ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આઠમો દિવસ છે. આજે શુક્રવારે સવારે ઈરાને ડ્રોનથી ઈઝરાયલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેણે તેને નિષ્ફળ બનાવ્યો છે. આ દરમિયાન વધુ એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. મોસાદે દાવો કર્યો છે કે ઈરાન આગામી 15 દિવસમાં પરમાણુ હથિયારો બનાવી શકે છે. એક અહેવાલ મુજબ કેટલાક અમેરિકન અધિકારીઓએ મોસાદના દાવાની પુષ્ટિ કરી છે.
ન્યૂ યોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, કેટલાક યુએસ અધિકારીઓનું કહેવું છે કે નવા અપડેટ્સ મોસાદના દાવાની પુષ્ટિ કરે છે કે ઈરાન 15 દિવસમાં પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે. હાલમાં ફક્ત થોડા લોકો જ આ માને છે. જોકે, યુએસ ગુપ્તચર એજન્સીઓનો આ અંગે અલગ અભિપ્રાય છે. તેમનું કહેવું છે કે ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવામાં ઓછામાં ઓછો એક વર્ષ લાગી શકે છે.
ઈરાનના પરમાણુ શસ્ત્રો વિશે વ્હાઇટ હાઉસે શું કહ્યું?
વ્હાઇટ હાઉસે પણ ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આયાતુલ્લાહ અલી ખામેની તરફથી લીલી ઝંડી મળ્યા બાદ ઇરાન થોડા અઠવાડિયામાં પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું, એ ચોક્કસ છે કે ઇરાન પાસે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે જરૂરી બધી વસ્તુઓ છે. આ માટે તે ફક્ત સુપ્રીમ લીડરના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું
ગયા અઠવાડિયે ઇઝરાયલે ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ શરૂ કર્યું હતું, જેમાં ઇરાનના પરમાણુ, મિસાઇલ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇરાને પણ ઇઝરાયલ સામે બદલો લીધો હતો. ગુરુવારે તેણે ઇઝરાયલની એક મોટી હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ પણ ખામેનીને ખુલ્લેઆમ ધમકી આપી હતી. બંને દેશો વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હજુ અટક્યું નથી.