Business

શું 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે?, સરકારે કર્યો ખુલાસો

છેલ્લાં કેટલાંક સમયથી 2000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર GST લાદવા અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આ સમાચારે વ્યક્તિગત યુઝર્સ અને નાના વેપારીઓ સહિત ઘણા UPI યુઝર્સને આશ્ચર્યચકિત કર્યા છે. હવે સરકારે આ અંગે સ્પષ્ટતા જારી કરી છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આવા દાવા સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા છે. સરકાર પાસે આવી કોઈ યોજના નથી.

કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું હતું કે સરકાર 2000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર GST લાદવાની યોજના બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર ચર્ચા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ડિજિટલ પેમેન્ટ પર GST વસૂલવા અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે.

CBIC એ જણાવ્યું હતું કે UPI એ ગ્રામીણ સમુદાયોના લોકો પૈસા ચૂકવવા અને પ્રાપ્ત કરવાની રીતમાં ક્રાંતિ લાવી છે, જેનાથી રોકડની જરૂરિયાત દૂર થઈ છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર GST લાદવાનું વિચારી રહી છે તેવા દાવા સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા છે. હાલમાં સરકાર પાસે આવી કોઈ યોજના નથી.

GST ફક્ત MDR પર જ વસૂલવામાં આવે છે
GST ચોક્કસ સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચુકવણીઓ સાથે સંકળાયેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) જેવા ચાર્જ પર વસૂલવામાં આવે છે. જાન્યુઆરી 2020 થી અમલમાં આવતા CBDT એ 30 ડિસેમ્બર 2019 ના રોજ એક ગેઝેટ સૂચના દ્વારા વ્યક્તિ-થી-વેપારી (P2M) UPI વ્યવહારો પર MDR દૂર કર્યો છે. હાલમાં UPI વ્યવહારો પર કોઈ MDR વસૂલવામાં આવતો નથી. તેથી આ વ્યવહારો પર કોઈ GST લાગુ પડતો નથી.

સરકાર UPI ને સમર્થન આપી રહી છે
સરકાર UPI પર ટેક્સ લાદી રહી નથી પણ તેનો પ્રચાર કરી રહી છે. ખોટા દાવાઓથી વિપરીત સરકાર ડિજિટલ ચુકવણીઓને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. ખાસ કરીને ઓછા મૂલ્યના UPI વ્યવહારોને. આને ટેકો આપવા માટે નાણાકીય વર્ષ 2021-22 થી UPI પ્રોત્સાહન યોજના લાગુ કરવામાં આવી છે.

નાણાંકીય વર્ષ 2021-22માં 1389 કરોડ રૂપિયા નાણાંકીય વર્ષ 2022-23માં 2210 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2023-24માં 3631 કરોડ રૂપિયા પ્રોત્સાહનો આપવામાં આવ્યા હતા. આ ચુકવણીઓ વેપારીઓ માટે વ્યવહાર ખર્ચને આવરી લેવામાં મદદ કરે છે, જેનાથી ડિજિટલ ચુકવણીમાં વ્યાપક સ્વીકૃતિ અને નવીનતા આવે છે.

Most Popular

To Top