Comments

શું નીતીશકુમારનું ભવિષ્ય બિહારની રાજનીતિનું પણ ભવિષ્ય હશે?

બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ત્યારે મતદારો સમક્ષ પ્રશ્નો છે: શું જેડી(યુ) નેતા નીતીશકુમાર સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે? જો એનડીએ જીતે તો શું બીજેપી નવા મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી શકે છે? અથવા શું વિપક્ષ આખરે બિહારમાં સત્તા કબજે કરશે અને આ વખતે તેનો મુખ્યમંત્રી બનશે? શું નીતીશકુમારનું ભવિષ્ય પણ બિહારના રાજકારણનું ભવિષ્ય હશે? બે દાયકા સત્તામાં રહ્યા પછી નીતીશ હજી પણ તમામ પક્ષોમાં ચર્ચાનો વિષય છે. જોકે, નીતીશની સરકાર હેઠળ ઘણાં ક્ષેત્રોમાં પ્રગતિ છતાં શિક્ષણ, યુવાનોમાં બેરોજગારી, રાજ્યમાંથી નાગરિકોનું સ્થળાંતર અને ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થાની ચિંતાઓ યથાવત્ છે.

નીતીશનું સ્વાસ્થ્ય પણ વિવાદનો વિષય છે. સત્તાવિરોધી લહેરનો સામનો કરવા માટે નીતીશ સરકારે એક કરોડ મહિલાઓના ખાતામાં ₹10-10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને છૂટછાટો અને લાભોની જાહેરાત કરી છે. કેટલાક નેતાઓ માને છે કે આ ગેમચેન્જર સાબિત થશે. નીતીશને હંમેશાં મહિલા મતદારો તરફથી વધુ સમર્થન મળ્યું છે. આનાથી વિપક્ષની ગણતરીઓ ઉલટી પડી ગઈ છે અને જેડી-યુ-ભાજપના સ્વાભાવિક જોડાણનો વિરોધ કરનારાઓનો મૂડ ખરાબ થઈ ગયો છે. મોટા ભાગનાં સર્વેક્ષણો મજબૂત લડાઈ સૂચવે છે પરંતુ તેઓ શાસક એનડીએ ગઠબંધન માટે અનુકૂળ પરિણામની શક્યતાને નકારી કાઢતા નથી. તેઓ દાવો કરે છે કે મહાગઠબંધન, જેણે શરૂઆતમાં પુનરુત્થાનના સંકેતો દર્શાવ્યા હતા, તે આરજેડી નેતા તેજસ્વી યાદવના ગઠબંધન ભાગીદારો સાથેના મતભેદ અને લાલુપ્રસાદ યાદવના પરિવારમાં વધતી મહત્ત્વાકાંક્ષાઓને કારણે બાધા બન્યું છે.

હા, લાલુપ્રસાદ વિપક્ષી ગઠબંધનના પિતામહ છે, જે યાદવ અને મુસ્લિમ સમર્થનથી પોતાની તાકાત મેળવે છે. વિપક્ષને હજી પણ નીતીશ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સામનો કરવા માટે પૂરતો મજબૂત ચહેરો મળ્યો નથી. જો કે, તેજસ્વીને લોકપ્રિય ચહેરા તરીકે જોવામાં આવે છે, પરંતુ મહાગઠબંધનમાં કોંગ્રેસ કે તેના સાથી પક્ષો તરફથી હજી સુધી તેમને ગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો હોવાની કોઈ પુષ્ટિ મળી નથી. વિકાસ પર વધુ ભાર મૂકવા છતાં બિહારના રાજકારણમાં જાતિ એક નિર્ણાયક પરિબળ રહ્યું છે. દરેક પક્ષની ચૂંટણી વ્યૂહરચના સમુદાય આધારિત ગતિશીલતા દ્વારા ઘડવામાં આવે છે.

એનડીએનું લક્ષ્ય હંમેશાંથી ઓબીસી (અન્ય પછાત વર્ગો) અને ઈબીસી (અત્યંત પછાત વર્ગો) માટે સમર્થન એકીકૃત કરવાનું રહ્યું છે. આરજેડી પણ સમજે છે કે અસરકારક રીતે સ્પર્ધા કરવા માટે તેને અન્ય જાતિઓ સુધી તેની પહોંચ વધારવી પડશે. નાની જાતિ-કેન્દ્રિત પક્ષો, ખાસ કરીને જે અનુસૂચિત જાતિ (એસસી) મતવિસ્તારોને પ્રભાવિત કરે છે, નજીકની સ્પર્ધાઓમાં કિંગમેકર બની શકે છે. આજે મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), કોંગ્રેસ, ડાબેરી પક્ષો, વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી), જેએમએમ (ઝારખંડ મુક્તિ મોરચા) અને ચિરાગ પાસવાનના કાકાની આગેવાની હેઠળના એલજેપીનું એક જૂથ સામેલ છે.

