Editorial

દુનિયામાં પ્રદૂષણ અટકાવવા લૉકડાઉન અમલમાં મૂકવા પડશે?

પૃથ્વીનું વધતું  તાપમાન અથવા ગ્લોબલ વૉર્મિંગ આજે એક ઘણી મોટી સમસ્યા છે. દુનિયાના મોટા ભાગના લોકો આ સમસ્યાને ભલે બહુ ગંભીરતાથી લેતા નથી પરંતુ આ સમસ્યા ખરેખર તો ખૂબ ગંભીર છે. જો પૃથ્વીનું   તાપમાન વધતું રોકવામાં નહીં આવે  તો  તેના ભયંકર પરિણામો આવી શકે છે જે બહુ ચર્ચાઇ ગયેલી વાત છે. આ ગ્લોબલ વૉર્મિંગને કારણે દુનિયાભરના હિમશીખરો પીગળી રહ્યા છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવનો બરફ પણ   પીગળી રહ્યો છે  તે જાણીતી વાત છે. આપણી હિમાલય પર્વતમાળાનો બરફ પણ ગ્લોબલ વૉર્મિંગને કારણે પીગળી રહ્યો છે અને એવી ચેતવણી આપવામાં આવી છે કે હાલના દરે હિમાલયના હિમશિખરો પીગળી રહ્યા છે.

તે  રોકવામાં કે ધીમુ પાડવામાં નહીં આવે તો આ સદીના અંત સુધીમાં હિમાલયના આ ગ્લેશિયરો નાબૂદ થઇ જઇ શકે છે. આની સામે એક નવા અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે હવાનું પ્રદૂષણ કોવિડના લોકડાઉન વખતે જેટલું  હતું તે સ્તરે લાવવામાં આવે તો આ હિમશિખરોને પીગળતા નોંધપાત્ર અટકાવી શકાય છે. હવાનું પ્રદૂષણ ઘટાડીને કોવિડ-૧૯ના રોગચાળા દરમ્યાન જેટલું હતું તે સ્તર પર લાવવામાં આવે તો તે બાબત હિમાલયના ગ્લેશિયરોને  પીગળતા રોકી શકે છે અને સદીના અંત સુધીમાં તેમને નાબૂદ થઇ જતા અટકાવી શકે છે  એમ ભારત, જર્મની અને યુકેમાંથી સંશોધકો ધરાવતી એક આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમે કરેલા અભ્યાસમાં જણાયું છે.

કોવિડ-૧૯ના લૉકડાઉન દરમ્યાન વર્ષ ૨૦૨૦માં જે સ્થિતિ હતી તેનું વિશ્લેષણ કરતા ટીમને જણાયું છે કે આ સમયગાળા દરમ્યાન વધુ શુધ્ધ હવાને કારણ આ હિમશીખરો પર કાર્બન કે રાખ જેવા કણો ઓછા પ્રમાણમાં જમા   થાય છે અને તેને પરિણામે પ્રતિદિન ૦.પથી ૧.પ મિલીમીટર ઓછો બરફ પીગળે છે. આ ગ્લેશિયરોના ઝડપથી નાબૂદ થવાથી અને પર્વતો પરનું બરફનું આવરણ દૂર થઇ જવાથી એશિયાના તે અબજો લોકોને જળ પુરવઠો   સતત મળતો રહે તે સામે ખતરો ઉભો થઇ જ ગયો છે જે લોકો સિંધુ, ગંગા અને યાંગત્સે જેવી નદીઓના કાંઠા વિસ્તારોમાં રહે છે એમ સંશોધકો કહે છે.

