Columns

આપણો ભવિષ્યનો ખોરાક કીડી, મંકોડી, તીડ અને વંદાનો બનેલો હશે?

દુનિયાના કરોડો મનુષ્યો જ્યારે માંસાહાર છોડીને શાકાહાર અપનાવી રહ્યા છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (ફાઓ) દુનિયાને જીવજંતુના આહાર તરફ ધકેલવાની યોજના તૈયાર કરી રહી છે. ફાઓના તર્ક મુજબ ‘‘અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, માંસ, ઇંડાં, ચિકન અને માછલીનું ઉત્પાદન કરવામાં ચિક્કાર કાર્બન ઉત્સર્જન થાય છે. તેને કારણે જાગતિક તાપમાન વધી રહ્યું છે અને પૃથ્વીનું ભવિષ્ય જોખમમાં મૂકાઈ ગયું છે. જો પૃથ્વીનો પ્રલય અટકાવવો હોય તો માનવજાતે જીવજંતુઓના આહાર તરફ વળવું પડશે, જેની કાર્બન ફૂટપ્રિન્ટ લઘુતમ છે.

’’આ તર્કના આધારે દુનિયાની અનેક કંપનીઓ દ્વારા જીવજંતુઓના ફાર્મ બનાવવામાં આવ્યાં છે અને તેમાં જથ્થાબંધ જીવજંતુઓનું ઉત્પાદન કરીને તેમાંથી ખાદ્યસામગ્રીઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે. અમેરિકાની એક કંપની દ્વારા તો તીડ અને કંસારીનો પાવડર બનાવીને ચોખાના લોટમાં તેનું મિશ્રણ કરીને ‘ઇન્સેક્ટ ફોર્ટિફાઇડ રાઇસનું’ઉત્પાદન પણ શરૂ કરવામાં આવ્યું છે, જે દેખાવમાં સામાન્ય ચોખા જેવા લાગે છે, પણ તેમાં જીવજંતુઓ ભળેલા હોય છે.

વર્ષ ૨૦૧૫માં કેલિફોર્નિયા સ્ટેટ પોલિટેકનિક યુનિવર્સિટી (પોમોના) ના ન્યુટ્રીશન એન્ડ ફૂડ સાયન્સ વિભાગ દ્વારા એક રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં સાદા કુદરતી ચોખામાં જીવજંતુઓના પાવડરની ભેળસેળ કરીને ‘રિઝકેટ’નામની પ્રોડક્ટ બનાવવામાં આવી હતી, જે દેખાવમાં ચોખા જેવી હતી. આ પ્રક્રિયામાં સફેદ કે બ્રાઉન ચોખાનો લોટ દળાવવામાં આવ્યો હતો અને તેમાં તીડ અને કંસારીનો લોટ ભેળવી દેવામાં આવ્યો હતો. આ લોટમાં પાણી અને ટોપિયાકા નામના કંદમૂળનો પાવડર ચિકાશ માટે ભેળવવામાં આવ્યો હતો. આ મિશ્રણને મશીનમાં નાખીને ચોખા જેવા દાણા પાડવામાં આવ્યા હતા. આ ચોખા સાદા ચોખામાં ભેળવવામાં આવે તો કોઈને તેનો ખ્યાલ પણ આવતો નથી. આ ચોખાનો સ્વાદ પણ સામાન્ય ચોખા જેવો હોય છે.

દક્ષિણ આફ્રિકામાં જીવજંતુમાંથી ખોરાકનું ઉત્પાદન કરતી અનેક કંપનીઓ શરૂ થઈ છે. આવી એક કંપની ‘ગોર્મટ ગ્રબ’નાં સ્થાપક લી બેસ્સા કહે છે કે ‘‘આપણી કૃષિ વ્યવસ્થાની તકલીફ એ છે કે આપણે હવામાનના અને જમીનના ફેરફારો સામે વધુ ઉત્પાદન આપી શકે તેવી અનાજની જાતો વિકસાવી શકતા નથી. જીવજંતુનો ફાયદો એ છે કે તમે ગમે તેવી જમીનમાં, ગમે તેવી આબોહવામાં તેનું ઉત્પાદન કરી શકો છો. તેમના દ્વારા જમીનને બિલકુલ નુકસાન થતું નથી અને તેમનું ઉત્પાદન ફૂડ ઉદ્યોગમાં નીકળતા કચરાનો ઉપયોગ કરીને પણ થઈ શકે છે.’’દાખલા તરીકે શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન કરતી વખતે જે કચરો નીકળે છે તે કીડા-મંકોડાનો ખોરાક બને છે. તેમાં કરોડો કીડા-મંકોડા પેદા થાય છે. તેનો ઉપયોગ કરીને પ્રોટિનયુક્ત ખોરાક બનાવી શકાય તેમ છે.

