નવી દિલ્હી: ભારતીય ક્રિકેટરો હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં વ્યસ્ત છે. ત્યાર બાદ ભારતીય ટીમ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત T20 વર્લ્ડ કપ 2024 રમવા જશે. આ દરમિયાન આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગે એક સમાચાર બહાર આવ્યા છે.
પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટને લઈને સૌથી મોટો મુદ્દો એ છે કે શું ભારતીય ટીમ આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં? આ અંગે ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ પહેલા જ સ્પષ્ટ કહી ચુક્યા છે કે ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે નહીં જાય.
હવે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે કે નહીં તેનો નિર્ણય માત્ર ભારત સરકાર લેશે. આપણે બધાએ તેનો નિર્ણય સ્વીકારવો પડશે.
રાજીવ શુક્લાએ કહ્યું, ચેમ્પિયન ટ્રોફીના મામલે ભારત સરકાર અમને જે પણ કરવા કહેશે, તે કરવામાં આવશે. જ્યારે ભારત સરકાર પરવાનગી આપે ત્યારે જ અમે અમારી ટીમ મોકલીએ છીએ. તે બાબતમાં અમે ભારત સરકારના નિર્ણયને અનુસરીશું.
જય શાહે શું કહ્યું હતું ?
આ અગાઉ ફેબ્રુઆરીમાં જય શાહે પણ આ મામલે નિવેદન આપ્યું હતું. જય શાહે કહ્યું હતું કે, હું તે કેવી રીતે નક્કી કરી શકું? ICC નક્કી કરશે. સરકાર જે પણ નિર્ણય લેશે તે મુજબ જ થશે. જય શાહે કહ્યું કે ટુર્નામેન્ટમાં હજુ એક વર્ષ બાકી છે અને આ એક વર્ષમાં પરિસ્થિતિ કેટલી બદલાશે તે ખબર નથી.
બીસીસીઆઈના પ્રમુખ અને ઉપપ્રમુખ પાકિસ્તાન ગયા હતા
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એશિયા કપ દરમિયાન બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા પાકિસ્તાન ગયા હતા. ICC ODI વર્લ્ડ કપ રમવા માટે પાકિસ્તાનની ટીમ પણ ભારત આવી હતી. હાલમાં જ ભારતીય ડેવિસ ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. ભારતીય ટેનિસ ટીમને પાકિસ્તાનના પ્રવાસે જવાની લીલી ઝંડી મળી ગઈ હતી, ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ પણ સરહદ પાર કરવાની અટકળો શરૂ થઈ ગઈ હતી.
16 વર્ષ પહેલા ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ હતી
ભારતીય ટીમે છેલ્લે 16 વર્ષ પહેલાં 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યાર પછી મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસ પર એશિયા કપ રમી હતી. ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તે શ્રીલંકાના હાથે 100 રનથી હારી ગઈ હતી.