્યારથી પાકિસ્તાન રોષે ભરાયું છે. અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપ અને પ્રોપેગેન્ડા બાદ હજુ સુધી એશિયા અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પાકિસ્તાનની ચિંતામાં ત્યારે વધારો થયો જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ખબર પડી કે બાંગ્લાદેશ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓએ પણ BCCI દ્વારા IPL ફાઈનલ માટે બોલાવવામાં આવ્યા છે. તે ફરી એકવાર એશિયા કપની યજમાનીનો ખતરો અનુભવવા લાગ્યા હતા. હવે જાણવા મળ્યું છે કે એશિયા કપની યજમાની હવે પાકિસ્તાન નહીં પરંતુ કોઈ અન્ય દેશ કરી શકે છે.

એશિયા કપ 2023નું આયોજન શ્રીલંકામાં થઈ શકે છે
IPL ફાઈનલ માટે શ્રીલંકા સહિત ઘણા દેશોના ક્રિકેટ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ હાલમાં ભારતમાં છે. દરમિયાન, કેટલાક મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે એશિયા કપ 2023 ની યજમાની શ્રીલંકા જઈ શકે છે. બીસીસીઆઈના સિનીયર અધિકારીઓ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે આ મામલે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

શ્રીલંકા તરફથી ટૂંક સમયમાં આ અંગે દાવો રજૂ કરવામાં આવશે. ACCની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે ACC એટલે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહ છે, જે BCCIના સચિવ છે.

પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર થઈ શકે છે
PCB દ્વારા પહેલેથી જ કહેવામાં આવ્યું છે કે જો તમામ દેશો હાઇબ્રિડ મોડલને મંજૂરી નહીં આપે તો તેઓ એશિયા કપનો બહિષ્કાર કરશે. પરંતુ જો એશિયન કપની યજમાની શ્રીલંકામાં કરવામાં આવે છે, જેમ કે અહેવાલ છે, તો જોવાનું એ રહે છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ શું નિર્ણય લે છે. નોંધનીય છે કે એશિયા કપ 2022 ની યજમાની શ્રીલંકાએ કરી હતી, પરંતુ તે સમયે શ્રીલંકાની સ્થિતિ ખરાબ હતી અને એશિયા કપ યુએઈમાં યોજાયો હતો. દરમિયાન હવે જોવાનું એ રહેશે કે અંતિમ નિર્ણય શું લેવાય છે.

Most Popular

To Top