સભ્ય સમાજના લોકો પોતાના ખોરાકમાં કીડા-મંકોડા-વંદા જેવા જીવજંતુઓ ખાવામાં સંકોચનો અનુભવ કરે છે, માટે તેમનો સંકોચ દૂર કરવા અમેરિકામાં ઇન્સેક્ટ કાફે જેવી રેસ્ટોરાંઓ ખૂલી રહી છે, જેમાં જીવજંતુઓમાંથી બનેલી વાનગીઓ પીરસવામાં આવે છે. તેમાં વંદાનો સૂપ અને તીડનું શાક પણ બનાવીને પીરસવામાં આવે છે. આજકાલ પાળેલાં પ્રાણીઓ માટે જે તૈયાર ખોરાક બનાવવામાં આવે છે, તેમાં પણ જીવજંતુઓનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. માર્સ પેટકેર નામની કંપનીએ તાજેતરમાં બિલાડીઓ માટે જીવજંતુ આધારીત ‘લવબગ’નામની પ્રોડક્ટ બજારમાં લોન્ચ કરી છે. ‘ઇન્સેક્ટ’નામની ફ્રેન્ચ કંપનીએ તાજેતરમાં ૨૨.૫ કરોડ ડોલરના રોકાણ સાથે ઇન્સેક્ટ ફાર્મનું નિર્માણ કર્યું છે, જેમાં દર વર્ષે જીવજંતુઓના એક લાખ ટન પ્રોટિનનું ઉત્પાદન કરવામાં આવશે.

‘એન્ટોસાઇકલ’નામની કંપનીને તાજેતરમાં બ્રિટીશ સરકાર દ્વારા એક કરોડ પાઉન્ડની સહાય મળી છે, જેનો ઉપયોગ કરીને તેણે લંડનની બહાર બ્લેક સોલ્જર તરીકે ઓળખાતા જંતુની ઉડતી ઇયળના ઉત્પાદન માટેના ફાર્મની સ્થાપના કરી છે. આ ઇયળનો ઉપયોગ પેક્ડ ફૂડ બનાવવા માટે કરવામાં આવશે અને તેની વિષ્ટાનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવશે. પશ્ચિમના લોકો પણ આજની તારીખમાં સીધો જીવજંતુનો આહાર કરવા તૈયાર નથી, પણ જો તેનું રૂપાંતર કરીને તેમાથી ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે તો તેમની સૂગ દૂર થઈ જાય છે. દાખલા તરીકે ‘એન્ટોસાઇકલ’કંપની દ્વારા બ્લેક સોલ્જર ફ્લાઇ ઇયળમાંથી દૂધ જેવો પદાર્થ બનાવવામાં આવ્યો છે. આ દૂધ બાળકોને પિવડાવવામાં આવે છે. આ દૂધ કેલ્શિયમ અને મિનરલ્સની બાબતમાં સમૃદ્ધ હોય છે. બાળકોને ખબર નથી પડતી કે આ દૂધ જીવજંતુનું બનેલું છે.