મહાગઠબંધન બિહારના અત્યંત પછાત વર્ગો (ઈબીસી)ને આકર્ષવાની આશા રાખે છે, જે રાજ્યની વસ્તીના 36.01 ટકા છે. ઈસીબી રાજ્યભરમાં પથરાયેલા છે અને રાજ્યમાં કરવામાં આવેલા જાતિ-આધારિત સર્વેક્ષણમાં સૌથી મોટો સમૂહ છે. તેમાં લગભગ ૧૩૦ જેટલાં જૂથો અને પેટા-જૂથોનો સમાવેશ થાય છે, જેમાં નાઈ (વાળંદ), માછીમારો (સહાની, નિષાદ અને કેવત), લુહાર, તેલી અને નોનિયા (પરંપરાગત રીતે, તેઓ મીઠું બનાવે છે) જેવા મુખ્ય છે.

એનડીએમાં બીજેપી, જદયુ, હિન્દુસ્તાની અવમ મોરચા, રાષ્ટ્રીય લોક મોરચા અને લોક જનશક્તિ પાર્ટીનો સમાવેશ થાય છે. ચર્ચા એ છે કે જેડી(યુ) સારી સંખ્યામાં બેઠકો ઇચ્છે છે જેથી ભાજપ તરફથી નેતૃત્વ સામે કોઈ પડકાર ન આવે. જેડી(યુ)ના નેતાઓ સર્વેક્ષણોનો ઉલ્લેખ કરીને દર્શાવે છે કે, નીતીશને સ્પષ્ટપણે મજબૂત સ્થાનિક સમર્થન મળે છે અને મોદી માટે જનતાનો ટેકો તેમના માટે મતોમાં પરિવર્તિત થવાની અપેક્ષા છે.

આ વર્ષની ચૂંટણીમાં એક્સ ફેક્ટરનો પણ પ્રવેશ જોવા મળી રહ્યો છે. પ્રશાંત કિશોરનો જન સુરાજ. તેમનો પક્ષ એનડીએ અને મહાગઠબંધન બંનેના મત આધારમાં ગાબડું પાડી શકે છે. તેમણે યુવાનોનું ખૂબ ધ્યાન ખેંચ્યું છે, મુખ્યત્વે સોશ્યલ મીડિયાને કારણે. કિશોર એકસાથે બિહારમાં બંને પ્રભાવશાળી ગઠબંધનોને પડકાર આપી રહ્યા છે. જો કે તેમની વ્યૂહરચના મોટા ભાગે શાસક પક્ષ વિરુદ્ધ રહી છે.

૨૦૧૪ ની ચૂંટણી પહેલાં તેમણે ભાજપને જ નહીં પરંતુ પાછળથી કોંગ્રેસ, વાયએસઆર કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે અને નીતીશકુમારને પણ ચૂંટણી વ્યવસ્થાપન સેવાઓ પૂરી પાડીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે રાજ્યના દરેક જિલ્લામાં પદયાત્રાઓનું આયોજન કર્યું છે. છેલ્લા બે વર્ષ દરમિયાન તેમણે રાજ્યના લગભગ તમામ પ્રદેશોને આવરી લીધા હતા, લોકોને મળ્યા હતા અને ગામડાંઓમાં રાત્રિરોકાણ કર્યું હતું.

જો કે, કિશોર મોટી સંખ્યામાં ભીડને આકર્ષી રહ્યા છે, પરંતુ તેઓ એવો દાવો નથી કરી રહ્યા કે તેઓ સરકાર બનાવી શકશે, પરંતુ તેઓ કહે છે કે ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં તેઓ ચોક્કસપણે કિંગમેકર બનશે. વિપક્ષના મહાગઠબંધનમાં, ખાસ કરીને બેઠકોની ફાળવણીને લઈને તિરાડો પડી રહી છે. તાજેતરમાં ડાબેરી પક્ષો જાહેરમાં બેઠકોનો પોતાનો હિસ્સો મેળવવા માટે બહાર આવ્યા હતા અને બેઠકોની વહેંચણી ફોર્મ્યુલાની જાહેરાતમાં વિલંબ માટે નેતાઓ પર જાહેરમાં હુમલો કર્યો હતો. કોંગ્રેસ બિહારમાં પણ મહારાષ્ટ્ર ફોર્મ્યુલાને અનુસરવા માંગે છે, જ્યાં તેમણે મુખ્યમંત્રીના ચહેરા વિના ચૂંટણીનો સામનો કર્યો હતો.

આ અભિગમથી આરજેડી નિરાશ છે અને તેને ડર છે કે મહારાષ્ટ્રમાં થયેલી હારનું બિહારમાં પણ પુનરાવર્તન થશે. કોંગ્રેસ પાસે તેજસ્વીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે નામ ન આપવા પાછળનાં પોતાનાં કારણો છે. તેના નેતાઓ ખાનગીમાં કહે છે કે, મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરતાં પહેલાં તેજસ્વીની સાથે લાલુપ્રસાદના કોર્ટ કેસોને ધ્યાનમાં લેવા પડશે. તાજેતરના એક સર્વેમાં સૂચવવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ દાવાઓની ઇચ્છિત અસર થઈ હોય તેવું લાગતું નથી. કોંગ્રેસ હાલમાં બિહારમાં મજબૂત સ્થિતિમાં નથી. જો કે, તે મહાગઠબંધનમાં આરજેડી પછી બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ છે. ઘણા આરજેડી નેતાઓ માને છે કે, રાહુલે તેજસ્વીને વોટ ચોરી મુદ્દામાં ખેંચીને તેમનો સમય બગાડ્યો છે, જે મતદારોમાં પડઘો પાડવામાં નિષ્ફળ ગયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top