જો હવામાંના પ્રદૂષકો જેવા કે રાખના કણોને આ પ્રદૂષકો લૉકડાઉનોના   સમયમાં હતા તે લેવલ સુધી પણ ઘટાડી શકાય તો બરફ પીગળવાનું અડધું જેટલું ઘટાડી શકાય એમ  તેમણે જણાવ્યું હતું. એટમોસ્ફેરિક કેમિસ્ટ્રી એન્ડ ફિઝિક્સ જર્નલમાં પ્રગટ થયેલ આ અભ્યાસમાં જણાયું છે કે સ્વચ્છ ઉર્જાના   પુરવઠા તરફ વળવામાં આવે અને પરિવહનના એવા સાધનો અપનાવવામાં આવે કે જેઓ ઓછું ઉત્સર્જન કરતા હોય તો તે એશિયાના વિશાળ ભાગોમાં પાણીના ટકાઉ પુરવઠા, ખેતી અને પર્યાવરણની સ્થિતિને નોંધપાત્ર લાભ   કરી શકે છે.

હિન્દુ કુશ હિમાલય અને મધ્ય એશિયાના તિબેટના ઉંચાણવાળા પ્રદેશો પૃથ્વી પર બંને ધ્રુવો સિવાયના વિસ્તારોમાં સૌથી વધુ મોટો બરફથી ઢંકાયેલો પ્રદેશ છે. અહીંના હિમશીખરોના બરફમાંથી નિકળતું પાણી ભારત  અને  ચીનની નદીઓમાં ઠલવાય છે જે ખેતી, જળવિદ્યુત ઉત્પાદન વગેરેના કામમાં આવે છે અને આ દેશોના અર્થતંત્રોને વેગ આપે છે. જો આ ગ્લેશિયરો સંપૂર્ણપણે નાબૂદ થઇ જાય અને ઉત્તર ભારત અને ચીનની કેટલીક મોટી  નદીઓ સમય જતા સૂકાઇ જાય તો કેવી ભયંકર સ્થિતિ સર્જાય તેની કલ્પના કરતા પણ ધ્રુજી જવાય તેવી સ્થિતિ છે.

ફક્ત હિમાલયના જ નહીં પણ વિશ્વભરના ઉંચા પર્વતો પરના ગ્લેશિયરોને, ધ્રુવો પરના બરફના જથ્થાને પીગળતો અટકાવવો જરૂરી છે. ધ્રુવોનો બરફ મોટા પ્રમાણમાં પીગળે તો સમુદ્રોની જળ સપાટી વધે અને તેનાથી  દુનિયાભરના સમુદ્ર કાંઠાના અનેક શહેરો, નગરો અને ગામડાઓ ડૂબાણમાં જાય તેવો ભય છે. આ પણ એક ખૂબ ભયંકર બાબત છે. વાહનો, કારખાનાઓમાં વપરાતા અશ્મિ જન્ય ઇંધણોને કારણે વાતાવરણમાં ખૂબ મોટા પ્રમાણમાં  પ્રદૂષણ થઇ રહ્યું છે અને તેને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે.

હવાનું પ્રદૂષણ આજે મોટે ભાગે પેટ્રોલ, ડીઝલ, કોલસા જેવા અશ્મિજન્ય ઇધણોના વપરાશને કારણે જન્મતા કાર્બન યુક્ત ધુમાડાઓને કારણે જ વધુ પ્રમાણમાં થાય છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી હવામાન પરિષદોમાં જાત જાતની સંધિઓ અને ઠરાવો થયા છે પણ કોઇ નક્કર કાર્ય થતું નથી અને વાયુનું પ્રદૂષણ વધતું જાય છે. આ ગ્લોબલ વૉર્મિંગ અટકાવવા માટે પ્રદૂષણ રોકવાના ઉપાયો વિશ્વના દેશો ગંભીરતાથી અમલમાં નહીં મૂકે તો એક સમય કદાચ એવો આવી શકે કે તાકીદના  ધોરણે પ્રદૂષણજન્ય હોનારતો અટકાવવા પ્રદૂષણ રોકવા લૉકડાઉન અમલમાં મૂકવા પડે!

Most Popular

To Top