Madhya Gujarat

ચરોતરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળશે

નડિયાદ: આણંદ – ખેડા જિલ્લામાં ગુરૂવારના રોજ રામનવમી નિમિત્તે ભગવાન રામના જન્મની વધામણી કરતાં અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. આણંદ જિલ્લામાં જ 15 જેટલી શોભાયાત્રા નિકળશે. જેમાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાશે. જોકે, આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નિકળે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આણંદ શહેરમાં બે અને વિદ્યાનગરમાં એક મળી કુલ ત્રણ શોભાયાત્રા નિકળશે. જ્યારે રામનવમીના પ્રસંગે નડિયાદ ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. આ શોભાયાત્રા સંતરામ મંદિરથી નીકળી નડિયાદ શહેરના બજાર વિસ્તારોમાં ફરી પરત ફરશે. હિન્દુ ધર્મ સેનાના જિલ્લા પ્રમુખે યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવવા માટે લોકોને અપીલ કરી છે. તેમજ રામ નવમીએ કરવામાં આવનારા ખાસ કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી.

આણંદ – વિદ્યાનગરમાં 3 જગ્યાએ શોભાયાત્રા નિકળશે
આણંદ શહેરમાં રામજન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળશે. જોકે, આણંદમાં બે શોભાયાત્રા નિકળશે. શ્રીરામ જન્મોત્સવ શોભાયાત્રા સમિતિ – આણંદ જિલ્લા દ્વારા સવારે 9 કલાકે શોભાયાત્રા નિકળશે. જે ભાઇકાકા સ્ટેચ્યુથી નિકળી જુનુ સીટી બસ સ્ટેન્ડ (એવી રોડ), એચએમ પટેલ સ્ટેચ્યુ, વૃંદાવન ગ્રાઉન્ડ, ડિવાઇન ડાઇનીંગ હોલ, ટાઉનહોલ, ગ્રીડ ચોકડી, નવુ બસ સ્ટેન્ડ, બેઠક મંદિર, નવા રામજી મંદિરે સમાપન થશે. તેવી જ રીતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બપોરે 3-30 કલાકે શોભાયાત્રા નિકળશે. જે આઈટીઆઈ ગ્રાઉન્ડથી શરૂ થઇ ગ્રીડ ચોકડી, નવુ બસ સ્ટેન્ડ, પાયોનિયર ચોકડી, મેફેર રોડ, ગોપાલ ચોકડી, તાસ્કંદ પેટ્રોલ પંપ, બળીયાકાકા રોડ, ગામડીવડ, નવા રામજી મંદિરના પટાંગણે પહોંચશે. જ્યારે ગૌરક્ષા દળ દ્વારા પણ 3-30 કલાકે યોજાશે. જે નાની ખોડીયાર, નાકાવાળા હનુમાન દાદા મંદિરથી, 100 ફુટ રોડ, સરદાર બાગ પોલીસ ચોકી, મહેન્દ્ર શાહ ચોકડી, ભગતસિંહ સ્ટેચ્યુ, અંબિકા ચોક, નવા બસ સ્ટેન્ડ, રોકડીયા હનુમાન મંદિરથી નવા રામજી મંદિરે સમાપન થશે.

બોરસદમાં નાયબ દંડક અને સાંસદ ઉપસ્થિતિ રહેશે
બોરસદમાં રામનવમીના પાવન દિવસે ભગવાન રામના જન્મોત્સવ અંતર્ગત ધાર્મિક આસ્થા સાથે રામજી કી સવારી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. રામજી કી સવારી કાર્યકમ દરમિયાન સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. બોરસદના વિવિધ વિસ્તારોમાં અને શહેરમાં મુખ્ય માર્ગ પર બે કિલોમીટર જેટલા દુરના અંતરેથી ભગવાન રામના વિશાળ ફોટો સાથે મોટા હોર્ડિગ વિવિધ સંસ્થાઓ, આગેવાનો, દુકાનદારો વિવિધ વ્યક્તિઓના સૌજન્ય સહ શુભેચ્છાઓ પાઠવી રામજી કી સવારી માટે ખાસ યોગદાન આપવામાં આવ્યું છે. રામજી કી સવારી માટે 140થી વધુ હોર્ડિગ બેનરો શહેરમાં લગાવવામાં આવ્યા છે. તેમજ બોરસદમાં તમામ બજારોમાં કેસરી રંગ ધ્વજ અને તોરણ ઠેર ઠેર લગાવીને કાર્યક્રમ સંદર્ભે ખાસ સજાવટ કરવામાં આવી છે.

