Columns

ભારતનો રૂપિયો અમેરિકાના ડોલરનું સ્થાન લઈ શકશે ખરો?

ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? કોઈ માણસ ગમે તેટલો નાનો હોય તો પણ તેને મોટા માણસ બનવાનાં સપનાં જોવાનો અધિકાર છે. સપનાં જોતાં જોતાં તે ક્યારેક મહાન બની જાય તેવું પણ બની શકે છે. અમેરિકાના ડોલરની સરખામણીમાં ભારતના રૂપિયાની કોઈ વિસાત નથી; તો પણ ભારતનાં કેટલાંક રાજકારણીઓ દીવાસ્વપ્નો જોઈ રહ્યાં છે કે ભારતનો રૂપિયો ક્યારેક ડોલરનું સ્થાન ગ્રહણ કરી લેશે. તેનું કારણ એ છે કે અમેરિકાનો ડોલર દિનપ્રતિદિન નબળો પડી ગયો છે અને દુનિયાની રિઝર્વ કરન્સી તરીકેનું તેનું સ્થાન ભયમાં આવી ગયું છે. જો અમેરિકાનો ડોલર નબળો પડે તો તેનું સ્થાન લેવા માટે રશિયાનો રૂબલ અને ચીનનો યુઆન હરીફાઈમાં છે. જો ભારતના રૂપિયાએ ડોલરનું સ્થાન લેવું હોય તો તેણે જપાનના યેન ઉપરાંત રૂબલ અને ડોલર સાથે પણ સ્પર્ધા કરવી પડશે. વળી ભારત લશ્કરી રીતે મજબૂત હોય તો જ રૂપિયો વર્લ્ડ કરન્સી બની શકશે.

કોઈ સમયે વિશ્વવ્યાપારમાં અમેરિકાનો હિસ્સો ૪૦ ટકા જેટલો હતો, જેને કારણે ડોલરે વર્લ્ડ કરન્સીનું સ્થાન હાંસલ કરી લીધું હતું. દુનિયાના લગભગ તમામ દેશો આપસમાં વેપાર કરતા હોય તો પણ તેમના નાણાંકીય વહેવારો ડોલરમાં ચાલે છે. અમેરિકાનો અંકુશ ‘સ્વિફ્ટ’સિસ્ટમ પર છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય નાણાંકીય વહેવારો ડોલરમાં કરવામાં સરળતા રહે છે. દુનિયામાં કુલ જેટલાં ટ્રાન્ઝેક્શનો થાય છે, તેના ૬૬ ટકા ડોલરમાં જ થાય છે. દાખલા તરીકે ભારતે આરબના દેશોમાંથી ખનિજ તેલની આયાત કરવી હોય તો તેની ચૂકવણી ડોલરમાં જ કરવી પડે છે. તેવી રીતે આરબ દેશો ભારતમાંથી ચોખા મંગાવે તો તેની ચૂકવણી પણ ડોલરમાં થાય છે. વિશ્વવ્યાપારમાં ડોલરનો હિસ્સો જે ૪૦ ટકા હતો તે ઘટીને ૨૦ ટકા પર આવી ગયો છે, પણ વર્લ્ડ રિઝર્વ કરન્સી તરીકેનું ડોલરનું સ્થાન અકબંધ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધને પગલે વિશ્વભરમાં ડોલરનું સ્થાન ખતરામાં આવી ગયું છે, જે પ્રક્રિયાને ડિ-ડોલરાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેને પગલે અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો ઠોકી બેસાડવામાં આવ્યા હતા, જેને કારણે દુનિયાના દેશો રશિયા સાથેના વેપારમાં ડોલરમાં ચૂકવણી કરી શકતા નહોતા. તે દેશોમાં ભારતનો અને ચીનનો પણ સમાવેશ થતો હતો. ભારતે રશિયા સાથે રૂપિયામાં અને રૂબલમાં વેપાર કરવાનું ચાલુ કરી દીધું. ભારતે રશિયાના ખનિજ તેલની આયાત પણ વધારી દીધી હતી, કારણ કે રશિયા ભારતને ભારે ડિસ્કાઉન્ટ આપતું હતું. ચીને પણ રશિયા સાથે રૂબલમાં અને યુઆનમાં વેપાર કરવાનો પ્રારંભ કરી દીધો હતો. યુરોપના દેશોને રશિયાના ગેસની સખત જરૂર હતી, જેને કારણે તેમને રશિયા સાથેનો વેપાર રૂબલમાં કરવાની ફરજ પડી હતી. અમેરિકાના આર્થિક પ્રતિબંધોને કારણે ડોલરને જ ફટકો પડ્યો હતો.