જીવજંતુના આહારને પ્રોત્સાહન આપવા માટે કંપનીઓ દ્વારા જાતજાતના રિસર્ચ પ્રોજેક્ટો પણ હાથ ધરવામાં આવ્યા છે. આવા એક પ્રોજેક્ટનું તારણ કહે છે કે બ્રિટનના ૪૨ ટકા નાગરિકો જીવજંતુઓનો ખોરાક અજમાવી જોવા તૈયાર છે. એક અંદાજ મુજબ ૨૦૩૦ની સાલ સુધીમાં ખાદ્ય જીવજંતુઓનું માર્કેટ ૬.૩ અબજ ડોલરનું થઈ જશે. ઇટાલીના ઉદ્યોગપતિ ફ્રાન્સેસ્કો માજનોએ ‘સ્મોલ જાયન્ટ્સ ક્રિકેટ સ્નેક્સ’નામની કંપનીનું નિર્માણ કર્યું છે, જે કીડા-મંકોડા-તીડ વગેરે સજીવોમાંથી નાસ્તાઓ બનાવીને તેનું વેચાણ કરે છે. તેમની કંપની ક્રેકર્સ અને ટોર્ટિલ્લા ચિપ્સ જેવા લોકપ્રિય નાસ્તાઓમાં જીવજંતુઓનો પાવડર ભેળવીને તેનું વેચાણ કરે છે. માજનો કહે છે કે ‘‘કંસારી નામના જંતુમાંથી પ્રોટિનનું ઉત્પાદન કરવું હોય તો ગાયની સરખામણીમાં તે ૦.૧ ટકા જેટલા જ કાર્બનનું ઉત્સર્જન કરે છે. વળી તેને પાણી પણ ઓછું જોઈએ છે. એક ગ્રામ બીફનું ઉત્પાદન કરવા માટે ૧૧૨ લિટર પાણી વપરાય છે, પણ એક ગ્રામ જીવજંતુ પેદા કરવા માટે માત્ર ૨૩ લિટર પાણી જ વપરાય છે. ચણાના ઉત્પાદન કરતાં પણ જીવજંતુના ઉત્પાદનમાં ઓછું પાણી વપરાય છે.

બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ પડ્યું તે પહેલાં યુરોપિયન યુનિયન દ્વારા સંખ્યાબંધ જીવજંતુઓનો મનુષ્યના આહારમાં ઉપયોગ કરવાની પરવાનગી આપી દેવામાં આવી હતી. હવે બ્રિટન સ્વતંત્ર થઈ ગયું હોવાથી આ તમામ પરવાનગીઓ બાબતમાં ફેરવિચારણા ચાલી રહી છે. બ્રિટનમાં શાખાઓ ધરાવતી મેક્સગ્રોસર નામની કંપની મેક્સિકોથી ફૂડ પ્રોડક્ટની આયાત કરીને બ્રિટનમાં તેનું વેચાણ કરી રહી છે. તેને મેક્સિકોના જીવજંતુઓની વાનગી બ્રિટનમાં વેચવાની પરવાનગી આપવામાં આવતી નથી, કારણ કે બ્રિટનમાં મેક્સિકોની તમામ ડેરી પ્રોડક્ટ વેચવાની મનાઈ છે. લંડનની ઘણી હાઈ-ફાઈ રેસ્ટોરાંઓ તેમને જીવજંતુ લાવવા વિનંતી કરી
રહી છે.

આફ્રિકાના આદિવાસી લોકો પરંપરાગત રીતે જીવજંતુનો આહાર કરતા હોય છે, જેને કારણે જીવજંતુમાંથી ખાદ્ય પદાર્થો બનાવતી કંપનીઓને આફ્રિકામાં મોટું માર્કેટ દેખાય છે. કેનિયાની જરામોગી યુનિવર્સિટીના ૧૨૦ વિદ્યાર્થીઓ જીવજંતુના આહાર બાબતમાં પીએચડીની થિસિસ તૈયાર કરી રહ્યા છે. આફ્રિકામાં કુપોષણની સમસ્યા પણ વિકરાળ બની ગઈ હોવાથી સરકાર દ્વારા પણ ઘઉંના આટામાં જીવજંતુનો પાવડર ભેળવવામાં આવતો હોય તો લોકો વિરોધ કરતા નથી. જો સંયુક્ત રાષ્ટ્રસંઘની યોજના કામિયાબ થશે તો વર્તમાનમાં શાકાહારી, અન્નાહારી કે માંસાહારી તરીકે ઓળખાતા દુનિયાના કરોડો મનુષ્યો ધીમે ધીમે જીવજંતુ આહારી બની જશે.
            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top