Editorial

નાસાએ શોધેલા નવા ગ્રહ પર જીવ સૃષ્ટિ ધબકતી હશે ખરી?

પૃથ્વી સિવાય બીજા કોઇ ગ્રહ પણ સજીવો વસે છે કે કેમ? એ માણસ જાત માટે લાંબા સમયથી જિજ્ઞાસા અને ઉત્કંઠાનો વિષય રહ્યો છે. અફાટ અને અસીમ બ્રહ્માંડમાં અનેક તારાઓ છે અને તેમની ફરતે અનેક ગ્રહો ફરે છે. આપણો સૂર્ય પણ એક તારો છે અને આપણી પૃથ્વી તેનો એક ગ્રહ છે. પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકસવા માટે સંપૂર્ણ અનુકૂળ વાતાવરણ હોવાથી અહીં વૈવિધ્યસભર વિશાળ જીવસૃષ્ટિ પાંગરી છે અને તેમાં માણસ નામનો જીવ, કે જે આ પૃથ્વીના બીજા અનેક જીવો કરતા શારીરિક દષ્ટિએ નબળો છે પરંતુ પૃથ્વી પરના સર્વ જીવોમાં સૌથી બુદ્ધિવાન છે અને પોતાની બુદ્ધિના જોરે જ તે આજે આખી પૃથ્વી પર રાજ કરી રહ્યો છે અને વિકરાળ, અતિ શક્તિશાળી પશુઓને પણ તેણે કાબૂમાં લઇ લીધા છે.

આ માણસને લાંબા સમયથી એ જિજ્ઞાસા જાગી છે કે તેના જેવા જ કે તેના કરતા પણ વધુ બુદ્ધિશાળી જીવો આ વિશાળ બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાંક વસે છે ખરા? અત્યાર સુધી તો જેમનું અસ્તિત્વ રહસયમય જ રહ્યું છે અને જેમના વિશે હાલ તો કલ્પનાઓ જ છે તેવા આ જીવોને પરગ્રહવાસીઓ કે એલિયન તરીકે ઓળખવામાં આવે છે. આ એલિયન્સ વિશે પણ જાત જાતની ચર્ચાઓ થતી રહી છે અને અફવાઓ પણ ફેલાતી રહી છે.

એલિયનો ઉડતી રકાબી એ યુફો જેવા વાહનમાં સવાર થઇને પૃથ્વી પર આવે છે, તેઓ મહાબુદ્ધિશાળી છે વગેરે વગેરે ચર્ચાઓ સમયે સમયે થતી રહી છે અને વૈજ્ઞાનિકોએ પણ પરગ્રહવાસીઓ જો ક્યાંક હોય તો તેમની સાથે સંપર્ક સાધવા વિવિધ પ્રયાસો કર્યા છે, આ બધા વચ્ચે આપણી પૃથ્વી સિવાયના બીજા કોઇ ગ્રહ પર જીવસૃષ્ટિ છે કે કેમ? તેની શોધખોળ વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓએ ચાલુ રાખી છે. જીવ સૃષ્ટિ વિકસવાની શક્યતા ધરાવતા કેટલાક ગ્રહો ભૂતકાળમાં મળ્યા પણ છે પરંતુ અમેરિકી અવકાશ સંસ્થાને હાલમાં એક એવા ગ્રહની ભાળ મળી છે જેમાં જેના પર જીવ સૃષ્ટિ ધબકી શકે તેને અનુકૂળ વિશેષ સંજોગો છે.

પૃથ્વી ઉપરાંત બીજા કોઇ ગ્રહ પર જીવસૃષ્ટિની શક્યતાની શોધખોળમાં અમેરિકન અવકાશ સંસ્થા નાસાને એક મોટી સફળતા મળી છે જેમાં તેણે આપણી પૃથ્વીથી ઘણા દૂરના અંતરે એક એવો ગ્રહ શોધી કાઢ્યો છે કે જેના પર જીવન ધબકી શકે તે માટેના સાનુકૂળ સંજોગો છે. નાસાએ આ જે ગ્રહ શોધી કાઢ્યો છે તેનું નામ કે2-૧૮B રાખવામાં આવ્યું છે, આ ગ્રહ કદમાં આપણી પૃથ્વી કરતા આઠ ગણો મોટો છે અને પૃથ્વીથી ૧૨૦ પ્રકાશ વર્ષ દૂર છે. તે લીઓ તારામંડળમાં એક ઠંડા નાના તારાનો ગ્રહ છે. આ ગ્રહ હાઇસીન વર્લ્ડની કક્ષામાં મૂકી શકાય તેવો છે.

હાઇસીન વર્લ્ડ તેને કહેવામાં આવે છે કે જ્યાં હાઇડ્રોજનથી ભરપૂર વાતાવરણ અને પાણીના સમુદ્રો હોય છે. બાહ્ય ગ્રહોનો આ એક નવો વર્ગ જુદો પાડવામાં આવ્યો છે. પરંતુ આ જે ગ્રહ શોધવામાં આવ્યો છે તેના પર કંઇક બીજી પણ એવી બાબતની હાજરી છે જેનાથી ખગોળ શાસ્ત્રીઓ વધુ ઉત્તેજીત છે. આ ગ્રહ પર એવો વાયુ મળી આવ્યો છે જે આગવી રીતે જીવન સાથે સંકળાયેલો છે, જે વાયુ પૃથ્વી પર પણ છે તે જ આ ગ્રહ કે૨-૧૮બી પર પણ છે. આ ગ્રહને વૈજ્ઞાનિકો ‘સુપર અર્થ’ કહી રહ્યા છે કારણ કે તે આપણી પૃથ્વી કરતા ઘણો મોટો છે. સંશોધકો દ્વારા અગાઉ શોધાયેલા ઘણા હાઇસીન ગ્રહો પૃથ્વી કરતા મોટા છે પરંતુ ગરમ પણ છે. જ્યારે આ ગ્રહ પર તાપમાન પણ વધુ અનુકૂળ હોવાનું જણાય છે.

નાસાએ શોધી કાઢેલા આ નવા ગ્રહ પર જીવસૃષ્ટિ છે કે કેમ? અને છે તો કેવા પ્રકારની છે અને કેટલી હદે વિકસીત છે એ હજી શોધી શકાયું નથી અને તે શોધાતા કદાચ ઘણી વાર લાગશે કે કદાચ ક્યારેય શોધી નહીં શકાય. જો કોઇ બીજા ગ્રહવાસીઓ શોધી કઢાય અને તેમની સાથે સંપર્ક સાધી શકાય તો તે માણસજાતની એક મોટી સિદ્ધી હશે. તે સાથે જ જો કોઇ પરગ્રહવાસીઓ માણસ કરતા અનેક રીતે શક્તિશાળી અને ક્રૂર હશે તો તેમને પૃથ્વીનો માર્ગ દેખાડવો એ જાતને જોખમમાં મૂકવા જેવું હશે એમ પણ કેટલાક નિષ્ણાતો કહે છે પરંતુ નવુ નવુ જાણવાની જિજ્ઞાસા ધરાવતો માણસ તેના સંશોધનોમાં અટકશે નહીં.

Most Popular

To Top