ભારત સ્વતંત્ર થયું તે પછી રશિયા અને પાકિસ્તાન જેવા અપવાદને બાદ કરતાં દુનિયાના તમામ દેશો સાથેનો ભારતનો વેપાર ડોલરમાં જ થતો હતો. ભારતના વેપારીઓ ચાહે તો પણ રૂપિયામાં વેપાર કરી શકતા નહોતા. અમેરિકાના ડોલરને નબળો પડતો જોઈને ભારતની રિઝર્વ બેન્કે ગયા જુલાઈમાં ભારતના વેપારીઓને રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની છૂટ આપી દીધી હતી. ભારતે જે રીતે રશિયા સાથે રૂપિયામાં વેપાર ચાલુ કર્યો તેમ દુનિયાના બીજા ૧૮ દેશો સાથે પણ રૂપિયામાં વેપાર ચાલુ કર્યો હતો. આ દેશોમાં રશિયા ઉપરાંત સિંગાપોર, શ્રીલંકા, જર્મની, ઇઝરાયેલ, બ્રિટન, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, બોટ્સવાના, ફિજી, ગુયાના, મ્યાનમાર, ઓમાન, સેશલ્સ, તાન્ઝાનિયા, યુગાન્ડા અને ઇજિપ્તનો પણ સમાવેશ થાય છે. ઇજિપ્ત ભારતમાંથી મોટા પ્રમાણમાં ચોખાની આયાત કરતું હોવાથી તેણે પણ ભારત સાથે રૂપિયામાં વેપાર ચાલુ કર્યો છે.

ભારત જે દેશ સાથે રૂપિયામાં વેપાર કરવા માગતું હોય તેની બેન્કમાં ભારતની બેન્કે સ્પેશ્યલ રૂપી વોસ્ત્રો અકાઉન્ટ (એસઆરવીએ) ખોલાવવાનું રહે છે. દાખલા તરીકે ભારત ઇજિપ્ત સાથે રૂપિયામાં વેપાર કરવા માગતું હોય તો ભારતની બેન્કે તેની ઇજિપ્તમાં આવેલી શાખામાં વોસ્ત્રો અકાઉન્ટ ખોલાવવું પડે છે. જો ઇજિપ્તનો વેપારી ભારતમાંથી ચોખાની આયાત કરે તો તેણે ભારતની બેન્કના ખાતાંમાં તેના રૂપિયા જમા કરાવવા પડે છે. ભારતના વેપારીને તે રૂપિયા તેનાં ખાતાંમાં જમા મળી જાય છે. તેવી રીતે ભારતનો વેપારી ઇજિપ્તથી કપાસની આયાત કરે તો તેનાં ખાતાંમાંથી રૂપિયા કપાઈ જાય છે અને તે બેન્કની ઇજિપ્તની શાખામાં રૂપિયા જમા થઈ જાય છે, જેમાંથી ઇજિપ્તના વેપારીને તેનું પેમેન્ટ મળી જાય છે. ૧૮ દેશોમાં ૬૦ વોસ્ત્રો ખાતાંઓ ખોલવામાં આવ્યાં છે.