બોરસદમાં રામનવમીના દિવસે આયોજિત કાર્યકમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ આયોજિત ભવ્યાતિભવ્ય રામજી કી સવારીનું જનતા બજાર, મહાત્મા ગાંધીગંજની બહારથી પ્રસ્થાન થશે. આ શોભાયાત્રાના રૂટ પર સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે. બોરસદ શહેર ભગવા ધ્વજ, 25 જેટલા પ્રવેશ દ્વાર તથા તોરણોથી શુશોભીત કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા માં જલારામ મંદિર તરફ થી 5 હજાર પેકેટ પ્રસાદી માટે, બીજા 5 હજાર પેકેટ રામભક્તો દ્વારા આપવામાં આવશે. જ્યારે બોલીવુડના કોરિયોગ્રાફર રાજીવ સુરતી તથા પ્રોડ્યુસર કેવલ પટેલ સર્જનાત્મક સરપ્રાઈઝ આપશે.

નડિયાદના સંતરામ મંદિરથી શોભાયાત્રા નીકળી નગરમાં ફરી પરત ફરશે
હિન્દુ ધર્મ સેનાના ખેડા જિલ્લા પ્રમુખ રાજન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રામજન્મોત્સવમાં નડિયાદ ખાતે સંતરામ મંદિરથી શોભાયાત્રા નીકળશે. જે નગરમાં ફરીને સંતરામ મંદિરમાં પરત ફરશે. રામ જન્મોત્સવ હોય અને નવી પેઢી હવે જે રીતે પોતાનો જન્મદિન ઉજવે છે, તે મુજબ ભગવાન શ્રી રામ માટે પણ સ્પેશિયલ માવાવાળી કેક બનાવવામાં આવશે. જે શોભાયાત્રા પૂર્વે સંતરામ મંદિર પાસેના રામજી મંદિર ખાતે કાપવામાં આવશે. નડિયાદમાં આ ખાસ શોભાયાત્રામાં કોઈપણ ધર્મ, જ્ઞાતિ અને પક્ષના લોકો જોડાઈ શકે છે. નડિયાદ સંતરામ મંદિરથી શોભાયાત્રા નીકળશે, જે ડુમરાલ બજાર થઈ ભાવસારવાડ, અમદાવાદી બજાર, ડભાણ ભાગોળ, સરદાર સ્ટેચ્યુ અને બસ સ્ટેન્ડ થઈ સંતરામ મંદિર પરત પહોંચશે. આ ઉપરાંત પ.પૂ. નૌતમદાસજીના સાનિધ્યમાં જિલ્લાભરમાંથી વિવિધ મંદિરો અને સંપ્રદાયોના અગ્રણી અંદાજીત 100 ઉપરાંત સંતો અને મહંતો આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહેશે. આ ઉજવણીમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડા, ભાજપ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, નડિયાદ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિતના આગેવાનો શોભાયાત્રામાં જોડાશે.