અમેરિકાનો ડોલર રિઝર્વ કરન્સી તરીકેનું સ્થાન ભોગવતો હોવાથી દુનિયાના લગભગ તમામ દેશો તેમની બચત ડોલરમાં કરતા હોય છે. દાખલા તરીકે ભારત પાસે ૬૦૦ અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ હોય તો તેનું રોકાણ અમેરિકાના ટ્રેઝરી બોન્ડમાં કરવામાં આવે છે. ભારત સરકારને જ્યારે પણ ડોલરની જરૂર પડે ત્યારે ટ્રેઝરી બોન્ડ વેચી શકે છે. અમેરિકાનો ડોલર નબળો પડ્યો તેને કારણે દુનિયાના ઘણા દેશો તેમની પાસેના ડોલર કે ટ્રેઝરી બોન્ડ વેચીને સોનું કે ચાંદી ખરીદી રહ્યા છે. વર્ષ ૨૦૨૨માં દુનિયાની સેન્ટ્રલ બેન્કો દ્વારા ૧,૧૩૬ ટન સોનું ખરીદવામાં આવ્યું હતું, જે ૨૦૨૧ના ૪૫૦ ટન કરતાં ક્યાંય વધુ હતું. સેન્ટ્રલ બેન્કો દ્વારા ૫૫ વર્ષમાં સૌથી વધુ સોનું ૨૦૨૨માં ખરીદવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેન્કે પણ ૨૦૨૧માં ૭૭ ટન અને ૨૦૨૨માં ૩૩ ટન સોનું ખરીદ્યું હતું. આ પ્રક્રિયાને જ ડિ-ડોલરાઈઝેશન કહેવામાં આવે છે. જો દુનિયાના દેશો ડોલર વેચીને સોનું ખરીદ્યા કરશે તો ડોલરનું સામ્રાજ્ય તૂટી પડતાં વાર નહીં લાગે.

ભારતનાં રાજકારણીઓ ભલે રૂપિયો ડોલરનું સ્થાન લેશે, તેવાં સપનાંઓ જોયા કરતાં હોય; હકીકત અને વાસ્તવિકતા વચ્ચે જમીન-આસમાનનું અંતર છે. આજની તારીખમાં પણ વિશ્વવેપારમાં અમેરિકાનો હિસ્સો ૧૧.૫ ટકા જેટલો છે, જ્યારે ભારતનો હિસ્સો માંડ ૧.૮ ટકા જેટલો છે. ભારતના રૂપિયાએ જો ડોલરનું સ્થાન લેવું હોય તો તેણે ઘણી લાંબી મઝલ કાપવી પડશે. આરબ દેશો તેમના ખનિજ તેલનું વેચાણ ડોલરમાં જ કરતા હોવાથી ડોલર વગર દુનિયાના કોઈ દેશને ચાલતું નથી; જ્યારે ભારતના રૂપિયા વગર બધાને ચાલે છે. જે ૧૮ દેશોએ ભારત સાથે રૂપિયામાં વેપાર કરવાના કરાર કર્યા છે, તેઓ પણ બીજા દેશો સાથેનો વેપાર ડોલરમાં જ કરે છે.

જો ભારતના રૂપિયાએ ડોલરનું સ્થાન લેવું હોય તો તેની સૌથી મોટી હરીફાઈ ચીનના યુઆન સાથે છે. વિશ્વવ્યાપારમાં આજે ચીનનો હિસ્સો ૨૦ ટકા જેટલો છે. ૧૯૯૫માં ચીનનો હિસ્સો માત્ર ૩ ટકા હતો, જે ૨૦૨૨માં વધીને ૨૦ ટકા પર પહોંચી ગયો હતો. તેની સરખામણીમાં ભારતનો હિસ્સો માંડ ૧.૮ ટકા જેટલો જ છે. જો અમેરિકાનો ડોલર તેનું વર્લ્ડ કરન્સી તરીકેનું સ્થાન ગુમાવશે તો તેનો સૌથી મોટો દાવેદાર ભારતનો રૂપિયો નહીં પણ ચીનનો યુઆન હશે. ચીને તાજેતરમાં સાઉદી અરેબિયા સાથે વેપાર બાબતના કરારો કર્યા છે. જો સાઉદી અરેબિયા ડોલરના બદલે યુઆનમાં ખનિજ તેલ વેચવાનો નિર્ણય કરે તો યુઆનના ભાવો આસમાનમાં પહોંચી જશે. અમેરિકાના ડોલરનું પતન થશે તે નક્કી છે, પણ ભારતનો રૂપિયો કેટલો મજબૂત થશે તેની ખબર નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top