પેટલાદમાં શોભાયાત્રા રણછોડજી મંદિરથી પ્રસ્થાન કરશે
પેટલાદ શહેરમાં પ્રતિવર્ષની પ્રણાલિકા મુજબ ચાલુ વર્ષે પણ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળશે. આ શોભાયાત્રા ગુરૂવારે બપોરે ચાર વાગ્યે ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળશે. સમસ્ત હીન્દુ સમાજ દ્ધારા આયોજીત શોભાયાત્રા ડીજેના તાલે નીકળશે. જેમાં શહેર અને તાલુકાભરના રામ ભક્તો, રામ – લક્ષ્મણની જોડી, બગી, ભજન મંડળીઓ વગેરે જોડાશે. આ શોભાયાત્રા માટે યુવાનોમાં ભરપૂર જુસ્સો હોવાને કારણે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શોભાયાત્રા બપોરે ચાર કલાકે રણછોડજી મંદિરથી નીકળી નવાપુરા, ચાવડી બજાર, ટાવર, અંબામાતા મંદિર, પટેલ સોડા ફેક્ટરી, છીપવાડ, નાગરકુવા રોડ, ચાવડી બજાર, ગાંધી ચોક સરદાર ચોક, ટાઉનહોલ થઈ રણછોડજી મંદિર રાત્રે નવ કલાકે પરત ફરશે. જ્યાં રામભક્તો પ્રસાદી લઈ શોભાયાત્રાનું સમાપન કરશે.

શોભાયાત્રામાં કોઈપણ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે બે દિવસથી પોલીસનું ફુટ પેટ્રોલીંગ ચાલી રહ્યું છે. ઉપરાંત શોભાયાત્રામાં નાયબ પોલીસ અધિક્ષક સહિત 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 5 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 60 પોલીસ જવાન, 25 હોમગાર્ડસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જે વિસ્તારો સંવેદનશીલ છે ત્યાં ધાબા પોઇન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રામનવમીની ઉજવણીની તૈયારી આગલા દિવસોમાં જોવા મળી હતી. શહેરના યુવાનોમાં એક અનેરો સ્વયંભૂ ઉત્સાહ જોવા મળે છે. શોભાયાત્રા જે રાજમાર્ગો ઉપરથી પસાર થનાર છે તે તમામ રસ્તાઓ ઉપર ભગવા લહેરાવી દિધા છે. ઉપરાંત શોભાયાત્રામાં ભગવાન શ્રીરામનું ભવ્ય કટ-આઉટ જોવા મળશે. જે આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બની રહેશે.

ખંભાતમાં રામનવમીની શોભાયાત્રામાં પોલીસ “બોડી વોર્ન” કેમેરાથી સજ્જ રહેશે
ખંભાત ડિવિઝનના આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ પોલીસ અભિષેક ગુપ્તાના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક મળી હતી. ખંભાતવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. આ યાત્રા દરમિયાન પોલીસ બોડી વોર્ન કેમેરાથી સજજ રહેશે.આયોજકો દ્વારા જે રૂટ નક્કી કરવામાં આવ્યા છે. તેનું સતત પેટ્રોલિંગ કરવામાં આવશે અને બાતમીદારોને સક્રિય કરી સઘન વોચ રાખવામાં આવશે.આ સિવાય રૂટ પર આવનારા સીસીટીવી કેમેરાનું મેપિંગ કરાશે અને કંટ્રોલરૂમમાં પોલીસ દ્વારા સતત તેના પર એટેન્શન રાખવામાં આવશે. બીજી તરફ એસઆરપી અને આણંદ એસઓજી, એલસીબી, ખંભાત-શહેર ગ્રામ્ય પોલીસની ટીમો પણ રખાશે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.આ ઉપરાંત આગામી અઠવાડિયા દરમિયાન સોશિયલ મીડિયા ઉપર ફરતા ધમાલ અંગેના ખોટા મેસેજ તથા અન્ય કોઈ અફવા ઉપર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. આ શાંતિ સમિતિ બેઠક દરમિયાન ખુશમનભાઈ પટેલ, ઇફ્તેખાર યમની, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, ચંદુભાઈ કડિયા બંને સમાજના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

Most Popular

To Top